એન્ટીડિપ્રેસન્ટ્સ
Antidepressants
Below is a Gujarati translation of our information resource on antidepressants. You can also view our other Gujarati translations.
આ જાણકારી એ દરેક વ્યક્તિ માટે છે, જે એન્ટીડિપ્રેસન્ટ્સ વિશે વધુ જાણવા માંગે છે. તે વર્ણવે છે કે, એ કેવી રીતે કામ કરે છે, શા માટે તે સૂચવવામાં આવે છે, તેની અસરો અને આડઅસરો અને વૈકલ્પિક સારવાર.
એન્ટીડિપ્રેસન્ટ્સ શું છે?
એન્ટિડિપ્રેસન્ટ્સ એ દવાઓ છે જે ડિપ્રેશન, ચિંતા રોગો અને કેટલાક અન્ય પરિસ્થિતિઓના લક્ષણોમાં રાહત પ્રદાન કરી શકે છે. તે સૌપ્રથમ 1950 ના દાયકામાં વિકસાવવામાં આવી હતી અને ત્યારથી તેનો નિયમિત ઉપયોગ થતો રહ્યો છે. પાંચ મુખ્ય શ્રેણીઓ છે:
- એસ.એસ.આર.આઈ. (સિલેકટિવ સીરોતોનીન રીઅપટેક અવરોધક)
- એસ.એન.આર.આઈ. (સીરોતોનીન એંડ નોરઅડરેનલિન રીઅપટેક અવરોધક)
- એન.એ.એસ.એસ.એ. (નોરઅડરેનલિન અને સ્પેસિફિક સીરોતોનીનરજિક એન્ટીડિપ્રેસ્સંટ)
- ટ્રાઈસાયકલીક
- એમ.એ.ઑ.આઈ. (મોનોઅમાઈન ઓક્સિડેસ અવરોધક).
અન્ય શ્રેણીઓના એન્ટિડિપ્રેસન્ટ્સ પણ છે, જે આજકાલ ઓછા પ્રમાણમાં સૂચવવામાં આવે છે:
- ટેટ્રાસાઇક્લિક્સ
- એસ.એ.આર.આઈ. (સેરોટોનીન એન્ટાગોનિસ્ટ એન્ડ રિઅપ્ટેક ઇન્હીબીટર્સ)
- એન.ડી.આર.આઈ. (નોરેપીનેફ્રીન-ડોપેમીન રિઅપ્ટેક ઇન્હીબીટર્સ).
આ સ્રોત ડિપ્રેશનના લક્ષણોનો ઇલાજ કરવા માટે એન્ટિડિપ્રેસન્ટનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ, આ સ્રોતમાંની ઘણી માહિતી તે લોકો માટે ઉપયોગી થઈ શકે છે જે અન્ય પરિસ્થિતિઓ માટે એન્ટીડિપ્રેસન્ટ્સ લઈ રહ્યા છે.
એન્ટીડિપ્રેસન્ટ્સ લેવાનું સુરક્ષિત રીતે કેવી રીતે બંધ કરવું તે અંગેની માહિતી માટે, અમારા એન્ટીડિપ્રેસન્ટ્સ બંધ કરવાના સંસાધન પર એક નજર નાખો.
એન્ટીડિપ્રેસન્ટ્સ કેવી રીતે કામ કરે છે?
ઘણી અન્ય દવા અને ઉપચારોની જેમ, અમે ખાતરીપૂર્વક નથી જાણતા કે એન્ટિડિપ્રેસન્ટ્સ કેવી રીતે કામ કરે છે. અમે જાણીએ છીએ કે, તે અમારા મગજમાં કેટલાક રાસાયણિક પદાર્થોની પ્રવૃત્તિને પ્રભાવિત કરે છે. આને ન્યુરોટ્રાન્સમીટર કહેવામાં આવે છે, અને તે એક મગજના કોષથી બીજામાં મગજના કોષ સુધી સંકેતો પસાર કરે છે. એન્ટીડિપ્રેસન્ટ્સ દ્વારા સૌથી વધુ પ્રભાવિત થતા ન્યૂરોટ્રાન્સમીટર્સ સેરોટોનિન અને નોરાડ્રેનાલિન છે.
પરંતુ, સંશોધન સૂચવે છે કે એન્ટીડિપ્રેસન્ટ્સ મગજ પર અનેક રીતે કામ કરે છે જે સરળ રાસાયણિક પ્રતિક્રિયાઓથી આગળ વધે છે. આ સંશોધન સૂચવે છે કે તે:
- શરીર તણાવને કેવી રીતે પ્રતિસાદ આપે છે તેના પર અસર કરે છે
- આપણી નકારાત્મક વિચારસરણીમાં સુધારો કરે છે
- મગજના કોષોને નુકસાન અટકાવે છે અથવા તેને પાછું ફરી વાળે છે.
એન્ટીડિપ્રેસન્ટ્સનો ઉપયોગ શેના માટે થાય છે?
હળવા ડિપ્રેશન માટે સામાન્ય રીતે એન્ટીડિપ્રેસન્ટ્સ સૂચવવા જોઈએ નહીં. જો કે, તે મધ્યમથી ગંભીર ડિપ્રેસિવ બીમારીવાળા પુખ્ત વયના લોકો માટે ભલામણ કરવામાં આવે છે. આ તે છે જ્યારે ડિપ્રેશન કોઈના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો કરી રહ્યું છે અને તેમના રોજિંદા જીવન પર અસર કરી રહ્યું છે. એન્ટિડિપ્રેસન્ટ્સ એકલા અથવા માનસિક સારવાર સાથે સંયુક્ત રીતે ઉપયોગ કરી શકાય છે.
સામાન્ય રીતે બાળકો અને કિશોરો માટે ઉપયોગમાં લેવા જોઈએ નહીં, સિવાય કે તેમનું ડિપ્રેશન:
- અન્ય સારવારોથી પ્રતિક્રિયા ન આપી હોય
- અથવા તે ખાસ કરીને ગંભીર છે.
એન્ટિડિપ્રેસન્ટ્સ કેટલીક અન્ય પરિસ્થિતિઓ માટે પણ સૂચવવામાં આવી શકે છે, જેમાં શામેલ છે:
- ચિંતા અને ગભરાટના વિકારો
- ઓબ્સેસ્સિવ-કમ્પલ્સિવ ડિસઓર્ડર (ઑ.સી.ડી.)
- પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પી.ટી.એસ.ડી.)
- અમુક ખાવાના વિકાર
- દીર્ઘકાલીન પીડા (ક્રોનિક પીડા)
તમારા ડૉક્ટરે સમજાવવું જોઈએ કે તેઓ તમને એન્ટિડિપ્રેસન્ટ લેવાનું કેમ સૂચવી રહ્યા છે. તેમજ તેઓએ એન્ટિડિપ્રેસન્ટ લેવાના સંભવિત લાભો અને જોખમો વિશે પણ ચર્ચા કરવી જોઈએ.
એન્ટિડિપ્રેસન્ટ્સ કેટલા અસરકારક છે?
સંશોધન દર્શાવે છે કે એન્ટિડિપ્રેસન્ટ્સ પુખ્ત વયના લોકોમાં મધ્યમ અને ગંભીર ડિપ્રેશનના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ વિવિધ લોકોના આ દવાઓ સાથેના અનુભવ ખૂબ અલગ હોય શકે છે.
અમુક લોકો સમય જતાં એન્ટીડિપ્રેસન્ટ્સ વગર સારા થઈ જશે. જો કે, સામાન્ય રીતે લોકો એન્ટીડિપ્રેસન્ટ્સનો ઉપયોગ કર્યા પછી તેમના લક્ષણો અને જીવનની ગુણવત્તામાં સુધારો જુએ છે. આ ખાસ કરીને ત્યારે સાચું હોય છે જ્યારે તેમની ડિપ્રેશન વધુ ગંભીર હોય. કેટલાક લોકોને લાગે છે કે, એન્ટીડિપ્રેસન્ટ્સ તેમના ડિપ્રેશનના લક્ષણોને ઘટાડે છે પરંતુ પડકારજનક આડઅસરો પણ ધરાવે છે. અન્યને લાગે છે કે એન્ટીડિપ્રેસન્ટ્સ તેમના માટે કામ કરતા નથી.
જો તમારા ડૉક્ટર એન્ટીડિપ્રેસન્ટ્સ લખી આપે છે, તો તેઓએ તમને તે લેવાનું શરૂ કર્યાના લગભગ બે અઠવાડિયા પછી સમીક્ષા આપવી જોઈએ, આનું નિરીક્ષણ કરવા માટે:
- તમને કેવું લાગે છે
- શું તમને આડઅસરો થઈ રહી છે
- અને શું તમારે એન્ટીડિપ્રેસ્સંટ લેવાનું ચાલુ રાખવાની જરૂર છે.
એન્ટીડિપ્રેસન્ટ્સ એ બાહ્ય પરિબળોને દૂર કરી શકતા નથી કે જેના કારણે તમને ડિપ્રેશન થયું હોય. ઉદાહરણ તરીકે, જો તમે કામ પર ઘણું તણાવ અનુભવો છો અથવા કોઈ શોક અનુભવ્યો છે, તો એન્ટીડિપ્રેસન્ટ્સ, અલબત્ત, આ બાબતોને દૂર કરી શકશે નહીં. જો કે, તે ડિપ્રેશનના લક્ષણોને નિયંત્રિત કરવામાં અને આ બાહ્ય પરિબળોનો સામનો કરવાનું સરળ બનાવી શકે છે. આ એક કારણ છે કે તેઓ ઘણીવાર મનોચિકિત્સા સાથે ઉપયોગમાં લેવાય છે.
શું એન્ટીડિપ્રેસન્ટ્સથી કોઈ આડઅસર થાય છે?
બધી દવાઓની આડઅસરો હોઈ શકે છે. તમે એન્ટીડિપ્રેસન્ટ્સનો ઉપયોગ શરૂ કરવા સંમત થાઓ તે પહેલાં તમારા ડૉક્ટરે આ બાબતોની તમારી સાથે ચર્ચા કરવી જોઈએ. તમારે તમારા ડૉક્ટરને તમારી કોઈ પણ વૈદ્યકીય સ્થિતિઓ વિશે જણાવવું જોઈએ જે તમને હાલમાં છે કે ભૂતકાળમાં હતી. આનાથી તેઓ તમારા માટે કયા પ્રકારનું એન્ટીડિપ્રેસન્ટ સૂચવે છે તેના પર અસર કરી શકે છે.
નીચે કેટલાક આડઅસર દર્શાવવામાં આવ્યા છે, જે તમને વિવિધ પ્રકારના એન્ટિડિપ્રેસન્ટ્સ સાથે અનુભવાઈ શકે છે. તમે જે દવા લઈ રહ્યા છો તેની સાથે આવતી પત્રિકાઓમાં આની સંપૂર્ણ વિગતો હશે.
જ્યારે આડઅસરોની યાદી ચિંતાજનક લાગે છે, ત્યારે તે મોટાભાગના લોકો માટે હળવી હશે. તે સામાન્ય રીતે બે-ત્રણ અઠવાડિયામાં ઓસરી જશે જેમ-જેમ તમારું શરીર દવા સાથે સાનુકૂળ થઈ જાય.
એસ.એસ.આર.આઈ. અને એસ.એન.આર.આઈ.
- બેચેની, ધ્રુજારી અથવા ચિંતા અનુભવવી. આ કારણ વારંવાર લોકો પોતાની એન્ટીડિપ્રેસન્ટ દવા લેવાનું બંધ કરી દે, ખાસ કરીને જો તેઓને તેના વિશે પહેલેથી ચેતવણી ન આપવામાં આવી હોય તો. જો કે, આ આડઅસર સામાન્ય રીતે એન્ટીડિપ્રેસન્ટ્સ શરૂ કર્યા પછી થોડા અઠવાડિયામાં ઘટે છે.
- બીમારી નો અહેસાસ અથવા હોવું
- અપચો કે પેટનો દુઃખાવો
- ઝાડા કે કબજિયાત
- ભુખ ના લાગવી
- ચક્કર
- ઝાંખી દ્રષ્ટિ
- સૂકું મોઢું
- પરસેવો
- સારી રીતે ઊંઘ ન આવવી (અનિદ્રા), અથવા ખૂબ જ ઊંઘ આવવી
- માથાનો દુખાવો
- ઓછી જાતીય ઇચ્છા
- જાતીય સંબંધ કે હસ્તમૈથુન દરમિયાન ઓર્ગાઝમ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી
- પુરુષોમાં, ઇરેક્શન મેળવવામાં અથવા જાળવવામાં મુશ્કેલી (ઇરેક્ટાઇલ ડિસફંક્શન).
ભાગ્યે જ એવું બને છે કે લોકો એસ.એસ.આર.આઈ. લેવાનું બંધ કરી દીધા પછી વધુ સતત જાતીય આડઅસરો અનુભવી શકે છે. કેટલાક લોકો દ્વારા આ લક્ષણોનું વર્ણન કરવા માટે 'પોસ્ટ એસ.એસ.આર.આઈ. સેક્સ્યુઅલ ડિસફંક્શન' (PSSD) શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લોકો માટે, PSSD તેમના જીવન પર નોંધપાત્ર અને દુઃખદાયક અસર કરી શકે છે.
આ શા માટે થાય છે અને તે કેટલું સામાન્ય છે તે સમજવા માટે વધુ સંશોધનની જરૂર છે. એ મહત્વનું છે કે જે લોકોને જાતીય આડઅસરો થઈ રહી છે તેમને યોગ્ય અને સમયસર સહાય મળે.
NASSAs
NASSAs ની આડઅસરો SSRIs જેવી જ છે. તેનાથી તમને સુસ્તી અને વજન વધવાનો અનુભવ થઈ શકે છે, પરંતુ તે ઓછી જાતીય સમસ્યાઓ ઊભી કરે છે.
ટ્રાઈસાયકલીક
આ ઘણીવાર આનું કારણ બની શકે છે:
- સૂકું મોઢું
- થોડી દૃષ્ટિ ધૂંધલી થવી
- કબજિયાત
- પેશાબ કરવામાં તકલીફ
- ઊંઘ આવવી
- ચક્કર
- વજન વધારો
- અતિશય પરસેવો (ખાસ કરીને રાત્રે)
- હૃદય ગતિની સમસ્યાઓ, જેમ કે નોંધપાત્ર ધબકાર અથવા ઝડપી હૃદયધબકાર (ટાકીકાર્ડિયા).
એસ.એસ.આર.આઈ./એસ.એન.આર.આઈ. ની જેમ, આ આડઅસરો સામાન્ય રીતે હળવી હશે અને થોડા અઠવાડિયામાં ઓછી થઈ જશે.
MAOIs
એમ.એ.ઑ.આઈ. એ એન્ટીડિપ્રેસન્ટ્સનો એક વર્ગ છે જે સામાન્ય રીતે ઓછા સૂચવવામાં આવે છે. તેઓ સામાન્ય રીતે ફક્ત નિષ્ણાતો દ્વારા જ ઉપયોગમાં લેવાય છે. આનું મુખ્ય કારણ એ છે કે જે લોકો તેઓ લે છે તેઓને વધારે ટાયરામાઇન (એક અમીનો એસિડ) ધરાવતા ખોરાક ટાળતો એક કડક આહાર પાળવો પડે છે. જો આ આહાર પાળવામાં ન આવે, તો ખૂબ જ ઊંચા રક્તદાબ વિકસાવવાનું જોખમ રહે છે. સામાન્ય રીતે, એમ.એ.ઑ.આઈ. સારી રીતે સહન કરી શકાય છે. તેઓ કેટલીક પરિસ્થિતિઓમાં અસરકારક હોઈ શકે છે જ્યાં અન્ય એન્ટીડિપ્રેસન્ટ્સ કામ કરતા નથી અથવા અણગમા લાગે તેવી આડ-અસરો કરે છે.
જો તમે કોઈપણ પ્રકારની એન્ટીડિપ્રેસન્ટનો ઉપયોગ કરી રહ્યાં છો અને આડઅસરોનો અનુભવ કરો છો જે થોડા અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલે છે અથવા અસહ્ય બની જાય છે, તો તમારા ડૉક્ટર સાથે વાત કરો. તમારા મિત્રો અથવા પરિવારને એ પણ જણાવવું મદદરૂપ થઈ શકે છે કે તમે એન્ટીડિપ્રેસન્ટ્સ શરૂ કરી રહ્યા છો. જો તમને આડઅસરોનો અનુભવ થઈ રહ્યો હોય તો આ તેમને તમને ટેકો આપવામાં મદદ કરી શકે છે.
તમે જે એન્ટીડિપ્રેસન્ટ લઈ રહ્યા છો તેની સંપૂર્ણ માહિતી માટે, જેમાં આડઅસરોનો પણ સમાવેશ થાય છે, કૃપા કરીને ઇલેક્ટ્રોનિક મેડિસિન કૉમ્પેન્ડિયમ (EMC) ની મુલાકાત લો. પેજની ટોપ પરના સર્ચ બોક્સમાં દવાનું નામ ટાઇપ કરો. તમને તમારી દવા આપવામાં આવે ત્યારે આ માહિતીની પેપર કૉપી પણ આપવી જોઈએ. જો તમને તે ન મળે, તો તમારા ફાર્માસિસ્ટને તે આપવાની વિનંતી કરો.
એન્ટીડિપ્રેસન્ટ્સ અને આત્મહત્યાના વિચારો
ડિપ્રેશન તમને આત્મઘાતી અનુભવ કરાવી શકે છે. કેટલાક લોકો એન્ટીડિપ્રેસન્ટ્સ લેવાનું શરૂ કરે ત્યારે વધુ આત્મઘાતી વિચારો અનુભવે છે. આ થવાનું જોખમ બાળકો અને કિશોરોમાં વધારે હોઈ શકે છે. આથી, જો તેમને એન્ટિડિપ્રેસન્ટ્સ આપવામાં આવે છે તો તેને લખી આપનાર ડૉક્ટર અથવા અન્ય આરોગ્ય વ્યાવસાયિક દ્વારા આત્મહત્યાથી સંબંધિત વિચારો માટે કાળજીપૂર્વક નજર રાખવી જોઈએ.
જો તમને આત્મહત્યાના વિચારો કે લાગણીઓ આવી રહી હોય, તો તે તાત્કાલિક તમારા ડૉક્ટરને જણાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ સૂચવી શકે છે કે, તમે તમારી એન્ટીડિપ્રેસન્ટ દવા લેવાનું બંધ કરો.
જો તમને લાગે કે તમે પોતાને નુકસાન પહોંચાડવાના જોખમમાં છો, તો ૯૯૯ પર કૉલ કરો અથવા તમારી નજીકની A&E પર જાઓ.
જો તમે ઈમર્જન્સીમાં નથી પણ મદદની જરૂર છે, તો NHS 111 પર કોલ કરો.
ડ્રાઇવિંગ અથવા મશીનરી ચલાવવા વિશે શું?
કેટલીક એન્ટીડિપ્રેસન્ટ તમને સુસ્તી લાવી શકે છે અને તમારી પ્રતિક્રિયાઓને ધીમી પાડી શકે છે, તેથી વાહન ચલાવતાં અથવા મશીનરી ચલાવતાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ. તમારે તમારા ડૉક્ટર સાથે તપાસ કરવી જોઈએ અને દવાની સાથે આવતી પત્રિકા જોવી જોઈએ કે ખાતરી કરી શકાય.
જો તમારી સ્થિતિ અથવા દવા તમારા ડ્રાઇવિંગ કરવાની ક્ષમતા પર અસર કરે છે, તો તમારે ડ્રાઇવર અને વાહન લાઇસેન્સ એજન્સી (DVLA) ને જાણવું ફરજિયાત છે.
એન્ટીડિપ્રેસન્ટ્સ બંધ કરવુ કેવું હોય છે?
કેટલાક લોકો માટે એન્ટીડિપ્રેસન્ટ્સ બંધ કરવું મુશ્કેલ હોઈ શકે છે, જ્યારે અન્ય લોકો સરળતાથી બંધ કરી શકે છે.
એન્ટીડિપ્રેસન્ટ્સને ક્યારેય તરત જ બંધ ન કરવા જોઈએ. અમે આ ક્ષેત્રમાં વિગતવાર ચર્ચા કરતી એક અલગ માહિતી સંસાધન વિકસિત કર્યું છે જે એન્ટીડિપ્રેસન્ટ્સ બંધ કરવાનું છે. તે ધીમે-ધીમે કેવી રીતે બંધ કરવું તે અંગે સલાહ આપે છે.
એન્ટીડિપ્રેસન્ટ્સ બંધ કર્યાના થોડા દિવસોમાં સામાન્ય રીતે ઉપાડના લક્ષણો દેખાય છે અને તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- માથાનો દુખાવો
- ચક્કર
- ઉબકા
- ઊંઘવામાં મુશ્કેલી
- સ્પષ્ટ અથવા ડરાવણા સ્વપ્નો
- વીજળી જેવી સંવેદનાઓ (જેને 'ઝેપ્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે)
- મનોદશામાં અચાનક ફેરફાર, જેમાં ચિંતા અને ચીડિયાપણું શામેલ છે.
જો ડિપ્રેશન અઠવાડિયા અથવા મહિના પછી પાછું આવે, તો એ અધિક સંભવિતપણે પ્રારંભિક સ્થિતિની પુનઃવાપસીના કારણે થઈ શકે છે, નહિ કે દવા છોડવાથી થતા લક્ષણો.
તમે આ વિશે વધુ માહિતી અમારા એન્ટીડિપ્રેસન્ટ્સ માહિતી સંસાધનને બંધ કરવા વિશે જાણી શકો છો.
શું એન્ટિડિપ્રેસન્ટ લત લાગે છે અથવા શું તમે તેના પર નિર્ભર થઈ શકો છો?
કેટલાક લોકો એન્ટિડિપ્રેસન્ટ્સનો ઉપયોગ બંધ કરે છે, ત્યારે અપ્રિય ઉપચારના લક્ષણો અનુભવે છે. મોટાભાગના લોકોને, આ વિથડ્રૉઅલ લક્ષણોને કેટલાક અઠવાડિયામાં એન્ટીડિપ્રેસન્ટની માત્રા ધીમે ધીમે ઘટાડવાથી ઓછા કરી શકાય છે. જોકે, કેટલાક લોકોને તે ફરીથી લેવાનું શરૂ કરવાની અને તેને વધુ ધીમે-ધીમે ઘટાડવાની જરૂર પડી શકે છે.
જો તમને ગમે ત્યારે તમે તેને લેવાનું બંધ ન કરી શકો, તો તમને એવું લાગી શકે છે કે તમે એન્ટીડિપ્રેસન્ટના વ્યસની છો. આ બિલકુલ તેવું નથી કે તમને 'આદત પડી ગઈ' છે.
વ્યસનનો સામાન્ય અર્થ એ છે કે તમે:
- કોઈ પદાર્થનો ઉપયોગ કરવાની તીવ્ર ઇચ્છા અથવા તૃષ્ણા અનુભવો છો
- પદાર્થના તમારા ઉપયોગ પર નિયંત્રણ ગુમાવો છો
- જ્યારે તમે તેનો ઉપયોગ કરો છો ત્યારે આનંદ અથવા 'હાઈ' અનુભવો છો.
નશાની લત દારૂ, નિકોટિન અને બેન્ઝોડિએઝેપાઇન્સ જેવા પદાર્થો સાથે થઈ શકે છે.
એન્ટીડિપ્રેસન્ટ્સ લેવાનું બંધ કરવું મુશ્કેલ બની શકે છે, પરંતુ આને વધુ સચોટ રીતે શારીરિક નિર્ભરતા તરીકે વર્ણવવામાં આવે છે.
'શારીરિક નિર્ભરતા' શબ્દનો અને વ્યસન વચ્ચેનો ભેદ ગૂંચવાઈ ગયો છે. શારીરિક નિર્ભરતાનો અર્થ એ છે કે તમારું શરીર પદાર્થ કે દવાની હાજરીને અનુકૂળ થઈ ગયું છે.
આનાથી સહનશક્તિ અને વાપસી અસરો ઉત્પન્ન થાય છે કારણ કે, શરીર તે ગયા પછી તેની ‘ઉણપ’ અનુભવે છે. એક દવા નિર્ભરતા-પ્રેરક બનવા માટે ‘હાઈ’ ઉત્પન્ન કરવાની જરૂર નથી.
મને કયા પ્રકારનું એન્ટીડિપ્રેસન્ટની ભલામણ કરવામાં આવી છે?
અહીં તમે સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતા એન્ટિડિપ્રેસન્ટ્સની સૂચિ, તેમના યુકેમાં વેપાર નામો, અને તે જે જૂથમાં આવે છે તે જોઈ શકો છો.
દવા | વેપાર નામ | ગ્રુપ |
| અમિટ્રિપ્ટિલાઇન | ટ્રિપ્ટીઝોલ | ટ્રાયસાયક્લિક |
| એગોમેલેટીન | વાલડોક્સાન | અન્ય* |
| બ્યુપ્રોપિયન | ઝાયબાન | NDRI |
| સિતાલોપ્રામ | સિપ્રામિલ | SSRI |
| ક્લોમિપ્રમાઇન | એનાફ્રેનિલ | ટ્રાયસાયક્લિક |
| ડેસિપ્રમાઇન | નોરપ્રામિન | ટ્રાયસાયક્લિક |
| ડેસવેનલાફેક્સિન | પ્રિસ્ટિક | SNRI |
| ડોઝ્યુલેપિન | પ્રોથિએડન | ટ્રાયસાયક્લિક |
| ડોકસેપિન | સિનેક્વાન | ટ્રાયસાયક્લિક |
| ડ્યુલોક્સેટિન | સિમ્બાલ્ટા, યેન્ટ્રેવ | SNRI |
| એસ્કીટોલોપ્રામ | સિપ્રાલેક્સ | SSRI |
| ફ્લૂઓક્સેટિન | પ્રોઝેક | SSRI |
| ફ્લુવોક્સામિન | ફાવેરિન | SSRI |
| ઇમિપ્રામિન | ટોફ્રાનિલ | ટ્રાયસાયક્લિક |
| આઇસોકાર્બોકસાઝિડ | મારપ્લાન | MAOI |
| લોફેફ્રામિન | ગામાનિલ | ટ્રાયસાયક્લિક |
| મિઆન્સેરિન | ટોલ્વોન | ટેટ્રાસાયક્લિક |
| મિલનાસિપ્રાન | ઇક્સેલ અને સેવેલા | SNRI |
| મિર્ટાઝાપિન | ઝિસ્પિન | NASSA |
| મોક્લોબેમાઇડ | મેનેરિક્સ | MAOI |
| નેફાઝોડોન | સેર્ઝોન | SARI |
| નોર્ટેરિપ્ટિલિન | એલેગ્રોન | ટ્રાયસાયક્લિક |
| પારોક્સેટિન | સેરોક્સેટ | SSRI |
| ફેનેલઝિન | નાર્ડિલ | MAOI |
| રીબોક્સેટીન | એડ્રોનૅક્સ | SNRI |
| સર્ટ્રાલાઇન | લુસ્ટ્રલ | SSRI |
| ટ્રાનીલસીપ્રોમાઇન | પાર્નેટ | MAOI |
| ટ્રાઝોડોન | મોલિપેક્સિન | ટ્રાઇસાયક્લિક-સંબંધિત |
| ટ્રિમિપ્રમાઇન | સર્મોન્ટિલ | ટ્રાયસાયક્લિક |
| વેનલાફેક્સિન | એફેક્સોર | SNRI |
| વિલાઝોડોન | વિબ્રિડ | SSRI |
| વોર્ટિઓક્સેટીન | બ્રિન્ટેલિક્સ | SSRI |
*આ એન્ટિડિપ્રેસન્ટ સેરોટોનિનને નિયમિત કરે છે પરંતુ ક્લાસિક એન્ટિડિપ્રેસન્ટ્સની તુલનામાં અલગ રીતે. તે મેલાટોનિન પર પણ કાર્ય કરે છે જે ઊંઘ સાથે સંકળાયેલ હોર્મોન છે.
આ તમામ એન્ટીડિપ્રેસન્ટ્સની સંપૂર્ણ યાદી નથી. અન્ય દવાઓ પણ છે જે ક્યારેક વિશિષ્ટ પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાય છે.
ગર્ભાવસ્થા અને સ્તનપાન બાબતે શું?
ઘણા લોકોને ગર્ભાવસ્થા પહેલાં, દરમિયાન અને પછી શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે દવાઓ લેવી પડે છે. કેટલીક દવાઓનો ઉપયોગ ઘણા વર્ષોથી ગર્ભાવસ્થામાં કરવામાં આવે છે. બીજા ઔષધો ગર્ભાવસ્થામાં ખતરનાક માનવામાં આવે છે (જેમ કે સોડિયમ વાલ્પ્રોટ).
ગર્ભાવસ્થા દરમિયાન અથવા સ્તનપાન કરાવતી વખતે એન્ટીડિપ્રેસન્ટ્સ લેવાનું ચાલુ રાખવું, બદલવું કે બંધ કરવું તે અંગેના નિર્ણયો સીધા કે સરળ નથી. ઘણા પરિબળો પર ધ્યાનમાં રાખવા પડે છે, જેમ કે:
- તમે જે દવા લઈ રહ્યા છો
- તમારી વ્યક્તિગત બીમારીનો ઈતિહાસ
- તમારી સારવાર પ્રત્યેની પ્રતિક્રિયા
- તમારા મંતવ્યો.
ગર્ભાવસ્થામાં એન્ટીડિપ્રેસન્ટ્સ સહિત દવા લેવાથી થતા કોઈપણ જોખમોને સારવાર વિના અસ્વસ્થ થવાના જોખમ સામે સંતુલિત કરવાની જરૂર છે. તમારે તમારા જી.પી. (જનરલ પ્રાકટિશનર) અથવા મનોચિકિત્સક સાથે સાવચેતીપૂર્વક ચર્ચા કરવી પડશે.
સંશોધન અભ્યાસોએ હજારો મહિલાઓ પર ધ્યાન આપ્યું છે જેમણે ગર્ભાવસ્થા દરમિયાન એન્ટીડિપ્રેસન્ટ્સ લીધા છે. આ અભ્યાસોનું અર્થઘટન કરવું હંમેશાં સરળ નથી હોતું, કારણ કે ઘણા પરિબળો બાળકોના પરિણામોને અસર કરે છે. તમારા ડૉક્ટર અથવા મનોચિકિત્સક તમને સમજવામાં મદદ કરી શકે છે કે વર્તમાન સંશોધન તમારી વ્યક્તિગત પરિસ્થિતિમાં વિવિધ દવાઓ વિશે શું કહે છે.
ઘણી સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન એન્ટીડિપ્રેસન્ટ્સ લે છે. SSRI જેવા સામાન્ય રીતે વપરાતા એન્ટીડિપ્રેસન્ટ્સ અને ગર્ભાવસ્થામાં તેમના ઉપયોગ વિશે વધુ માહિતી ઉપલબ્ધ છે. વોર્ટિઓક્સેટિન જેવા નવા એન્ટીડિપ્રેસન્ટ્સ માટે ઘણી ઓછી માહિતી ઉપલબ્ધ છે. તમે ગર્ભાવસ્થામાં દવાઓનો શ્રેષ્ઠ ઉપયોગ વેબસાઇટ પર વ્યક્તિગત એન્ટીડિપ્રેસન્ટ્સ વિશે માહિતી મેળવી શકો છો.
જો તમે હજુ ગર્ભવતી નથી
જો શક્ય હોય તો, ગર્ભવતી થતાં પહેલાં તમારે તમારા ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ. જોકે, ઘણી ગર્ભાવસ્થાઓ આયોજિત ન હોય છે અને જ્યારે તમે પહેલાથી જ ગર્ભવતી હો ત્યારે તમારે દવા વિશે નિર્ણય લેવા પડી શકે છે.
જો તમે પહેલાથી જ ગર્ભવતી છો
જો તમે પહેલાથી જ ગર્ભવતી છો, તો તમારે શક્ય તેટલી વહેલી તકે તમારા ડૉક્ટરને મળવું જોઈએ. તમારા ડૉક્ટર તમને કહે ત્યાં સુધી, અચાનક દવા બંધ ન કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અચાનક એન્ટીડિપ્રેસન્ટ્સ બંધ કરવાથી તમારી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ફરીથી થઈ શકે છે. તે અપ્રિય આડઅસરો પણ પેદા કરી શકે છે. દવા બંધ કરવી સલામત છે કે નહીં તે નક્કી કરતા પહેલા તમારે તમારી પાછલી બીમારીની ગંભીરતા વિશે વિચારવાની જરૂર છે. ગર્ભાવસ્થા દરમિયાન દવા બંધ કર્યા પછી ઘણી સ્ત્રીઓ ફરીથી બીમાર થઈ જાય છે.
વધુ માહિતી માટે, ગર્ભાવસ્થામાં માનસિક સ્વાસ્થ્યપરની અમારી પત્રિકા જુઓ.
મારે કેટલા સમય સુધી એન્ટીડિપ્રેસન્ટ્સ લેવી પડશે?
તમારે એન્ટીડિપ્રેસન્ટ કેટલા સમય સુધી લેવાની છે, તે તમને તે શા માટે સૂચવવામાં આવ્યું હતું અને તમારે તે પહેલાં લેવી પડી છે કે નહીં તેના પર આધાર રાખે છે.
જો તમે પહેલી કે બીજી વાર એન્ટીડિપ્રેસન્ટ્સ લઈ રહ્યા છો, તો સારું થયા પછી ઓછામાં ઓછા છ મહિના સુધી તેને લેવાનું ચાલુ રાખવું શ્રેષ્ઠ છે. જો તમે દવા લેવાનું શરૂ થાય તે પહેલાં બંધ કરી દો છો, તો ડિપ્રેશનના લક્ષણો પાછા આવવાની શક્યતા વધુ રહે છે. જો તમને પહેલા ડિપ્રેશનના ઘણા એપિસોડ થયા હોય, તો તમારે તેને લાંબા સમય સુધી લેવાની જરૂર પડી શકે છે. જોકે, તેમને ક્યારે અને કેવી રીતે બંધ કરવા તે અંગે તમારા ડૉક્ટર સાથે સતત ચર્ચા થવી જોઈએ.
તમને બીમાર થવામાં શું કારણ હોઈ શકે છે તે વિશે વિચારવું યોગ્ય છે. ક્યારેક, ડિપ્રેશન જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અચાનક જ થાય છે, અને તેનું કોઈ સ્પષ્ટ કારણ હોતું નથી. જોકે, તમારા જીવનમાં એવી બાબતો હોઈ શકે છે જે મુશ્કેલ હતી અને જેના કારણે તમે બીમાર પડ્યા હતા. ઉદાહરણ તરીકે, નાણાકીય તણાવ, એકલતા અથવા નોકરી ગુમાવવી. ક્યારેક તણાવ સંપૂર્ણપણે અનિવાર્ય હોય છે. જોકે, ભવિષ્યમાં ફરીથી બીમાર થવાની શક્યતા ઓછી કરવા માટે તમે કેટલીક બાબતો કરી શકો છો.
જો ડિપ્રેશન પાછું આવે તો શું?
ક્યારેક ડિપ્રેશન પાછું આવે છે, ભલે તમે સ્વસ્થ રહેવા માટે તમારાથી બનતું બધું કર્યું હોય. જો આવું થાય, તો તમારે આ કરવાની જરૂર પડી શકે છે:
- તમારા ડૉક્ટર સાથે સલાહ લીધા પછી ફરીથી એન્ટીડિપ્રેસન્ટ્સ લેવાનું શરૂ કરો
- તમારા એન્ટીડિપ્રેસન્ટ બદલો
- અથવા ટોકિંગ થેરાપી જેવી બીજી સારવારનો પ્રયાસ કરો.
કેટલાક લોકોને સ્વસ્થ રહેવા માટે લાંબા સમય સુધી એન્ટીડિપ્રેસન્ટ્સ લેવાની જરૂર પડે છે. જો તમને આશા હતી કે તમે તમારા એન્ટીડિપ્રેસન્ટ લેવાનું બંધ કરી શકશો તો આ નિરાશાજનક બની શકે છે. એ યાદ રાખવું અગત્યનું છે કે ભવિષ્યમાં તમે ફરીથી એન્ટીડિપ્રેસન્ટ્સ લેવાનું બંધ કરી શકો છો. આનો અર્થ એ નથી કે તમે 'નિષ્ફળ' થયા છો.
જો હું એન્ટીડિપ્રેસન્ટ્સ ન લઉં તો શું થશે?
તે કહેવું મુશ્કેલ છે. તે તેના પર આધાર રાખે છે કે તેમને શા માટે સૂચવવામાં આવ્યા હતા, તમારું ડિપ્રેશન કેટલું ખરાબ છે અને તમે કેટલા સમયથી હતાશાથી પીડાઈ રહ્યા છો. ક્યારેક ડિપ્રેશન કોઈપણ સારવાર વિના અથવા ટોકિંગ થેરાપી જેવી અન્ય સારવારોથી સારું થઈ જાય છે.
એન્ટીડિપ્રેસન્ટ્સ તમારા માટે ટોકિંગ થેરાપી જેવી અન્ય સારવારોમાં જોડાવાનું સરળ બનાવી શકે છે. તે ટોકિંગ થેરાપીને વધુ અસરકારક પણ બનાવી શકે છે.
તમારા ડૉક્ટર તમને એન્ટીડિપ્રેસન્ટ્સ લખી આપે તે પહેલાં તેમણે તમારી સાથે આ અંગે ચર્ચા કરવી જોઈએ. તેમણે ખાતરી કરવી જોઈએ કે તમે એન્ટીડિપ્રેસન્ટ્સ લેવાના અને ન લેવાના ફાયદા અને જોખમોને સંપૂર્ણપણે સમજો છો.
એન્ટીડિપ્રેસન્ટ્સ વિશે મારે બીજું શું જાણવાની જરૂર છે?
જો તમે એન્ટીડિપ્રેસન્ટ્સ લઈ રહ્યા છો તો જાણવા માટે અહીં કેટલીક મદદરૂપ બાબતો છે:
- જો તમે જે એન્ટીડિપ્રેસન્ટ લઈ રહ્યા છો તેનાથી તમને તકલીફ પડી રહી હોય, તો તમારા ડૉક્ટર સાથે વાત કરો. તેઓ તમને એવી દવા અથવા માત્રા શોધવામાં મદદ કરશે જે તમારા માટે કામ કરે અને તમને અનિયંત્રિત આડઅસરો ન આપે. જો તમે બહુવિધ એન્ટીડિપ્રેસન્ટ્સનો પ્રયાસ કર્યો હોય, તો તેઓ વિકલ્પો પર ધ્યાન આપવાનું વિચારી શકે છે.
- જો તમને કોઈ આડઅસર થાય તો નિરાશ ન થવાનો પ્રયાસ કરો. આ અપ્રિય હોઈ શકે છે, અને તે સમજી શકાય તેવું છે કે લોકો ક્યારેક તેમના એન્ટીડિપ્રેસન્ટ્સ લેવાનું બંધ કરી દે છે. જોકે, મોટાભાગની આડઅસરો બે અઠવાડિયામાં દૂર થઈ જાય છે. જો શક્ય હોય તો, રોકાતા પહેલા આટલા સમય સુધી રાહ જોવાનો પ્રયાસ કરો. જોકે, જો આડઅસરો અસહ્ય હોય અથવા તમને આત્મહત્યાની ઇચ્છા થાય, તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
- ડોઝ ચૂકી ન જવાનો પ્રયાસ કરો, કારણ કે આનાથી તમને ઉપાડના લક્ષણો વિકસાવી શકે છે. જો તમે કોઈ ડોઝ ચૂકી જાઓ છો, તો તમારો આગલો ડોઝ હંમેશની જેમ લો. ચૂકી ગયેલા ડોઝની 'ભરપાઈ' સામાન્ય કરતાં વધુ ન કરો.
- મોટાભાગના લોકોને લાગે છે કે એન્ટીડિપ્રેસન્ટ્સને કામ કરવાનું શરૂ કરવામાં 1-2 અઠવાડિયા લાગે છે. કેટલાક લોકોને સંપૂર્ણ અસર અનુભવવાનું શરૂ કરવામાં 6 અઠવાડિયા જેટલો સમય લાગે છે. જો તમને હજુ સુધી તમારા એન્ટીડિપ્રેસન્ટના ફાયદા ન લાગે, તો પણ બંધ કરતા પહેલા થોડા અઠવાડિયા સુધી તેને લેવાનું ચાલુ રાખવાનો પ્રયાસ કરો. તમને લાગશે કે વસ્તુઓ સુધરશે.
- દારૂ પીવા વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો. મોટાભાગના એન્ટીડિપ્રેસન્ટ્સ દારૂ સાથે પ્રતિક્રિયા આપતા નથી. જોકે, કેટલાક એન્ટીડિપ્રેસન્ટ્સ દારૂ લેતી વખતે પીધા પછી તમને બીમાર અથવા સુસ્તી લાવી શકે છે, અથવા દારૂની અસરોમાં વધારો કરી શકે છે.
- જો તમને લાગે કે એન્ટીડિપ્રેસન્ટ્સ તમારા શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી રહ્યા છે, તો તમારા ડૉક્ટર સાથે વાત કરો.
- એન્ટીડિપ્રેસન્ટ્સ ચોક્કસ ખોરાક અને દવાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે. ઉદાહરણ તરીકે, ગ્રેપફ્રૂટ એન્ટીડિપ્રેસન્ટ સેર્ટ્રાલાઇન સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે. તમારે તમારા ડૉક્ટર અથવા ફાર્માસિસ્ટને પૂછવું જોઈએ કે શું તમારું એન્ટીડિપ્રેસન્ટ કોઈપણ ખોરાક અથવા દવાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, અને તમારા પ્રિસ્ક્રિપ્શન સાથે આવતી માહિતી કાળજીપૂર્વક વાંચો. જો તમે નવી દવા શરૂ કરો છો, તો તેની સાથે આવતી માહિતી તપાસો કે તે તમારા એન્ટીડિપ્રેસન્ટ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતી નથી.
ડિપ્રેશન માટે બીજી કઈ સારવાર ઉપલબ્ધ છે?
વાતચીત ઉપચાર (માનસિક ઉપચાર)
ડિપ્રેશન માટે ઘણી ઉપયોગી વાતચીત ઉપચાર પદ્ધતિઓ ઉપલબ્ધ છે. આ દવાઓ ઘણીવાર પ્રથમ વિકલ્પ તરીકે ભલામણ કરવામાં આવે છે, અથવા એન્ટીડિપ્રેસન્ટ્સ સાથે સંયોજનમાં ઉપયોગમાં લેવાય છે.
- કાઉન્સેલિંગ - હળવા ડિપ્રેશનમાં કાઉન્સેલિંગ ઉપયોગી થઈ શકે છે, અને સમસ્યાનું નિરાકરણ લાવવાની તકનીકો વિકસાવવામાં મદદ કરી શકે છે. જ્યારે તમારા જીવનમાં મુશ્કેલીઓને કારણે ડિપ્રેશન થયું હોય ત્યારે કાઉન્સેલિંગ મદદ કરી શકે છે.
- જ્ઞાનાત્મક વર્તણૂકીય ઉપચાર (CBT) - CBT તમને તમારા વિચારો, ક્રિયાઓ અને લાગણીઓ વચ્ચેના જોડાણોને ઓળખવાનું શીખવીને તમારી માનસિક સ્થિતિ સુધારવામાં મદદ કરી શકે છે. અન્ય મનોવૈજ્ઞાનિક ઉપચારોથી વિપરીત, તે તમારા ભૂતકાળ પર ઓછું અને તમારા વર્તમાનમાં શું થઈ રહ્યું છે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ અને મનોરોગ ચિકિત્સાનાં અન્ય સ્વરૂપો વિશે માહિતી માટે, અમારી માહિતી જુઓ:
અન્ય દવા
જો એન્ટીડિપ્રેસન્ટ લીધા પછી પણ તમને સુધારો ન થાય તો તમારા ડૉક્ટર બીજી દવા અજમાવવાનું સૂચન કરી શકે છે. આમાં તમારા વર્તમાન એન્ટીડિપ્રેસન્ટને ઉમેરવાનો અથવા બદલવાનો સમાવેશ થઈ શકે છે:
- બીજા પ્રકારનું બીજું એન્ટીડિપ્રેસન્ટ
- એન્ટિસાઈકોટિક (ઉદાહરણ તરીકે, એરિપીપ્રાઝોલ, ઓલાન્ઝાપીન, ક્વેટીઆપીન અથવા રિસ્પેરીડોન)
- લિથિયમ
- લેમોટ્રીજીન
- ટ્રાયોડોથિરોનિન (લિયોથિરોનિન)
આ વિકલ્પોનો ઉપયોગ સામાન્ય રીતે UK માં થાય છે. જોકે, કૃપા કરીને નોંધ લો કે આ એક વ્યાપક યાદી નથી.
ઇલેક્ટ્રોકોનવલ્સિવ થેરાપી (ECT)
ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી (ECT) એ અમુક પ્રકારની ગંભીર માનસિક બીમારી માટે અસરકારક સારવાર છે. જ્યારે મનોરોગ ચિકિત્સા અથવા દવા જેવા અન્ય સારવાર વિકલ્પો સફળ ન થયા હોય અથવા જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ બીમાર હોય અને તાત્કાલિક સારવારની જરૂર હોય ત્યારે ECT નો વિચાર કરી શકાય છે.
હર્બલ ઉપચાર
હર્બલ ઉપચાર છોડમાંથી આવે છે અને UK માં NHS દ્વારા સૂચવવામાં આવતા નથી.
કેટલાક હર્બલ ઉપચારો ડિપ્રેશન ધરાવતા લોકો પર હકારાત્મક અસરો દર્શાવે છે. આમાંથી એકને હાયપરિકમ કહેવામાં આવે છે, અને તે સેન્ટ જોન્સ વોર્ટ નામની વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. કારણ કે તે એક હર્બલ સારવાર છે, તેના પર ઓછું સંશોધન થયું છે અને તેને કેવી રીતે વેચવામાં આવે છે તેના પર ઓછા નિયમો છે. તમે તેને ક્યાંથી ખરીદો છો તેના આધારે તમને મળતી રકમ બદલાઈ શકે છે.
સેન્ટ જોન્સ વોર્ટ SSRI એન્ટીડિપ્રેસન્ટ્સ અને અન્ય દવાઓ સાથે લેવામાં આવે તો તે ખતરનાક બની શકે છે. તે ગર્ભનિરોધક ગોળી જેવી અન્ય દવાઓમાં પણ દખલ કરી શકે છે. જો તમે કોઈપણ હર્બલ ઉપચાર લેવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તમારા ડૉક્ટર સાથે વાત કરો.
સામાન્ય સુખાકારી
તમારા સામાન્ય સુખાકારી વિશે વિચારવું મહત્વપૂર્ણ છે. તમારી જાતને સારું અનુભવવા માટે તમે ઘણી બધી બાબતો કરી શકો છો, જેથી તમને ફરીથી હતાશ થવાની શક્યતા ઓછી રહે. આમાં શામેલ હોઈ શકે છે:
- વાત કરી શકો તેવી કોઈ વ્યક્તિ શોધવી
- શારીરિક રીતે સક્રિય રહેવું
- ઓછું દારૂ પીવો અને મનોરંજક દવાઓ ન લેવી
- સારું ખાવું, ઉદાહરણ તરીકે વધુ માછલી, ફળ અને શાકભાજી ખાવા
- આરામ કરવા માટે સ્વ-સહાય તકનીકોનો ઉપયોગ કરવો
- ડિપ્રેશન લાવનાર કોઈપણ વ્યવહારુ સમસ્યાઓના ઉકેલ માટેના રસ્તાઓ શોધવો
- સાથીદારોનો સહયોગ - તમારા જેવી જ સમસ્યાઓ અનુભવી રહેલા લોકોને મળવાથી તમને મદદ મળી શકે છે. તમારા માટે યોગ્ય હોઈ શકે તેવા પીઅર સપોર્ટ ગ્રુપ વિશે તમારા GP સાથે વાત કરો.
સ્વ-સહાય અંગેની કેટલીક ટિપ્સ માટે, ડિપ્રેશન પરની અમારી પત્રિકા જુઓ.
સામાજિક પ્રિસ્ક્રાઇબિંગ
સામાજિક પ્રિસ્ક્રાઇબિંગ લોકોને સમુદાય સેવાઓ અને તેમની આસપાસના જૂથો સાથે જોડવામાં મદદ કરે છે. આનાથી તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને ટેકો મળી શકે છે.
ઉદાહરણ તરીકે, જો તમને બાગકામનો શોખ હોય, તો સામાજિક પ્રિસ્ક્રાઇબિંગમાં તમને તમારી નજીકના સાપ્તાહિક બાગકામ જૂથ સાથે સંપર્ક કરાવવાનો સમાવેશ થઈ શકે છે. તમે બીજાઓ સાથે મળી શકશો અને તમને જે ગમે છે તે કરવામાં સાથે સમય વિતાવી શકશો.
તમે અમારા સામાજિક પ્રિસ્ક્રાઇબિંગ સંસાધનમાં આ વિશે વધુ જાણી શકો છો.
પ્રકાશ
કેટલાક લોકોનો મૂડ ઋતુથી પ્રભાવિત થાય છે. આને મોસમી લાગણીશીલ વિકાર (SAD)કહેવામાં આવે છે. જો તમે દર શિયાળામાં હતાશ થાઓ છો પરંતુ દિવસો લાંબા થાય ત્યારે સુધારો થાય છે, તો તમને લાઇટ બોક્સ મદદરૂપ થઈ શકે છે. આ તેજસ્વી પ્રકાશનો સ્ત્રોત છે જે તમે દરરોજ ચોક્કસ સમય માટે ચાલુ રાખો છો અને જે શિયાળામાં પ્રકાશની અછતને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે. જો તમને લાગે કે તમે SAD અનુભવી રહ્યા છો, તો તમારા ડૉક્ટર સાથે વાત કરો.
મને વધુ માહિતી ક્યાંથી મળી શકે?
જો તમને એન્ટીડિપ્રેસન્ટ્સ વિશે કોઈ પ્રશ્નો હોય, તો અહીં માહિતીના અન્ય સ્ત્રોતો પર એક નજર નાખો, અથવા તમારા ડૉક્ટર સાથે વાત કરો.
- ઇલેક્ટ્રોનિક દવાઓનો સંગ્રહ – દવાઓ અને દર્દી માહિતી પત્રિકાઓનો સારાંશ (PILs). UK માં ઉપલબ્ધ હજારો લાઇસન્સ પ્રાપ્ત દવાઓની માહિતી.
- એન્ટીડિપ્રેસન્ટ્સ પર NHS સલાહ – એન્ટીડિપ્રેસન્ટ્સના ઉપયોગ અંગે NHS તરફથી માહિતી. આમાં સાવચેતીઓ, માત્રા, આડઅસરો અને વિકલ્પોનો સમાવેશ થાય છે.
- મન - એન્ટીડિપ્રેસન્ટ્સ - માનસિક સ્વાસ્થ્ય ચેરિટી, માઇન્ડ તરફથી એન્ટીડિપ્રેસન્ટ્સ વિશેની માહિતી.
- માનસિક બીમારી પર પુનર્વિચાર - એન્ટીડિપ્રેસન્ટ્સ - માનસિક સ્વાસ્થ્ય ચેરિટી, માનસિક બીમારી પર પુનર્વિચાર તરફથી એન્ટીડિપ્રેસન્ટ્સ વિશેની માહિતી.
ક્રેડિટ્સ
આ માહિતી મનોચિકિત્સકોની રોયલ કોલેજ (Royal College of Psychiatrists) પબ્લિક એંગેજમેન્ટ એડિટોરિયલ બોર્ડ (PEEB) દ્વારા બનાવવામાં આવી હતી. તે લેખન સમયે ઉપલબ્ધ શ્રેષ્ઠ પુરાવાઓને પ્રતિબિંબિત કરે છે.
મુખ્ય લેખક: પ્રોફેસર વેન્ડી બર્ન
નિષ્ણાતનો અભિપ્રાય: રોયલ કોલેજ ઓફ સાયકિયાટ્રીસ્ટ્સની સાયકોફાર્માકોલોજી કમિટી
અનુભવ દ્વારા નિષ્ણાતો: ફિયોના રાજે અને વિક્ટોરિયા બ્રિજલેન્ડ
વિનંતી પર ઉપલબ્ધ સંપૂર્ણ સંદર્ભો.
© રોયલ કોલેજ ઓફ સાઈકીયાટ્રીસ્ટ (Royal College of Psychiatrists)
This translation was produced by CLEAR Global (Sep 2025)