ચિંતા અને સામાન્યકૃત ચિંતા વિકાર (જી.એ.ડી.)

Anxiety and generalised anxiety disorder (GAD)

Below is a Gujarati translation of our information resource on anxiety and generalised anxiety disorder (GAD). You can also view our other Gujarati translations.

આ માહિતી એવા લોકો માટે લખવામાં આવી છે, જેઓ ચિંતાની લાગણીઓને કારણે સંઘર્ષ કરી રહ્યા છે અથવા જેમને સામાન્યકૃત ચિંતા વિકાર (જી.એ.ડી.)નું નિદાન કરવામાં આવ્યું છે.

આમાં જણાવવામાં આવ્યું છે કે, તમે તમારી જાતને કેવી રીતે મદદ કરી શકો છો અને તમે વ્યાવસાયિક મદદ કેવી રીતે મેળવી શકો છો. આમાં એવા લોકો માટે પણ ઉપયોગી માહિતી છે કે, જેઓ કોઈ એવી વ્યક્તિને જાણે છે કે તેમની મદદ કરી શકે છે કે જેઓ ચિંતાને કારણે સંઘર્ષ કરી રહ્યા છે.

ચિંતા શું છે?

ચિંતા એ એક એવો શબ્દ છે જેનો ઉપયોગ આપણે અપ્રિય લાગણીનું વર્ણન કરવા માટે કરીએ છીએ જે આપણે ત્યારે અનુભવીએ છીએ જ્યારે આપણે કોઈ તણાવપૂર્ણ, જોખમી અથવા મુશ્કેલ પરિસ્થિતિમાં હોઈએ છીએ અથવા તો કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોઈએ છીએ. તે પોતે માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ નથી.

આપણામાંના મોટાભાગના લોકો ઘણા જુદા-જુદા કારણોસર આપણા જીવનના અમુક સમયે ચિંતાનો અનુભવ કરે છે. આ એક સામાન્ય પ્રતિભાવ હોઈ શકે છે અને સામાન્ય રીતે સમયની સાથે જ્યારે પરિસ્થિતિ બદલાય છે અથવા જ્યારે તમે પરિસ્થિતિમાંથી બહાર નીકળી જાઓ છો જે તમારી ચિંતાનું કારણ હતી, ત્યારે તે દૂર થઈ જાય છે.

ચિંતા ક્યારે સમસ્યા બની જાય છે?

ચિંતા સમસ્યા બની શકે છે જ્યારે:

  • તમારી ચિંતા ખૂબ જ પ્રબળ છે
  • તમે બધો સમય કે મોટાભાગે બેચેની અનુભવો છો
  • તમે શા માટે બેચેની અનુભવો છો તેનું કોઈ સ્પષ્ટ કારણ નથી
  • તે તમારા રોજિંદા જીવનને નકારાત્મક અસર કરે છે

જ્યારે આવું થાય છે ત્યારે તમને ચિંતાને કારણે સતત અસ્વસ્થતા અનુભવાય છે, તમે જે કાર્યો કરવા માંગો છો, તે કરવાથી તમને રોકે છે અને તમારા માટે જીવનનો આનંદ માણવાનું મુશ્કેલ બનાવી શકે છે.

ચિંતાની લાગણી કેવી હોય છે?

ચિંતાને તમે તમારા મનમાં અને શરીરમાં ઘણી અલગ-અલગ રીતે અનુભવી શકો છો, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

મનમાં

  • હંમેશાં ચિંતા જણાય છે
  • થાક લાગે છે અથવા ખૂબ જ ઊંઘ આવે છે
  • ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ હોવું
  • ચીડિયાપણું અથવા હતાશા લાગે છે
  • અસ્વસ્થતા અથવા તણાવ લાગે છે
  • અતિશય લાગણી જણાય છે
  • કંઈક ખોટું થઈ શકે છે તેનો ભય લાગ્યા કરે છે.

શરીરમાં

  • ઝડપી કે અનિયમિત ધબકારા (ધબકારા)
  • પરસેવો
  • સૂકું મોઢું
  • સ્નાયુમાં તણાવ અને પીડા
  • માથાનો દુખાવો
  • ધ્રુજારી/ ધ્રુજન
  • આંગળીઓ, અંગૂઠા અથવા હોઠમાં ખાલી ચડવી કે ઝણઝણાટ
  • ઝડપી શ્વાસોચ્છવાસ
  • ચક્કર કે બેહોશી લાગે છે
  • અપચો, ખેંચાણ જેવી પેટની સમસ્યાઓ અથવા બીમાર હોવાની લાગણી
  • શૌચાલયમાં અવારનવાર જવું
  • આ શારીરિક સંવેદનાઓ સંબંધિત ઘણી ચિંતા અનુભવાય છે.

કેટલીકવાર, ચિંતા ધરાવતા લોકો ચિંતા કરે છે કે તેમના લક્ષણો શારીરિક બીમારીની નિશાની છે. આ તેમની ચિંતાને વધુ ગંભીર બનાવી શકે છે.

જ્યારે ચિંતા લાંબા સમય સુધી ચાલે છે, ત્યારે હતાશ થવું સરળ છે. ચિંતા ધરાવતા કેટલાક લોકો એક જ સમયે હતાશા નો પણ અનુભવ કરે છે.

ચિંતાના કારણો શું છે?

ચિંતાના ઘણાં કારણો છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • રોજિંદી ઘટનાઓ જેમ કે, કામ પર તણાવપૂર્ણ ઇમેઇલ મળવો અથવા મુશ્કેલ ગ્રાહક સાથે વાત કરવી
  • જીવનની મુખ્ય ઘટનાઓ જેમ કે, છૂટાછેડા, શારીરિક બીમારી અથવા તમે જણાતા હોવ એવી કોઈ વ્યક્તિનું મૃત્યુ.

ક્યારેક તો આપણી સાથે કંઈક સારું થઈ રહ્યું હોય, ત્યારે પણ આપણે ચિંતા અનુભવીએ છીએ. ઉદાહરણ તરીકે, જો આપણે કોઈ ખાસ વ્યક્તિને મળવા જવાના હોઈએ કે નોકરીના ઇન્ટરવ્યૂ માટે જવાનું હોય. આમાં કશું ખોટું નથી, પરંતુ તે આપણા શરીરમાં ચિંતાની શારીરિક અને મનોવૈજ્ઞાનિક અસરો ઊભી કરી શકે છે.

ચિંતા શા માટે થાય છે?

ચિંતા અપ્રિય લાગે છે, તેમ છતાં તે ચોક્કસ સંજોગોમાં અને મર્યાદિત સમયગાળા માટે મદદરૂપ થઈ શકે છે:

  • માનસિક રીતે – મુશ્કેલ પરિસ્થિતિઓમાં ચિંતા આપણને જણાવે છે કે, કંઈક ખોટું છે અને આપણને સાવચેત રાખે છે જેથી આપણે યોગ્ય પ્રતિક્રિયા આપી શકીએ.
  • શારીરિક રીતે – ચિંતાની શારીરિક લાગણીઓ આપણા શરીરને ખતરાથી ભાગવા માટે અથવા પોતાને બચાવવા માટે તૈયાર કરી શકે છે. આને 'ફાઇટ અથવા ફ્લાઇટ' પ્રતિસાદ કહેવામાં આવે છે.

સામાન્યકૃત ચિંતા વિકાર શું છે?

સામાન્યકૃત ચિંતા વિકાર (જી.એ.ડી.) એ એક પ્રકારનો ચિંતા વિકાર છે. અન્ય ઘણી ચિંતા વિકૃતિઓ છે જે અહીં આવરી લેવામાં આવતી નથી, જેમ કે, ઓબ્સેસ્સિવ-કમ્પલ્સિવ ડિસઓર્ડર (ઑ.સી.ડી.) અથવા ગભરામણ ડિસઓર્ડર.

જો તમને જી.એ.ડી. છે, તો તમને:

  • એક જ સમયે ઘણી બધી જુદી-જુદી ચિંતાઓ હોય છે
  • એવી ચિંતાઓ હશે જે પરિસ્થિતિના પ્રમાણ કરતાં વધારે હોય
  • તમારી ચિંતાઓને નિયંત્રિત કરવું મુશ્કેલ લાગે.

જી.એ.ડી. એકદમ સામાન્ય છે અને યુકેમાં દર ૨૫ માંથી ૧ વ્યક્તિને અસર કરે છે. 

જી.એ.ડી.ના કારણો શું છે?

જી.એ.ડી.નું એક જ કારણ નથી. તમારા જનીનો, સામાજિક વાતાવરણ અને જીવનના અનુભવો બધા જ ભૂમિકા ભજવે છે અને એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે.

જો તમારા પરિવારના કોઈ નજીકના સભ્યને જી.એ.ડી. છે, તો તમને ચિંતા વિકાર થવાની શક્યતા ચારથી છ ગણી વધારે છે. જોકે, કોઈપણ એક જનીન ચિંતા વિકારોનું કારણ નથી. તેના બદલે, એકથી વધુ જનીનો, જે દરેક નાની અસર ધરાવે છે, ચિંતા સંબંધિત તમારું જોખમ વધારવા માટે ક્રિયા પ્રતિક્રિયા કરે છે.

મારે ક્યારે મદદ માંગવી જોઈએ?

જો તમારી ચિંતા તમારા જીવન પર નકારાત્મક અસર કરી રહી છે અથવા તમને લાગે છે કે, તમે જી.એ.ડી. અનુભવી શકો છો, તો તમે જેટલી વહેલી મદદ માગો છો એટલા વહેલા તમે સારા થઈ શકો છો.

ઘણા બધા કારણોસર લોકો મદદ મેળવવાનું ટાળે છે અને નીચેના કેટલાક વિચારો સાચા ન હોય તો પણ તેમનુ આવવું સામાન્ય છે:

  • “હું આવો/આવી જ છું, મારે જાતે જ આને મેનેજ કરવું જોઈએ” – કોઈએ એકલા સંઘર્ષ કરવો જોઈએ નહીં અને દરેકને ટેકાની જરૂર છે. દયા અને કરુણા સાથે તમારી જાત સાથે વાત કરો, જેમ કે, જે વ્યક્તિની તમે કાળજી લો છો, તેમની સાથે વાત કરો એવી રીતે પોતાની સાથે વાત કરો.
  • “મારી પાસે બીજા ઘણાં અગત્યના કામ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે” – ઘણા લોકો તેમના માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવામાં ખચકાય છે. આ ખાસ કરીને મુશ્કેલ હોઈ શકે છે જો તેઓ તેમના પરિવાર કે વિશાળ સમુદાયમાં મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ ધરાવે છે અથવા અન્ય બાહ્ય પડકારોનો સામનો કરી રહ્યા હોય. જોકે, જો તમે બીમાર હો, તો તમારા માટે જે મહત્ત્વપૂર્ણ છે તે તમે કરી નહીં શકો. તમારી જાતને મદદ કરીને તમે અન્ય લોકોને મદદ કરો છો.
  • “જો હું મદદ માગીશ, તો લોકો મારા વિશે શું વિચારશે તેની મને ચિંતા થાય છે” – તમે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છો તે ઘણાં લોકો સમજી શકે છે તે જાણીને તમને આશ્ચર્ય થશે અને સંભવતઃ તેઓએ પણ આવા જ પડકારોનો અનુભવ કર્યો હોઈ શકે છે. તમારા જીવનમાં એવા લોકોને સાંભળો કે જેઓ તમને મદદ જોઈએ છે તે સમજી શકે છે અને મદદરૂપ બની શકે છે.

હું મારી જાતને કેવી રીતે મદદ કરી શકું?

જો તમે તમારી ચિંતાને કારણે સંઘર્ષ કરી રહ્યા છો અથવા જી.એ.ડી. ધરાવો છો તો ઘણી બધી મદદ ઉપલબ્ધ છે. મોટેભાગે, તમારા પોતાના માટે મદદરૂપ પગલાં ભરીને તમારી ચિંતામાં સુધારો થઈ શકે છે:

  • તેના વિશે વાત કરો – જો તમારા જીવનમાં કંઈક એવું બન્યું હતું જેના કારણે તમારી ચિંતા શરૂ થઈ ગઈ હોય જેમ કે, કોઈ સંબંધ તૂટી જવો, બાળકની બીમારી કે તેણે નોકરી ગુમાવવી હોય, તો આ બાબતે કોઈની સાથે વાત કરવી મદદરૂપ બની શકે છે. તમે જેના પર વિશ્વાસ કરો છો અને આદર કરો છો તેમજ જે સારા શ્રોતા છે તેવી કોઈ વ્યક્તિ સાથે વાત કરો. આ નજીકના મિત્ર, જી.પી. (જનરલ પ્રાકટિશનર), ધાર્મિક અગ્રણી અથવા એવી કોઈપણ વ્યક્તિ હોઈ શકે છે જેની પાસે તમે સપોર્ટની મદદ માગતા આરામદાયક અનુભવો છો.
  • સ્વ-સહાય સાધનો – સંખ્યાબંધ સ્વ-સહાય સાધનો છે જેનો ઉપયોગ તમે તમારા માનસિક સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે કરી શકો છો. આમાં ધ્યાન અથવા માઇન્ડફુલનેસ એપ્લિકેશન્સ જેવી બાબતો તેમજ એવા પુસ્તકો અથવા એપ્લિકેશન્સનો સમાવેશ થાય છે જે તમને તમારી જાતે જ જ્ઞાનાત્મક વર્તણૂકીય ઉપચાર (સી.બી.ટી.) પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપે છે. તમે મનોવૈજ્ઞાનિક ઉપચાર અંગેના નીચેના વિભાગમાં સી.બી.ટી. વિશે વધુ જાણી શકો છો.
  • સ્વ-સહાય જૂથ – સ્વ-સહાય જૂથના સૂચનો જાણવા માટે તમારા જી.પી. નો સંપર્ક કરો, જ્યાં તમે સમાન સમસ્યાઓ ધરાવતા લોકો સાથે મળી શકશો. અહીં તમે વાત કરવાની તક મળવાની સાથે-સાથે, અન્ય લોકો તેમની અસ્વસ્થતાને કેવી રીતે સંચાલિત કરે છે તે જાણી શકશો. આમાંની કેટલીક ટોળીઓ ચોક્કસ ચિંતાઓ અને તીવ્ર અણગમા વિશે હોય છે. તમારા જી.પી. ને પૂછો કે, તમારા માટે કયા પ્રકારની ટોળી મદદરૂપ થઈ શકે છે.
  • સાથીદારનો ટેકો – સાથીદારનો ટેકો એ છે જ્યાં તમે સલામત અને સહાયક વાતાવરણમાં તમારા સમાન અનુભવો ધરાવતા અન્ય લોકોને મળો છો. સાથીદારનો ટેકો શોધવા વિશે વધુ જાણો.

તમે ચેરિટી મારફતે સ્વ-સહાય ટોળી અથવા સાથીદારનો ટેકો પણ શોધી શકશો. ઉદાહરણ તરીકે, માનસિક સ્વાસ્થ્ય ચેરિટી માઇન્ડ પાસે સ્થાનિક સેવાઓ હોય છે જે તમે કોણ છો અને તમને કઈ મદદની જરૂર છે તેના આધારે વિવિધ ટોળીઓ ચલાવે છે.

હું વ્યાવસાયિક સપોર્ટ કેવી રીતે મેળવી શકું?

જો તમે તમારી જાતને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે અને હજી પણ સંઘર્ષ કરી રહ્યા છો, તો તમને વધુ સપોર્ટની જરૂર પડી શકે છે. તમને કઈ સારવાર આપવામાં આવે છે તે તમારા સંજોગો પર આધાર રાખે છે, પરંતુ જો તમને જી.એ.ડી. હોય, તો આ કેટલીક સારવાર તમને આપવામાં આવી શકે છે.

મનોવૈજ્ઞાનિક ઉપચાર

મનોવૈજ્ઞાનિક ઉપચાર અથવા 'વાતચીત ઉપચાર' એવી સારવાર છે, જેમાં તમે કોઈ ચિકિત્સક સાથે તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે વિશે વાત કરો છો.

વિવિધ માનસિક સ્વાસ્થ્ય સ્થિતિમાં મદદ કરવા માટે વિવિધ અભિગમોનો ઉપયોગ કરવામાં આવે છે. જી.એ.ડી. માટે નીચેના બે અભિગમની ભલામણ કરવામાં આવે છે:

જ્ઞાનાત્મક વર્તણૂકીય ઉપચાર (સી.બી.ટી.)

સી.બી.ટી. એ વાતચીત ઉપચાર છે જે તમને રોજિંદી પરિસ્થિતિઓમાં વિચારવાની અને પ્રતિક્રિયા આપવાની વધુ મદદરૂપ રીતો શીખવામાં મદદ કરી શકે છે. તેનો હેતુ તમારા વિચારો, ક્રિયાઓ અને લાગણીઓ વચ્ચેના સંબંધને શોધી કાઢવાનું શીખવીને તમારી મનની સ્થિતિને સુધારવાનો છે.

જો તમને જી.એ.ડી. છે, તો સી.બી.ટી. તમને તમારા ભયને ચકાસવામાં અને તમારી ચિંતાને સહન કરવામાં મદદ કરી શકે છે. જ્ઞાનાત્મક વર્તણૂકીય ઉપચાર વ્યક્તિગત રીતે અથવા જૂથના ભાગરૂપે આપી શકાય છે. તમને વ્યક્તિગત અથવા ઑનલાઇન સી.બી.ટી આપી શકાય છે અને તે સામાન્ય રીતે અઠવાડિયામાં એકવાર કેટલાક અઠવાડિયા અથવા મહિનાઓ માટે આપવામાં આવે છે.

તમે અમારા સી.બી.ટી ની માહિતી સંબંધિત સંસાધન વાંચીને સી.બી.ટી. વિશે વધુ જાણી શકો છો.

એપ્લાઇડ રિલેક્સેશન

એપ્લાઇડ રિલેક્સેશન એ એક એવો ઉપચાર છે જે તમને એવી પરિસ્થિતિઓમાં તમારા શરીરને આરામ કરવામાં મદદ કરે છે જેમાં તમે સામાન્ય રીતે બેચેન થાવ છો. એક પ્રશિક્ષિત ચિકિત્સક તમારી સાથે કેટલાક મહિનાઓ સુધી દર અઠવાડિયે એક કલાકના સત્રોમાં કામ કરશે અને તમને તમારા શરીરને કેવી રીતે આરામ આપવો તે શીખવશે.

એકવાર તમે આ ઉપચાર કર્યા પછી, જ્યારે તમે ચિંતા અનુભવી રહ્યા હોવ ત્યારે તમારે રોજિંદી પરિસ્થિતિઓમાં એપ્લાઇડ રિલેક્સેશનનો ઉપયોગ કરવામાં સક્ષમ થઈ જવા જોઈએ.

દવા

જો મનોવૈજ્ઞાનિક સારવારો મદદરૂપ ન બને કે તમને તે પસંદ ન હોય, તો તમને દવા આપવામાં આવી શકે છે.

તમારા ડૉક્ટર તમારી દવા અને વાતચીત ઉપચાર એમ બંને દ્વારા સારવાર કરી શકે છે. કેટલાક લોકો માટે માત્ર દવા કે વાતચીત ઉપચાર દ્વારા સારવાર કરતાં બંને એકસાથે લેવાથી વધુ અસરકારક પરિણામ મળી શકે છે.

SSRIs

સિલેકટિવ સેરોટોનિન રીઅપટેક ઇન્હિબિટર્સ (SSRI) એક પ્રકારનુંએન્ટીડિપ્રેસ્સંટછે. ભલે SSRIને એન્ટીડિપ્રેસ્સંટ કહેવામાં આવે છે, પરંતુ તેનો ઉપયોગ સામાન્યકૃત ચિંતા વિકારની સારવાર માટે થઈ શકે છે.

એવું માનવામાં આવે છે કે, SSRI મગજમાં સેરોટોનિનના સ્તરને વધારે છે. સેરોટોનિનનો મૂડ, લાગણી અને ઊંઘ પર સારો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. SSRI અન્ય એન્ટીડિપ્રેસ્સંટ કરતાં ઓછી આડઅસર કરે છે.

SNRIs

જો SSRIs તમારા માટે કામ કરતી નથી, તો તમને સેરોટોનિન-નોરઅડરેનલિન રીઅપટેક ઇન્હિબિટર (SNRI) આપવામાં આવી શકે છે. આ એક અન્ય પ્રકારનું એન્ટીડિપ્રેસ્સંટ છે અને તે SSRI જેવું જ છે પરંતુ થોડું અલગ રીતે કામ કરે છે.

એન્ટીડિપ્રેસ્સંટને અસર કરવામાં સામાન્ય રીતે ૨ થી ૮ અઠવાડિયાનો સમય લાગે છે અને તે યોગ્ય રીતે અસર કરી શકે એ માટે તેને નિયમિત રીતે લેવું પડે છે. બધી દવાઓની જેમ, એન્ટીડિપ્રેસ્સંટ આડઅસરો પેદા કરી શકે છે, જેની તમારા ડૉક્ટરે તમારી સાથે ચર્ચા કરવી જોઈએ. તમે અમારા એન્ટીડિપ્રેસ્સંટ સ્રોત માં આ વિશે વધુ જાણી શકો છો.

પ્રિગેબલીન

જો SSRI અને SNRI તમારા માટે ઉપયોગી નથી, તો તમને પ્રિગેબલીન આપવામાં આવી શકે છે, જેનો ઉપયોગ ખેંચ અને પીડાની સારવાર માટે પણ થાય છે. તે ચિંતા ધરાવતા લોકોને મદદ કરે છે તેવુ જાણવા મળ્યું છે.

પ્રિગેબલીનની લત લાગી શકે છે. જો તમને લાગે કે, તમે પ્રિગેબલીન પર નિર્ભર બની રહ્યા છો અથવા તમને સૂચવવામાં આવ્યું છે તેનાથી વધુ લઈ રહ્યા છો, તો તરત જ તમારા ડૉક્ટરને વાત કરો.

અન્ય સારવારો

બેન્ઝોડાઈઝેપિન

બેન્ઝોડાઈઝેપિન એક પ્રકારનું નિંદ્રાકારક છે. જો તમે તમારી ચિંતાનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હોવ અને તે નિયંત્રણથી બહાર લાગે તો તમને ટૂંકા સમય માટે આ આપવામાં આવી શકે છે. જો તેનો ઉપયોગ ખૂબ લાંબા સમય સુધી કરવામાં આવે તો બેન્ઝોડાઈઝેપિનની લત લાગી શકે છે. જો તમને લાગે કે, તમે બેન્ઝોડાઈઝેપિન પર નિર્ભર બની રહ્યા છો, તો તરત જ તમારા ડૉક્ટરને વાત કરો.

બીટા-બ્લોકર્સ

ભાગ્યે જ, તમને બીટા-બ્લોકર્સ આપવામાં આવી શકે છે, જે એવી દવા છે જે તમારા હૃદયને ધીમું કરીને કામ કરે છે. આ ચિંતાની શારીરિક લાગણીઓને રોકવામાં મદદ કરી શકે છે.

હર્બલ ઉપચાર

કેટલાક લોકોને હર્બલ ઉપચાર તેમની ચિંતા માટે મદદરૂપ લાગે છે. જોકે, આમાંનો કોઈ ઉપચાર કામ કરે છે તેવા કોઈ મજબૂત પુરાવા નથી. કોઈપણ વૈકલ્પિક દવાઓનો ઉપયોગ કરતા પહેલાં તમારે તમારા ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ કારણ કે, તેને અન્ય દવાઓ સાથે લેવામાં આવે ત્યારે તે ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.

તમે પૂરક અને વૈકલ્પિક દવાઓ અને શારીરિક સારવાર અંગેની અમારી માહિતી સંસાધનો વાંચીને આ વિશે વધુ જાણી શકો છો.

જો કોઈ વ્યક્તિ ચિંતાને કારણે સંઘર્ષ કરી રહી હોય તો મને કેવી રીતે ખબર પડે?

મોટાભાગના લોકો સમયાંતરે ચિંતાનો અનુભવ કરે છે અને તે કોઈ સમસ્યા બનતી નથી. જો તમને લાગે કે, તમે જાણતા હોય તેવી કોઈ વ્યક્તિને સામાન્ય કરતાં ઉચ્ચ સ્તરની ચિંતાનો અનુભવ કરી રહી છે તો અહીં કેટલીક બાબતો છે:

  • તેઓ કોઈ બાબત વિશે કે ઘણી બધી બાબતો વિશે ચિંતા કરતા હોય તેવું લાગે છે અને તે પણ એ સ્તર સુધી કે જે તર્કસંગત લાગતી નથી.
  • તેઓ એવી પરિસ્થિતિઓ અથવા વાતાવરણને ટાળે છે જે તેઓએ ભૂતકાળમાં ટાળી ન હતી. ઉદાહરણ તરીકે, પાર્ટીમાં જવું, રાત્રિભોજન માટે બહાર અથવા ગીચ સ્થળોએ જવું.
  • તેઓ માથાનો દુખાવો, પેટમાં દુખાવો અથવા થાક જેવા શારીરિક લક્ષણોની ફરિયાદ કરે છે.
  • તેઓ કોઈ સ્પષ્ટ કારણ વગર અસ્વસ્થ, ગુસ્સે અથવા હતાશ લાગે છે.
  • તેઓ આયોજનો રદ કરે છે અથવા તેઓએ જે કરવાનું કહ્યું હતું તે કરતા નથી.
  • જ્યારે તમે તેમની સાથે વાત કરી રહ્યા હોય ત્યારે તેઓ વિચલિત અથવા સાંભળવામાં અસમર્થ લાગે છે.

વિવિધ લોકો તેમના જીવનના અનુભવો, સાંસ્કૃતિક અથવા ધાર્મિક પૃષ્ઠભૂમિ અને તેમની પ્રાથમિક ભાષાના આધારે વિવિધ રીતે ચિંતાનો અનુભવ કરે છે અને વાતચીત કરે છે. આનો અર્થ એ થઈ શકે છે કે, કોઈની ચિંતા તમારા માટે તરત જ સ્પષ્ટ નથી થતી.

હું કોઈ વ્યક્તિને કેવી રીતે ટેકો આપી શકું જે તેમની ચિંતાને કારણે સંઘર્ષ કરી રહી છે?

ચિંતા ધરાવતા કોઈને ટેકો આપવો પડકારજનક થઈ શકે છે, ખાસ કરીને જો તમે જાતે ચિંતાનો અનુભવ કર્યો ન હોય. અહીં કેટલીક બાબતો છે જે તમને મદદ કરવા માટે કરી શકો છો:

  • સાંભળો - ચિંતાને કારણે સંઘર્ષ કરતા કોઈને સાંભળવા માટે ત્યાં રહેવું એ એક મોટો સપોર્ટ બની શકે છે. કેટલીકવાર ફક્ત અન્ય વ્યક્તિ સાથે ચિંતાજનક લાગણીઓ શેર કરવાથી તેમની ચિંતા હળવી કરવામાં મદદ મળી શકે છે.
  • ધીરજ રાખો - જો તમે જાણો છો તે વ્યક્તિને તમે બનાવેલા આયોજનોને અનુસરવું મુશ્કેલ લાગે અથવા ચીડિયાપણું અથવા વિચલિત લાગે તો ધીરજ રાખવાનો પ્રયાસ કરો. તેને વ્યક્તિગત રીતે ન લેવું મહત્ત્વપૂર્ણ છે.
  • તેમને ગંભીરતાથી લો - જો કોઈ વ્યક્તિ એવી બાબતોને કારણે ચિંતિત હોય કે જે તમને તર્કસંગત લાગતી નથી, તો પણ તેઓ જે રીતે અનુભવી રહ્યા છે તે તેમના માટે ખૂબ વાસ્તવિક હશે. તમારે તેમના બેચેન વિચારોને પ્રોત્સાહિત કરવાની જરૂર નથી, પરંતુ તમે તેમને આશ્વાસન આપી શકો છો કે તેમની લાગણીઓ માન્ય છે અને તેઓ સપોર્ટને લાયક છે.

જો તમે કોઈને જાણતા હોવ કે જે તેમની ચિંતાને કારણે સંઘર્ષ કરી રહ્યા છે, તો તેમને મદદ માંગવા માટે પ્રોત્સાહિત કરો, પછી ભલે તેનો અર્થ ખુદને સપોર્ટ આપવો અથવા કોઈ વ્યાવસાયિક પાસેથી મદદ મેળવવી હોય.

ધ ચેરિટી Anxiety UK પાસે ચિંતા ધરાવતા કોઈને ટેકો આપવા માટે મદદરૂપ ટિપ્સ છે.

વધુ માહિતી અને સપોર્ટ

જો તમે અથવા તમે જાણો છો તેવી કોઈ વ્યક્તિ ચિંતા અથવા જી.એ.ડી.ને કારણે સંઘર્ષ કરી રહ્યા હોય, તો અહીં માહિતી અને સપોર્ટના કેટલાક ઉપયોગી સ્ત્રોતો છે.

ચિંતા વિશે માહિતી અને સપોર્ટ

  • એન્સાયટી અને પેનિક એટેક, NHS – NHS વેબસાઇટનો આ વિભાગ ચિંતા અંગેની માહિતીની વ્યાપક શ્રેણી પ્રદાન કરે છે.
  • Every Mind Matters, ચિંતા અંગેની માહિતી – NHSની આ માહિતી ચિંતાનો સામનો કરવા માટેની ટિપ્સ તેમજ તણાવ અને ચિંતા સાથે વ્યવહાર કરવામાં મદદ કરવા માટે એક મફત યોજના આપે છે.
  • Anxiety UK, ચિંતા અંગેની માહિતી – ધ ચેરિટી Anxiety UK નું આ પેજ સમજાવે છે કે, ચિંતા શું છે અને તેની સાથે વ્યવહાર કરવા માટે પ્રાયોગિક ટીપ વિશે વિડિયો છે.
  • મન, ચિંતા અને પેનિક એટેક – માનસિક સ્વાસ્થ્ય ચેરિટી Mind ની આ માહિતી સામાન્ય રીતે ચિંતા વિકૃતિઓ જુએ છે અને જી.એ.ડી. વિશેની માહિતીનો સમાવેશ કરે છે.
  • Mental Health Foundation, ચિંતા — Mental Health Foundation ની આ માહિતી ચિંતા અને ચિંતા વિકૃતિઓને આવરી લે છે.

જી.એ.ડી. વિશે માહિતી અને સપોર્ટ

ક્રેડિટ્સ

આ માહિતી મનોચિકિત્સકોની રોયલ કોલેજ (Royal College of Psychiatrists') ના પબ્લિક એંગેજમેન્ટ એડિટોરિયલ બોર્ડ (PEEB) દ્વારા બનાવવામાં આવી હતી. તે લેખન સમયે ઉપલબ્ધ શ્રેષ્ઠ પુરાવાઓને પ્રતિબિંબિત કરે છે.

નિષ્ણાત લેખકો: Professor David Veale and Professor David Nutt

આ સંસાધન માટે સંપૂર્ણ સંદર્ભો વિનંતી પર ઉપલબ્ધ છે.

પ્રકાશિત: મે ૨૦૨૨

સમીક્ષા કરવાનો સમય: મે ૨૦૨૫

© મનોચિકિત્સકોની રોયલ કોલેજ (Royal College of Psychiatrists)

This translation was produced by CLEAR Global (Dec 2025)
Read more to receive further information regarding a career in psychiatry