વિરહ

Bereavement

Below is a Gujarati translation of our information resource on bereavement. You can also view our other Gujarati translations.

દુઃખમાં હોય તેવી વ્યક્તિઓ, તેમના કુટુંબ અને મિત્રો, અને જે કોઈ પણ આ વિશે વધુ જાણવા માંગે છે તે દરેક માટે આ માહિતી છે.

આ પત્ર ઉપર તમને નીચેની માહિતી મળશે:

  • સામાન્ય રીતે લોકો, ગુમાવ્યા પછી શોકની લાગણી કેવી રીતે અનુભવે છે
  • બાકી વિરહ
  • મદદ મેળવવાની જગ્યાઓ
  • માહિતી માટેના અન્ય સ્તોત્રો
  • મિત્રો અને સંબંધીઓ કેવી રીતે મદદ કરી શકે છે.

વિરહ શું છે?

વિરહ એ દુ:ખદાયક પણ સામાન્ય અનુભવ છે. આપણામાંથી મોટાભાગના લોકો જીવનમાં કોઈક સમયે એવા વ્યક્તિના મૃત્યુ કે ખોટનો અનુભવ કરશે જેને આપણે પ્રેમ કરીએ છીએ.

તેમ છતાં આપણા રોજબરોજના જીવનમાં આપણા મૃત્યુ વિષે ઓછું વિચારીએ છીએ અને વાત કરીએ છીએ કારણ કે, કદાચ આપણે આપણી પહેલાની પેઢી કરતાં મૃત્યુ સાથે ઘણો ઓછો સામનો કરવો પડ્યો છે. તેઓ માટે, ભાઈ અથવા બહેન, મિત્ર અથવા સ્વજન નું મરણ, એ બાળપણ અથવા કિશોર અવસ્થાના જીવનનો સામાન્ય ભાગ હતો. આપણા માટે, આ વિરહ સામાન્ય રીતે જીવનના પાછળના વર્ષોમાં થાય છે. તેથી, આપણને શોક વિશે શીખવાનો, તે કેવું લાગે છે, શું યોગ્ય કાર્યો છે, શું 'સામાન્ય' છે તે શીખવાનો કોઈ અવસર નથી. અને આપણને એટલે જ તેની સાથે સમન્વય કેવી રીતે સાધવો તેનો અનુભવ મળ્યો નથી.

તદુપરાંત, જ્યારે પણ આપણે આખરે સ્વજન ગુમાવવાનું થાય છે ત્યારે આપણે એનો સામનો કરવો જ પડે છે. આપણે બધા વ્યક્તિઓની અલગ-અલગ રીતે વીરહ વ્યક્ત કરવાની માર્ગ હોય છે - પણ એ એવા અનુભવો છે તે દુખ અનુભવ કરતા વ્યક્તિઓ વ્યક્ત કરતાં હોય છે.

આપણે કેવી રીતે વિરહ અનુભવીએ છીએ

આપણને કોઈ પણ નુકશાનથી પીડા થાય, પરંતુ સૌથી વધારે આપણે જેને પ્રેમ કરતાં હોય તેમના જવાથી દુ:ખ થતું હોય છે. વિરહ એ ફક્ત એક લાગણી નથી, પણ લાગણીઓનો અનુક્રમિક પ્રવાહ છે. તેમને જીવવામાં થોડો સમય લાગે છે અને દરેક વ્યક્તિ પોતાની ગતિએ આ કરશે.

આપણે મોટાભાગે એવા વ્યક્તિ માટે દુખી થઈએ જેને આપણે ઘણા સમયથી ઓળખીએ છીએ. જોકે, જે લોકો મૃત બાળકોના જન્મ અથવા સુવાવડે થયા હોય, અથવા જેમણે ખૂબ નાના બાળકો ગુમાવ્યા હોય, તેઓ પણ એ જ રીતે ઉદાસ થાઈ છે. તેઓને પણ આજ પ્રમાણે સંભાળ અને કાળજીની જરૂર હોય છે.

ઉદસ્સ લોકો અનેક પ્રકારની લાગણીઓમાંથી પસાર થાય છે. આ લાગણીઓ કોઈ ચોક્કસ ક્રમમાં દેખાતી નથી. જ્યારે તમને લાગે કે હવે બધુ પૂરું થઈ ગયું ત્યારે પણ એ લાગણીઓ પાછી વળીને આવે છે. આપણામાંથી કેટલાકને આમાંની કોઈ પણ લાગણીઓ બિલકુલ નહીં થાય.

આઘાત

નજીકના સગા કે મિત્રના મૃત્યુ પછી, મોટાભાગના લોકો આઘાતમાં ડૂબી જાય છે, જાણે કે તેઓ વિશ્વાસ કરી શકતા નથી કે તે ખરેખર થયું છે. મૃત્યુ અપેક્ષિત હોય તો પણ તેઓ આવું અનુભવી શકે છે.

આ ભાવનાત્મક સુન્નતા ઘણીવાર સંબંધીઓને સંપર્ક કરવા અને અંતિમ સંસ્કારનું આયોજન કરવા જેવા મહત્વપૂર્ણ વ્યવહારિક વ્યવસ્થાઓમાંથી પસાર થવામાં મદદરૂપ થઈ શકે છે. જોકે, જો આ અવાસ્તવિકતાની લાગણી ખૂબ લાંબા સમય સુધી ચાલે તો તે સમસ્યા બની શકે છે. કેટલાક લોકો માટે, મૃતકના શરીરને જોવું એ આ પરિસ્થિતિ માંથી બહાર નીકળવાનો એક મહત્વપૂર્ણ રસ્તો હોઈ શકે છે.

ઘણા લોકો માટે, સ્મારક સભા અથવા બેસણું એ એક એવો પ્રસંગ છે જ્યારે સમગ્ર હકીકત ત્યારે સમક્ષ આવવાનું શરૂ થાય છે. મૃતદેહ જોવું અથવા અંતિમ સંસ્કારમાં હાજરી આપવી દુઃખદાયક હોઈ શકે છે, પરંતુ તે પ્રિય વ્યક્તિને વિદાય લેવાની રીતો છે. તે સમયે, તમને લાગી શકે છે કે, ઉદાહરણ તરીકે, અંતિમ સંસ્કારમાં જવું ખૂબ જ દુઃખદાયક છે. પરંતુ, જો તેઓ એમ નથી કરતા, તો ઘણા લોકો ભાવિ વર્ષોમાં આ બાબત પર પસ્તાવો અનુભવે છે.

અસ્વીકાર

જોકે, થોડા સમય પછી, આ સુન્નતા દૂર થઈ જાય છે અને તેના સ્થાને નકારતાનો અનુભવ આવી શકે છે. તમને જે બન્યું છે તે સ્વીકારવું મુશ્કેલ લાગે છે. હકીકતો જાણે છે છતાં પણ તને આ ગુમાવનું માનવામાં મુશ્કેલી થાય છે. તમે મૃત વ્યક્તિ માટે તડપતા રહો છો. તમે માત્ર એ જ ઈચ્છો છો કે કોઈ રીતે તેઓ મળી જાય, ભલે એ સ્પષ્ટ રીતે અશક્ય હોય. આનાથી આરામ કરવો કે ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે અને તમને બરાબર ઊંઘવામાં મુશ્કેલી થઇ શકે છે. સ્વપ્નો ખૂબ પરેશાન કરનારા હોય શકે છે.

કેટલાક લોકો એવું અનુભવે છે કે તેઓ જ્યાં ક્યાંય જાય છે ત્યાં તેમને પોતાના પ્રિયજન દેખાઈ આવે છે – રસ્તા પર, બગીચામાં, ઘરના આસપાસ, કે જ્યાં પણ તેઓ સાથે સમય વિતાવેલો હોય ત્યાં.

ગુસ્સો અને અપરાધભાવ

આ સમયે તમે ખૂબ જ ગુસ્સે આવે - ડોકટરો અને નર્સો પર જેમણે મૃત્યુને અટકાવ્યું ન હતું, મિત્રો અને સંબંધીઓ પર જેમણે પૂરતું કર્યું ન હતું, અથવા તો તે વ્યક્તિ પર પણ જે મૃત્યુ પામીને તમને છોડીને જતા રહ્યા છે. ક્યારેક તમને પોતાને પર ગુસ્સો પણ આવે છે કે તમે પૂરતું નથી કર્યું.

બીજી સામાન્ય લાગણી છે અપરાધભાવ. તમે તમારી જાતને બધી વસ્તુઓ પર ફરીથી વિચારતા શોધી શકો છો જે તમે કહેવા અથવા કરવા માંગતા હતા. તમે એમ પણ વિચારી શકો છો કે, વસ્તુઓ અલગ રીતે કરીને, તમે કોઈ રીતે મૃત્યુને રોકી શક્યા હોત. ચોક્કસ, મૃત્યુ સામાન્ય રીતે કોઈના નિયંત્રણની બહાર હોય છે અને શોકગ્રસ્ત વ્યક્તિને આ યાદ કરાવવાની જરૂર પડી શકે છે. તમને અપરાધભાવ અનુભવ થાઈ, જો તમે પોતાના પ્રિયજનના પીડાદાયક અથવા દુઃખદાયક બીમારી થી મૃત્યુ થાઈ તો તમે રાહત અનુભવો. આ રાહતનો અનુભવ કુદરતી, સમજી શકાય તેવો અને ખૂબ સામાન્ય છે.

ઉદાસી

આ ઉત્તેજનાની સ્થિતિ સામાન્ય રીતે શાંત દુઃખ અથવા વિરામ અને મૌનના સમય દ્વારા અનુસરવામાં આવે છે, જ્યારે તમે ફક્ત પોતાની સાથે રહેવા માંગો છો. આ લાગણીઓના અચાનક ફેરફારો મિત્રો અથવા સંબંધીઓ માટે મૂંઝવણભર્યા હોઈ શકે છે, પરંતુ તે શોકના સામાન્ય ભાગોમાંથી એક છે. 

જ્યારે તમે ઓછા ઉથલપાથલ અનુભવો છો, ત્યારે સમય જતાં હતાશાની અવધિઓ વધુ વારંવાર બનતી જાય છે. ક્યારેક ક્યારેક તમને દુઃખના તીવ્ર ઝટકા આવી શકે છે, જે એવા લોકો, જગ્યાઓ અથવા વસ્તુઓને જોવાથી થાય છે કે જે તમને ગુમાવેલા વ્યક્તિની યાદ અપાવે છે.

અન્ય લોકોને તે સમજવું મુશ્કેલ બની શકે છે અથવા શરમાળ લાગી શકે છે જ્યારે તમે કોઈ સ્પષ્ટ કારણ વગર અચાનક રડવા લાગો છો. આ તબક્કે, એવા લોકોથી દૂર રહેવું, જે તમારું દુઃખ સંપૂર્ણપણે સમજતા નથી અથવા તેને શેર કરતા નથી. જો કે, અન્ય લોકોને ટાળવાથી ભવિષ્યમાં મુશ્કેલીઓ સર્જાય શકે છે, અને સામાન્ય રીતે થોડા અઠવાડિયા પછી (જેટલું શક્ય હોય તેટલું) પોતાના સામાન્ય જીવનમાં પાછા ફરવાનું શરૂ કરવું શ્રેષ્ઠ રહે છે.

આ સમયગાળા દરમિયાન, અન્ય લોકોને એવું લાગી શકે છે કે તમે ફક્ત બેસીને, કંઈ પણ કર્યા વિના સમય વિતાવી રહ્યા છો. વાસ્તવમાં, તમે કદાચ તમારા ગુમાવેલા વ્યક્તિ વિશે વિચારી રહ્યા છો, તેમની સાથે ગુજારેલા સારા અને ખરાબ સમયને ફરીથી અને ફરીથી યાદ કરી રહ્યા છો. એ એક શાંત પરંતુ આવશ્યક ભાગ છે મૃત્યુ સાથે સમાધાન કરવાનો.

સમય જતાં, શરૂઆતના શોકના તીવ્ર દુઃખનો પ્રભાવ ધીમે-ધીમે ઓસરવા લાગે છે. હતાશા ઓછું થાય અને અન્ય વસ્તુઓ વિશે વિચાર કરવાનું અને ભવિષ્યની આશા પણ રાખી શકો છો. પરંતુ, આપણા આત્મનો એક ભાગ ગુમાવ્યો તે અનુભવ સંપૂર્ણપણે ક્યારેય દૂર થતો નથી.

જો તમે જીવનસાથી ગુમાવ્યા હોય, તો એકલતા સતત યાદ અપાવે છે, જ્યારે બીજા જોડાઓને સાથે જોઈને અથવા મીડિયાના હસતા-ખેલતા પરિવારોને જોઈને. તેમ છતાં, થોડા સમય પછી તમે ફરીથી સંપૂર્ણ અનુભવી શકો છો, ભલે તમારા જીવનનો એક ભાગ ગાયબ હોય. તેમ છતાં, વર્ષો પછી પણ તમે ક્યારેક એવું બોલતાં જોવા મળી શકો છો કે જેમ તમે ગુમાવેલ વ્યક્તિ હજુ પણ તમારી સાથે હોય.

સ્વીકૃતિ

આ વિવિધ અનુભવો એક બીજા પર અવર્તાઈ શકે છે અને વ્યક્તિ પ્રમાણે અલગ-અલગ રીતે પ્રગટ થઈ શકે છે. આપણામાંથી મોટાભાગના લોકો એક અથવા બે વર્ષમાં મોટા વિરહમાંથી પુનઃપ્રાપ્તિ કરે છે. શોક કરવાનો અંતિમ કળા એ મૃત વ્યક્તિને વિદાય આપવાની અને નવા જીવનની શરૂઆત કરવાની. તમારો મૂડ સુધરે છે, તમારી ઊંઘ સુધરે છે, અને તમારી ઉર્જા સામાન્ય થઈ જાય છે. તમે ધીમે ધીમે ફરી તમારા સામાન્ય સ્વરૂપ માં પાછા આવો છો, અહીં સુધી કે તમારી યૌન ઈચ્છા પણ પાછી ફરે છે.

આ બધું હોવા છતાં પણ, વિવિધ સંસ્કૃતિઓના લોકો મૃત્યુ સાથે પોતપોતાની અનોખી રીતથી સામનો કરે છે. કેટલાક સમુદાયોમાં, મૃત્યુને જીવન અને મૃત્યુના સતત ચક્રમાં માત્ર એક પગલું ગણવામાં આવે છે; 'પૂર્ણવિરામ' તરીકે નહીં. શોકની વિધિઓ અને સમારંભ ખૂબ જ જાહેર અને પ્રદર્શનાત્મક, અથવા ખાનગી અને શાંત હઈ શકે છે. કેટલીક સંસ્કૃતિઓમાં, શોકનો સમયગાળો નક્કી કરવામાં આવે છે, અન્ય કેટલીક માં નહીં. શોકગ્રસ્ત લોકો દ્વારા વિવિધ સંસ્કૃતિઓમાં અનુભવી રહેલા ભાવનાઓ સમાન હોઈ શકે છે, પરંતુ તેમને વ્યક્ત કરવાની રીતો ખૂબ જ અલગ છે.

બાળકો અને કિશોરો

જ્યારે બાળકો ખૂબ નાનાં હોય ત્યારે તેઓ મૃત્યુનો અર્થ સમજી શકતા નથી, ત્યારે પણ તેઓ નજીકના સંબંધીઓનો ગુમાવવાનો અનુભવ વયસ્કોની જેમ જ અનુભવે છે. શિશુકાળથી જ બાળકો શોક અને ખૂબ જ દુઃખ અનુભવે છે.

જોકે, તેમનો સમયનો અનુભવ પુખ્ત વયના લોકોથી અલગ હોય છે અને તેઓ શોકના તબક્કાઓમાંથી ખૂબ જ ઝડપથી પસાર થઈ શકે છે. શાળાના પ્રારંભિક વર્ષોમાં, બાળકો કદાચ કોઈ નજીકના સંબંધીના મૃત્યુ માટે જવાબદાર હોવાનું અનુભવી શકે છે અને તેથી તેમને ખાતરી આપવાની જરૂર છે કે તે એનો વાક નથી. યુવાઓ ઘણીવાર તેમના દુઃખની વાત માત્ર એટલા માટે નથી કરતા કે તેમને લાગે છે તેઓ મોટી ઉંમરના લોકો માટે વધારાનો બોજ બની જશે.

જ્યારે કુટુંબનો કોઈ સભ્ય મૃત્યુ પામે છે, ત્યારે બાળકો અને કિશોરોના વિરહ અને તેમની શોક કરવાની જરૂરિયાતને અવગણવી જોઈએ નહીં. તેમને સામાન્ય રીતે, ઉદાહરણ તરીકે, અંતિમ સંસ્કારની વ્યવસ્થામાં સામેલ કરવા જોઈએ.

આત્મહત્યા પછીનો શોક

તમે જેને ઓળખો છો તે વ્યક્તિની આત્મહત્યાથી થયેલા મૃત્યુનો સામનો કરવો ખાસ કરીને મુશ્કેલ હોઈ શકે છે. શોકના સામાન્ય અનુભવો ઉપરાંત, ઘણા વિરોધાભાસી લાગણીઓ હોઈ શકે છે. તમે અનુભવી શકો છો:

  • મૃત્યુ પામેલ વ્યક્તિ પ્રત્યે ગુસ્સો, કે જેણે પોતાનું જીવન લઈ લીધું.
  • તેમણે જે કર્યું તેનાથી નકારાયા હોવાનો અનુભવ.
  • તેઓએ તે શા માટે કર્યું તે સમજવામાં મુશ્કેલી.
  • અપરાધીપણું - મોટાભાગના લોકો નિરાશાના પગલે પોતાનું જીવન લઈ લે છે: તમે મૃતક કેવી રીતે અનુભવી રહ્યો હતો તે તમે કેમ નોંધ્યું નહીં?
  • મૃત્યુ રોકી ન શકવાને કારણે તેઓને દોષી અનુભવતા હોય – તેઓ વારંવાર પોતાના મનમાં મૃત્યુ પામેલા વ્યક્તિ સાથે વિતાવેલો સમય યાદ કરે છે અને પોતાને પુછે છે કે શું તેઓ કંઈક કરીને આ અટકાવી શકત
  • ચિંતા, કે મૃત્યુ પામેલ વ્યક્તિએ કેટલો દુઃખ સહન કર્યો
  • આખરે તમને રાહત થાય છે કે હવે તમારે તેમની પીડા જોવી નહી પડે
  • તમને એ માટે હળવાશ અનુભવો છો કે તમે હવે તે વ્યક્તિને ટેકો આપવા અને તેમના આત્મહત્યાના વિચારો અને ઈચ્છાઓનો સામનો કરવાની જરૂર નથી
  • તેમણે જે કર્યું તેનાથી શરમ આવે છે - ખાસ કરીને જો સંસ્કૃતિ કે ધર્મ આત્મહત્યાને પાપી કે લાંછનદાર માને છે
  • તેઓ અન્ય લોકોને આ વિશે વાત કરવામાં હિચકાતાં હોય છે, કારણ કે: (a) તેમની સંસ્કૃતિમાં આત્મહત્યાને લઈ મનોબળ તોડનારી કલંક છે, અથવા (b) તેઓને લાગે છે કે લોકોની રસપ્રતીતિ માત્ર ઘટનાના નાટકિય પાસાઓમાં છે, ન કે લાગણીઓમાં અથવા મૃત્યુ પામેલા વ્યક્તિ પ્રત્યેની સંવેદનામાં
  • એકલતા - આત્મહત્યાથી પ્રિયજન ગુમાવેલા અન્ય લોકો સાથે વાત કરવાથી મદદ મળી શકે છે.

NICE માર્ગદર્શિકા ૧૦૫ (કલમ ૧.૮) પ્રદાન કરે છે recommendations for supporting people bereaved or affected by a suspected suicide.  અન્ય અગત્યના સ્ત્રોતો જેવા કે:

શબપરીક્ષણ

સામાન્ય રીતે કોઈપણ આકસ્મિક મૃત્યુ પછી શબપરીક્ષણ કરવામાં આવે છે. જો આ કોઈ વ્યક્તિની ધાર્મિક અથવા સાંસ્કૃતિક માન્યતાઓની વિરુદ્ધ જાય, તો તેમના મિત્રો અથવા સંબંધીઓએ કોરોનર અને તેમાં સામેલ કોઈપણ વ્યાવસાયિકોને, શક્ય તેટલી વહેલી તકે આ વિશે જાગૃત કરવાની જરૂર છે.

સામાન્ય રીતે ત્યારબાદ તપાસ થશે. કોર્ટની સુનાવણીમાં કોરોનર સમક્ષ પુરાવા રજૂ કરવામાં આવે છે, જેથી ખરેખર શું થયું તે જાણવાનો પ્રયાસ કરી શકાય. તમે ઇન્ક્વેસ્ટ (મૃત્યુ તપાસ)માં હાજર રહેવું મદદરૂપ લાગતું હોય શકે છે – પણ જો તમે ન જવાનું નક્કી કરો, તો પણ તમે કોરોનરના કચેરીમાંથી ઇન્ક્વેસ્ટનો સંપૂર્ણ અહેવાલ મેળવી શકો છો (આ માટે કોઈ ફી લેવામાં આવતી નથી).

વધુ માહિતી મળવા કોરોનર સેવાઓ અને કોરોનર તપાસ માટે સરકારની માર્ગદર્શિકાઓ અને જ્યારે મૃત્યુની જાણ કોરોનરને કરવામાં આવે છે ત્યારે શું થાય છે. 

કેવી રીતે મિત્રો અને સગા સંબંધીઓ મદદ કરી શકે?

  • જે વિરહનું દુઃખ અનુભવી રહી હોય તે વ્યક્તિ સાથે સમય પસાર કરીને તમે મદદ કરી શકો છો. શબ્દો કરતા વધારે, તેઓએ જાણવાની જરૂર છે કે આ દુ:ખ અને તકલીફના સમયમાં તમે તેમની સાથે રહેશો. જયારે શબ્દો પૂરતા હોતા નથી ત્યારે ખભા પરનો સહાનુભૂતિભર્યો હાથ કાળજી અને આધાર વ્યક્ત કરશે.
  • તે અગત્યનું છે કે,જો તેઓ ઈચ્છે તો,શોકગ્રસ્ત વ્યક્તિ, તેમને સ્વસ્થ થવાનું કહ્યા વગર, કોઈ સાથે રડી શકે અને તેઓની દુ:ખ અને તકલીફની લાગણીઓ વિષે વાત કરી શકે. સમય જતા, તેઓ સ્વસ્થ થશે, પરંતુ પહેલાં તેઓને વાત કરવાની અને રડવાની જરૂર છે.
  • બીજાને કદાચ તે સમજવાનું અઘરું લાગે કે શા માટે પીડિત વ્યક્તિએ એક જ બાબતો વિષે ફરી અને ફરીથી વાતો કરતા રહેવું જોઈએ, પણ આ દુ:ખ દુર કરવાની પ્રક્રિયાનો ભાગ છે અને તેને પ્રોત્સાહન આપવું જોઈએ. જો શું કહેવું એ તમે જાણતા નથી, અથવા તે વિષે વાત કરાવી કે નહિ તે પણ જાણતા નથી, તો પ્રામાણિક બનો અને તે કહો. આ શોકગ્રસ્ત વ્યક્તિને તમને એ કહેવાની તક આપે છે કે તે અથવા તેણી શું ઈચ્છે છે. લોકો ઘણી વાર જે વ્યક્તિ મરી ગઈ છે તેના નામનો ઉલ્લેખ કરવાનું ટાળે છે, એ બીકથી કે તે વિચલિત કરશે. જો કે શોકગ્રસ્ત વ્યક્તિને તે એમ લાગી શકે કે જાણે બીજાઓ તેની ખોટને ભૂલી ગયા છે, જે તેની શોકની દુઃખદાયક લાગણીઓમાં એકલતાની ભાવના ઉમેરે છે.
  • યાદ રાખો કે તહેવારના પ્રસંગો અને વર્ષગાંઠો (ફક્ત મૃત્યુની નહીં પણ જન્મદિન અને લગ્નની પણ) એ ખાસ પીડાદાયક સમય છે. મિત્રો અને સંબંધીઓ આસપાસ રહેવાનો ખાસ પ્રયત્ન કરી શકે છે.
  • સફાઈ, ખરીદી અને બાળકોની સંભાળ જેવી વ્યવહારૂ મદદ એકલા રહેવાના બોજને હલકો કરી શકે છે. ઉંમરલાયક શોકગ્રસ્ત સાથીદારોને મૃત પામેલ સાથીદાર જે કાર્યો સંભાળતા હતા - બીલોને લગતા, રસોઈ, ઘરના કાર્ય, કારની સર્વિસ કરાવી અને એવા બધા માટે મદદની જરૂર પડી શકે.
  • એ અગત્યનું છે કે લોકોને શોક કરવા માટે પૂરતો સમય આપવો. કેટલાક લોકો ઝડપથી આ દુખ માંથી બહાર આવી જાય છે, જ્યારે બીજા લોકોને વધુ સમય લાગે છે. તેથી, શોકગ્રસ્ત સંબંધી કે મિત્ર પાસેથી ખૂબ વહેલા વધારે અપેક્ષા રાખશો નહીં – તેમને યોગ્ય રીતે શોક વ્યક્ત કરવા માટે સમયની જરૂર હોય છે, અને આ ભવિષ્યમાં સમસ્યાઓને નિવારવા મદદ કરશે. 

જો શોકનું નિવારણ ના આવે તો શું થાય?

એવા લોકો હોય છે કે જેમને શોક કરવો જ અઘરું લાગે છે. તેઓ દફનવિધિમાં રડતા નથી, તેઓની ખોટ વિશે ઉલ્લેખ કરવાનું ટાળે છે અને નોંધનીય ઝડપથી તેમના સામાન્ય જીવનમાં પાછા ફરે છે. આ તેમનો ખોટ સાથે વ્યવહાર કરવાનો સામાન્ય રસ્તો છે અને કોઈ નુકસાન થતું નથી. પણ બીજાઓ વિચિત્ર શારીરિક ચિન્હો અથવા આવનાર વર્ષોમાં પુનરાવર્તિત ડિપ્રેશનના હુમલા અનુભવી શકે. કેટલાકને પુરતો શોક કરવા તક મળતી નથી. પરિવાર અથવા વ્યવસાયની ભારે જવાબદારીઓના કારણે એ શક્ય નથી રહેતું કે પોતાને માટે સમય કાઢી શકાય.

કેટલીક વાર સમસ્યા એ હોય છે કે ગુમાવવાને "યોગ્ય" દુ:ખ તરીકે જોવામાં આવતું નથી. આ ઘણીવાર થાય છે, પણ હંમેશા નહીં, ખાસ કરીને એ મહિલાઓ સાથે જેમણે ગર્ભપાત, મ્રતજન્મ અથવા એબોર્શનનો અનુભવ કર્યો હોય. ફરીથી,ડિપ્રેશનના વારંવારના સમયો આવી શકે.

કેટલાક લોકો શોક વ્યક્ત કરવાનું શરૂ કરે છે, પરંતુ તેમાં અટકી જાય છે. શોક અને અવિશ્વાસની શરૂઆતની લાગણી આવતી ને આવતી જ રહે છે. વર્ષો પસાર થાય અને જે વ્યક્તિને તેઓ પ્રેમ કરતા હતા તે મૃત છે તેમ માનવાનું હજુ પણ તેઓને અઘરું લાગે છે. બીજાઓ એવા હોય છે કે જે અન્ય કંઈપણ વિશે વિચારવા અસમર્થ રહે છે, અને ઘણીવાર મૃત્યુ પામેલા વ્યક્તિના રૂમને તેમની યાદ માટે એક પ્રકારના સ્મારક તરીકે રાખે છે.

ક્યારેક, શોક સાથે જોડાયેલી ઉદાસીનતા એટલી વધુ વધી શકે છે કે વ્યક્તિ ખાવા-પીવાનું પણ ઇનકાર કરે છે અને તેમને આત્મહત્યાના વિચારો આવવા લાગે છે.

તમારા ડોક્ટર પાસેથી મદદ

વિયોગ આપણા જીવનને ઊંધું ફેરવી નાખે છે અને તે જીવનના સૌથી દુખદાયક અનુભવોમાંથી એક હોય છે. એ તદ્દન વિચિત્ર, ભયાનક અને વિખેરી નાખે તેવું બની શકે. તેમ છતાં, આ સમગ્ર ઘટના એ જીવનનો ભાગ છે, જેમાંથી આપણે સર્વ પસાર થઈએ છીએ અને સામાન્ય રીતે તબીબી સારવારની જરૂરિયાત હોતી નથી. જો કે,એવા સમયો હોય છે જયારે દુઃખ એ ગંભીર સમસ્યા બની શકે છે.

  • જો કોઈને શોકની સમસ્યા થોડા મહિના બાદ સારી ન થાય તો તેઓ ડોક્ટરની મદદ લઈ શકે છે. ઘણા વ્યક્તિઓ માટે એ પૂરતું હશે કે તેઓ લોકોને મળે અને બીજાઓ સાથે વાતચીત કરે, જેઓ પણ એ જ અનુભવોમાંથી પસાર થયા હોય. કેટલાકને થોડા સમય માટે દુ:ખ દુર કરવા માટેના કાઉન્સિલરની અથવા સાયકોથેરપિસ્ટની, ખાસ જુથમાં અથવા વ્યક્તિગત માં જરૂર હોય છે.
  • ઘણીવાર, ઊંઘરહિત રાત્રીઓ ખૂબ લાંબા સમય સુધી રહે છે, જે એક ગંભીર સમસ્યા બની જાય છે. ડોક્ટર થોડા દિવસો માટે ઊંઘની ગોળીઓ લખી આપે છે.
  • જો ઉદાસીનતા સતત વધી રહી હોય અને જેના કારણે ભૂખ, ઊર્જા અને ઊંઘ પર અસર પડી રહી હોય, તો એન્ટી ડિપ્રેસન્ટ દવાઓ મદદરૂપ સાબિત થઈ શકે છે; વધુ માહિતી માટે; એન્ટીડિપ્રેસન્ટ માટેની અમારી પત્રિકા જુઓ. જો હજુ પણ હતાશામાં સુધારો ના થાય તો તમારા ડોક્ટર, મનોચિકિત્સક સાથે તમારી મુલાકાત ગોઠવી શકે છે.
  • જે લોકોએ કોઈ ગંભીર બીમારીને કારણે કોઈને ગુમાવ્યા છે, તેમના માટે ઘણી હોસ્પિટલો તમને મફત શોકમાંથી બહાર આવવા માટેની સેવા અને સહાય પ્રદાન કરશે.
  • જેઓ મુશ્કેલીમાં છે, તેમના માટે મદદ તૈયાર છે, ફક્ત ડોકટરો પાસેથી નહીં, પણ નીચે યાદી આપેલ સંસ્થાઓ તરફથી પણ.

શોકમાંથી બહાર આવવા માટેની સહાય અને સલાહ

શોક સલાહ કેન્દ્ર

હેલ્પલાઇન: 0800 634 9494

એક મફત ફોન નંબર દ્વારા શોકગ્રસ્ત લોકોને વ્યવહારૂ મુદ્દાઓ સંબંધી સહાય પ્રદાન કરે છે. તે મૃત્યુની નોંધણી અને અંતિમ સંસ્કાર નિર્દેશક શોધવાથી લઈને પ્રોબેટ, કર અને લાભના પ્રશ્નો સુધીના શોકના તમામ પાસાઓ પર સલાહ આપે છે.

બ્રેથિંગ સ્પેસ સ્કોટલેન્ડ

હેલ્પલાઇન: 0800 83 85 87

અનુભવી સલાહકારો એવા લોકોને સાંભળવા અને સલાહ અને માહિતી આપવા માટે ઉપલબ્ધ છે, જેઓ હતાશ છે અને જેમને વાત કરવાની જરૂર છે.

ચાઇલ્ડ બીરિવમેન્ટ UK

આધાર અને માહિતી લાઈન: 0800 02 888 40

એક રાષ્ટ્રીય ચેરિટી જે શોકગ્રસ્ત પરિવારો અને તેમની સંભાળ રાખતા વ્યાવસાયિકોને મદદ કરે છે.

ક્રુસ બીરેવમેન્ટ કેર અને ક્રુસ બીરેવમેન્ટ કેર સકોટલેંડ

હેલ્પલાઇન: 0808 808 1677

હેલ્પલાઇન (સ્કોટલેંડ): 0845 600 2227

કોઈ નજીકના વ્યક્તિના મૃત્યુ પછી લોકોને ટેકો આપે છે. UK માં પ્રશિક્ષિત શોક સહાય સ્વયંસેવકો દ્વારા રૂબરૂ અને જૂથ સહાય પૂરી પાડવામાં આવે છે.

ડાઈન્ગ મેટર્સ

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 32000 સભ્યોનું ગઠબંધન, જેનો ઉદ્દેશ્ય લોકોને મૃત્યુ, મૃત્યુ અને શોક વિશે વધુ ખુલ્લેઆમ વાત કરવા માટે પ્રોત્સાહન કરે છે અને જીવનના અંત માટે યોજનાઓ બનાવવામાં મદદ કરે છે.

રોઝી ક્રેન ટ્રસ્ટ

હેલ્પલાઇન: 01460 55120

ઈમેલ: contact@rosiecranetrust.co.uk

ટ્રસ્ટ કોઈપણ ઉંમરના પુત્ર કે પુત્રીના મૃત્યુ પછી શોકગ્રસ્ત માતાપિતાને તેમના દુઃખમાં ટેકો આપે છે.

સમરિટન્સ

હેલ્પલાઇન: 116 123

ઈમેઇલ: jo@samaritans.org

એક રાષ્ટ્રીય સંસ્થા જે આત્મહત્યા કરવા માંગતા અથવા નિરાશ થયેલા લોકોને મદદ કરે છે અને જેમને વાત કરવાની જરૂર હોય છે.

સપોર્ટ આફ્ટર સ્યુસાઈડ પાર્ટનરશીપ

એવા સંસ્થાઓનું એક નેટવર્ક છે જે લોકો ને આત્મહત્યાથી શોકગ્રસ્ત અથવા પ્રભાવિત લોકોને ટેકો આપે છે.

સર્વાંઈવર્સ ઓફ બીરેવમેન્ટ બાય સ્યુસાઈડ

હેલ્પલાઇન: 0300 111 5065

UK માં શોકગ્રસ્ત પુખ્ત વયના લોકો માટે એક સ્વ-સહાય સંસ્થા, જે શોકગ્રસ્ત હતા તેવા લોકો દ્વારા ચલાવવામાં આવે છે.

દયાળુ મિત્રો: શોકગ્રસ્ત માતાપિતા અને તેમના પરિવારોને ટેકો આપવો

હેલ્પલાઇન: 0345 123 2304

બાળક/બાળકોના મૃત્યુથી પીડાતા શોકગ્રસ્ત માતાપિતા, ભાઈ-બહેનો અને દાદા-દાદીની એક સખાવતી સંસ્થા.

ધ લલાબાઈ ટ્રસ્ટ

ફોન: 0808 802 6868

ઈમેઇલ: support@lullabytrust.org.uk

બાળકના અચાનક મૃત્યુનો અનુભવ કરનારા શોકગ્રસ્ત પરિવારોને વિશેષ સહાય પૂરી પાડતી સખાવત, બાળકની સલામત ઊંઘ અંગે નિષ્ણાત સલાહને પ્રોત્સાહન આપે છે અને અચાનક શિશુ મૃત્યુ અંગે જાગૃતિ ફેલાવે છે.

ધ લોસ ફાઉન્ડેશન

જેમણે પોતાનાસ્વજનોને કેન્સરથી ગુમાવ્યા છે તેમની સહાય માટે સખાવત. તે ખાસ કરીને લંડન અને ઓક્સફોર્ડ (ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે) માટે અને અન્ય સહાયના પ્રસંગો માટે કાર્ય કરે છે.

વે: વીડોસ એન્ડ યંગ

એવી એક ચેરિટી છે જે પુરુષો અને મહિલાઓ માટે છે જેમના જીવનસાથીનું અવસાન ત્યારે થયું હોય જ્યારે તેઓ 50 વર્ષની ઉંમર કે તેથી નીચેના હોય.

વિન્સ્ટન્સ વિશ

વિન્સ્ટન્સ વિશ એ UK ની એક રાષ્ટ્રીય સખાવત છે, જે બાળકો, યુવાનો (૨૫ વર્ષ સુધીના) અને તેમના પરિવારોને, તેમના નજીકના કોઈના મૃત્યુ પર શોક સહાય પૂરી પાડે છે.

ફ્રી ફોન હેલ્પલાઇન: 08088 020 021

ઈ મેલ: ask@winstonswish.org

વધુ વાંચન

સંદર્ભો

Zisook, S., & Shear, K. (2009). દુઃખ અને શોક : મનોચિકિત્સકોએ શું જાણવું જોઈએ. વર્લ્ડ સાઈકીયાટ્રી, ૮(૨), ૬૭-૭૪ .

Bonanno, G.A., & Kaltman, S. (2001). શોકના અનુભવના પ્રકારો. ક્લીનીકલ સાઈકીઓલોજી રીવ્યુ, ૨૧(૫), ૭૦૫-૭૩૪ .

Zisook, S., et al. (2014). શોક: તબક્કા, પરિણામ અને સંભાળ. અત્યારના સાઈકીયાટ્રી અહેવાલો, ૧૬, ૪૮૨-૪૯૨..

Lobar, S.L., Youngblut, J.M., & Brooten, D. (2006). કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુને લગતી આંતર-સાંસ્કૃતિક માન્યતાઓ, વિધિઓ અને ધાર્મિક વિધિઓ. પીડીઆટ્રીક નર્સિંગ, ૩૨(૧), ૪૪-૫૦.

Watson-Jones, R.E., Busch, J.T.A., Harris, P.L., & Legare, C.H. (2017). શું શરીર મૃત્યુ પછી પણ ટકી રહે છે? અનંતજીવન વિશેની માન્યતાઓમાં સંસ્કૃતિના વિવિધતા. કોગ્નીટીવ સાયંસ, ૪૧(સપ્લ.૩), ૪૫૫-૪૭૬.

Bibby, R.W. (2017). મૃત્યુ પછીનું જીવન: છેલ્લી માહિતીના તફાવત પર આંકડા અને પ્રતિભાવ: સંશોધન નોંધ. સ્ટડીઝ ઇન રીલીજિઅન, ૪૬(૧), ૧૩૦-૧૪૧.

Perkins, H.S., Cortez, J.D., & Hazuda, H.P. (2012). મૃત્યુ પછીના આત્મા અને જીવનના અંતની સંભાળમાં તેના મહત્વ વિશે દર્દીઓની માન્યતાઓમાં વિવિધતા. સર્ધન મેડીકલ જર્નલ, ૧૦૫ (૫), ૨૬૬ -૨૭૨.

Bonoti, F., Leondari, A., & Mastora, A. (2013). બાળકોમાં મૃત્યુ વિશેની સમજણનું અન્વેષણ કરવું: ચિત્રો અને મૃત્યુ ખ્યાલ પ્રશ્નાવલી દ્વારા. ડેથ સ્ટડીઝ, ૩૭, ૪૭-૬૦.

Slaughter, V. (2005). નાના બાળકોમાં મૃત્યુની સમજ. ઓસ્ટ્રેલીઅન સાઈકીઓલોજીસ્ટ, ૪૦(૩), ૧૭૯-૧૮૬.

Willis, C.A. (2002). બાળકોમાં શોકની પ્રક્રિયા: મૃત્યુ પ્રત્યે બાળકોની ધારણાઓને સમજવા, શિક્ષિત કરવા અને સમાધાન કરવા માટેની વ્યૂહરચનાઓ. અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેશન જર્નલ, ૨૯(૪), ૨૨૧-૨૨૬.

Simon, N.M. (2013). ગુંચવણભર્યું દુ:ખ. JAMA, 310 (4), 416-423.

Horowitz, M.J., et al. (1997). જટિલ દુઃખ ડિસઓર્ડર માટે નિદાન માપદંડ. American Journal of Psychiatry, 154 (7), 904-910.

Monk, T.H., Germain, A., & Reynolds, C.F. (2008). શોકમાં ઊંઘમાં ખલેલ, સાઈકીયાટ્રીક અન્નલ્સ, ૩૮(૧૦), ૬૭૧-૬૭૫.

શ્રેય

આ માહિતી મનોચિકિત્સકોની રોયલ કોલેજ ઓફ સાઈકીયાટ્રીસ્ટ (Royal College of Psychiatrists) પબ્લિક એંગેજમેન્ટ એડિટોરિયલ બોર્ડ દ્વારા આપવામાં આવી હતી.

શ્રેણી સંપાદક: ડૉ.ફિલિપ ટીમ્સ
શ્રેણી વ્યવસ્થાપક: થોમસ કેનેડી
નિષ્ણાતનો અભિપ્રાય: ડૉ.મનોજ રાજગોપાલ

પ્રકાશિત: માર્ચ ૨૦૨૦

સમીક્ષા બાકી છે: માર્ચ ૨૦૨૩

© રોયલ કોલેજ ઓફ સાઈકીયાટ્રીસ્ટ (Royal College of Psychiatrists)

This translation was produced by CLEAR Global (Aug 2025)

Read more to receive further information regarding a career in psychiatry