ઓબ્સેસિવ-કમ્પલ્સિવ ડીસઓર્ડર (OCD)
Obsessive-compulsive disorder (OCD)
Below is a Gujarati translation of our information resource on obsessive-compulsive disorder (OCD). You can also view our other Gujarati translations.
“તે એક ફૂટબોલનો ગાંડો ચાહક છે.”
“તેને ચંપલનો ખૂબ જ શોખ છે.”
“તે એક સતત જૂઠું બોલનાર છે.”
આપણે આ શબ્દસમૂહોનો ઉપયોગ એવા લોકોનું વર્ણન કરવા માટે કરીએ છીએ જેઓ કોઈ વસ્તુ વિશે ઘણું વિચારે છે અથવા વારંવાર કંઈક કરે છે, ભલે બીજા લોકો તેનું કોઈ કારણ જોઈ શકતા ન હોય. તે સામાન્ય રીતે કોઈ સમસ્યા નથી અને, કેટલાક કામકાજમાં, મદદરૂપ પણ થઈ શકે છે.
જોકે, કેટલાક લોકોને મનમાં વારંવાર દુઃખદાયક વિચારો આવે છે, અથવા વારંવાર એક જ વસ્તુ કરવાની ઇચ્છા અનુભવાય છે. આ તમારા જીવન પર પ્રભુત્વ જમાવી શકે છે, તમને વસ્તુઓનો આનંદ માણતા અટકાવી શકે છે અને તમારે જે કરવાની જરૂર છે તે કરવાથી પણ રોકી શકે છે.
તો, જો:
- તમને ભયાનક વિચારો મનમાં આવે છે, પછી ભલે તમે તેને દૂર રાખવા માટે સંઘર્ષ કરો
અથવા
- તમારે વસ્તુઓને સ્પર્શ કરવી પડશે અથવા ગણવી પડશે, અથવા ધોવા જેવી એક જ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરવું પડશે
તમને ઓબ્સેસિવ-કમ્પલ્સિવ ડિસઓર્ડર (OCD) હોઈ શકે છે.
આ પત્રિકા એવા કોઈપણ વ્યક્તિ માટે છે જેમને વળગણના અથવા મજબૂરીભર્યા વર્તન સાથે સમસ્યા હોય. અમને આશા છે કે, તે પરિવાર અને મિત્રો - અને OCD વિશે જાણવા માંગતા અન્ય કોઈપણ વ્યક્તિ માટે પણ મદદરૂપ થશે.
તે વર્ણન કરે છે કે, OCD હોય ત્યારે કેવું લાગે છે, કઈ મદદ ઉપલબ્ધ છે અને તે કેટલી સારી રીતે કામ કરે છે, તમે તમારી જાતને કેવી રીતે મદદ કરી શકો છો અને અન્ય કોઈ હતાશા વ્યક્તિને કેવી રીતે મદદ કરી શકાય. તેમાં OCD વિશે કેટલીક એવી બાબતોનો પણ ઉલ્લેખ છે જે આપણે જાણતા નથી. પત્રિકાના અંતે, વધુ માહિતી મેળવવા માટે અન્ય સ્થળોની યાદી અને આ પત્રિકા જેના પર આધારિત છે તે સંશોધનના સંદર્ભો છે.
OCD હોવું કેવું લાગે છે?
OCD ના ઘટકો
OCD ના મુખ્ય ત્રણ ભાગો છે.
- મનોગ્રસ્તિઓ- વિચારો જે તમને બેચેન બનાવે
- લાગણીઓ- ચિંતા જે તમે અનુભવો છો
- મજબૂરીઓ- તમારી ચિંતા ઘટાડવા માટે તમે જે કરો છો તે વસ્તુઓ
ચાલો આને વધુ વિગતવાર જોઈએ.
મનોગ્રસ્તિઓ- વિચારો જે તમને બેચેન બનાવે
"મને ડર છે કે, હું મારી નાની દીકરીને નુકસાન પહોંચાડીશ. મને ખબર છે કે, હું નથી ઇચ્છતી, પણ મારા મગજમાં ખરાબ વિચારો આવ્યા કરે છે. હું મારી જાત પર કાબુ ગુમાવતા અને તેને છરી મારતા જોઈ શકું છું. આવા વિચારોથી છૂટકારો મેળવવાનો એકમાત્ર રસ્તો એ છે કે, હું પ્રાર્થના કરું, અને પછી "મને ખબર છે કે, હું તેને ખૂબ પ્રેમ કરું છું" જેવા સારા વિચારો કરું. ત્યાર પછી મને સામાન્ય રીતે થોડું સારું લાગે છે, જ્યાં સુધી મારા મગજમાં તેવા ભયાનક ચિત્રો ફરી થી ન આવે. મેં મારા ઘરમાં બધી તીક્ષ્ણ વસ્તુઓ અને છરીઓ છુપાવી દીધી છે. હું મારી જાતે વિચારું છું કે, "આવું વિચારવા માટે તું એક ભયંકર માતા હોવી જોઈએ. હું પાગલ થઈ રહી હોઈશ." - ડૉન
- વિચારો- એક શબ્દ, ટૂંકા શબ્દસમૂહો અથવા છંદો જે અપ્રિય, આઘાતજનક અથવા નિંદાત્મક હોય. તમે તેમના વિશે ન વિચારવાનો પ્રયાસ કરો, પણ તેઓ દૂર નથી જતા. તમને ચિંતા થાય કે, તમે દૂષિત થઈ જશો (જંતુઓ, ગંદકી અથવા રોગથી), અથવા તમારી બેદરકારીને કારણે કોઈને નુકસાન થશે.
- તમારા મનમાં ધારો- તમે તમારા પરિવારને મૃત જોઓ છો, અથવા તમારી જાતને કંઈક હિંસક અથવા જાતીય કૃત્ય કરતા જોઓ છો કે જે સંપૂર્ણપણે અયોગ્ય છે - કોઈને છરીથી મારવુ અથવા દુર્વ્યવહાર કરવો અથવા બેવફા બનવું. આવા વિચારો પીડિત, તેમના પરિવાર અને વ્યાવસાયિકો માટે પણ ખૂબ જ ચિંતાજનક હોઈ શકે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે મનોગ્રસ્તિઓ ધરાવતા લોકો આ વિચારો પર કાર્ય નથી કરતા, ભલે તેઓ ડરતા હોય કે તેઓ આવું કરશે. OCD થી પીડિત વ્યક્તિ દ્વારા નુકસાન પહોંચાડવાનું જોખમ જાહેર જનતાના અન્ય કોઈપણ સભ્ય કરતાં વધારે હોતું નથી. તેમ છતાં, જો તમને આવા વિચારો આવે છે, તો OCD ની સારવારમાં નિષ્ણાત અનુભવ ધરાવતા માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકને મળવું શ્રેષ્ઠ છે.
- શંકાઓ- તમે કલાકો સુધી વિચારતા રહો છો કે, શું તમે કોઈના અકસ્માત કે દુર્ઘટનાનું કારણ બન્યા છો. તમને ચિંતા થાય કે, તમે તમારી કારથી કોઈને પછાડી દીધા છે, અથવા તમે તમારા દરવાજા અને બારીઓ ખુલ્લા છોડી દીધા છે.
- ઊંડી વિચારણા- તમે એક કામ કરવું કે, બીજું કરવું તે અંગે અવિરતપણે તમારી જાત સાથે દલીલ કરો છો જેથી તમે સૌથી સરળ નિર્ણય પણ ન લઈ શકો.
- સંપૂર્ણતાવાદ- જો વસ્તુઓ બરાબર ક્રમમાં ન હોય, સંતુલિત ન હોય અથવા યોગ્ય જગ્યાએ ન હોય તો તમે એવી રીતે પરેશાન રહો છો જેટલા અન્ય લોકો નથી રહેતા. ઉદાહરણ તરીકે, જો પુસ્તકો બુકશેલ્ફ પર બરાબર ગોઠવાયેલા ન હોય.
લાગણીઓ- ચિંતા જે તમે અનુભવો છો
"મારો આખો દિવસ એ તપાસવામાં પસાર થાય છે કે, કંઈ ખોટું તો નહી થાય ને. સવારે ઘરમાંથી બહાર નીકળવામાં મને એક કલાક લાગે છે, કારણ કે મને ક્યારેય ખાતરી નથી થતી કે, મેં કૂકર જેવા બધા વિદ્યુત ઉપકરણો બંધ કર્યા છે, અને બધી બારીઓ બંધ કરી દીધી છે. પછી હું પાંચ વખત ગેસ બંધ છે કે નહીં તે તપાસું છું, પણ જો તે યોગ્ય ન લાગે તો મારે ફરીથી બધું કરવું પડે છે. અંતે, હું મારા પાર્ટનરને કહું છું કે, તે મારા માટે ફરીથી બધું તપાસે. કામ પર હું હંમેશા પાછળ રહું છું કારણ કે, હું ઘણી વખત બધું જ જોઉં છું કે કદાચ મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય. જો હું તપાસ ન કરું તો મને ખૂબજ ચિંતા થાય જે હું સહન કરી શકતો નથી. મને ખબર છે કે તે હાસ્યાસ્પદ છે, પણ મને લાગે છે જો કંઈક ભયાનક બન્યું હોત, તો હું જ દોષિત હોત." - જોન
- તમે તણાવ, ચિંતા, ભય, દોષ, અણગમો અથવા હતાશા અનુભવો છો.
- જો તમે તમારા ફરજિયાત વર્તન અથવા વિધિઓનું પાલન કરો તો તમને સારું લાગે છે - પરંતુ તે લાંબા સમય સુધી ટકતું નથી.
મજબૂરીઓ- તમારી ચિંતા ઘટાડવા માટે તમે જે કરો છો તે વસ્તુઓ
"મને બીજા લોકો પાસેથી કંઈક લાગી જવાનો ડર લાગે છે. હું મારા ઘરની બધી સપાટીઓને જંતુઓથી બચાવવા માટે કલાકો સુધી બ્લીચ કરું છું, અને દિવસમાં ઘણી વખત મારા હાથ ધોઉં છું. શક્ય હોય તો હું ઘરની બહાર ન જવાનો પ્રયાસ કરું છું. જ્યારે મારા પતિ અને બાળકો ઘરે પાછા આવે છે, ત્યારે હું તેમને ખૂબ વિગતવાર પૂછું છું કે, તેઓ ક્યાં હતા, શું તેઓ કોઈ ખતરનાક જગ્યાએ ગયા છે જેમ કે, હોસ્પિટલ. હું તેમને તેમના બધા કપડાં ઉતારવા અને પોતાને સંપૂર્ણપણે ધોઈ નાખવા માટે પણ કહું છું. મારા એક ભાગને ખ્યાલ છે કે, આ ડર મૂર્ખામીભર્યા છે. મારો પરિવાર તેનાથી કંટાળી ગયો છે, પણ તે ઘણા સમયથી ચાલ્યું આવ્યું છે અને હવે હું રોકી શકતી નથી." - લિઝ
- વળગણજન્ય વિચારોને સુધારવા- તમે ગણતરી, પ્રાર્થના અથવા વારંવાર કોઈ ખાસ શબ્દ બોલવા જેવા વિચારોને 'તટસ્થ' કરવા માટે વૈકલ્પિક વિચારો કરો છો. એવું લાગે છે કે, આ ખરાબ વસ્તુઓને બનતી અટકાવે છે. તે તમને પરેશાન કરતા કોઈપણ અપ્રિય વિચારો અથવા મનના ચિત્રોથી છુટકારો મેળવવાનો એક માર્ગ પણ હોઈ શકે છે.
- વિધિઓ- તમે વારંવાર તમારા હાથ ધોવો, કામ ખૂબ ધીમેથી અને કાળજીપૂર્વક કરો, કદાચ વસ્તુઓ અથવા પ્રવૃત્તિઓને કોઈ ચોક્કસ રીતે ગોઠવો. આમાં એટલો સમય લાગી શકે કે ક્યાક જવામાં અથવા કંઈક ઉપયોગી કરવામાં બવ સમય લાગે.
- તપાસ- તમારુ શરીર દુશીત છે કે નહીં, ઉપકરણો બંધ છે કે નહીં, ઘર તાળું મારી દીધું છે કે તમારો પ્રવાસનો માર્ગ સુરક્ષિત છે કે નહીં.
- દૂર રહેવું- ચિંતાજનક વિચારોની યાદ અપાવતી કોઈપણ વસ્તુથી. તમે ચોક્કસ વસ્તુઓને સ્પર્શ કરવાનું, કેટલાક સ્થળોએ જવાનું, જોખમ લેવાનું કે જવાબદારી સ્વીકારવાનું ટાળો છો. ઉદાહરણ તરીકે, તમે રસોડામાં જવાનું ટાળો છો કારણ કે, તમને ખબર છે કે ત્યાં તમને તીક્ષ્ણ છરીઓ મળશે.
- સંગ્રહખોરી- નકામી અને જર્જરિત વસ્તુઓનો સંગ્રહ. તમે કંઈપણ ફેંકી શકતા નથી.
- ખાતરી- તમે વારંવાર બીજાઓને કહો છો કે, બધું બરાબર છે.
OCD કેટલું સામાન્ય છે?
દર ૫૦ માંથી ૧ વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક OCD થી પીડાય છે, પુરુષો અને સ્ત્રીઓ બંને સમાન રીતે. તે યુકેમાં ૧ મિલિયનથી વધુ લોકો થાય છે.
પ્રખ્યાત પીડિતોમાં જીવવિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિન, અગ્રણી નર્સ ફ્લોરેન્સ નાઇટિંગેલ, અભિનેત્રી કેમેરોન ડિયાઝ અને ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહામનો સમાવેશ થઈ શકે છે.
જો તમે જુગાર રમો છો, 'ફરજિયાત' રીતે ખાઓ છો કે પીઓ છો, તો શું તમને OCD છે?
ના. 'કમ્પલ્સિવ' અને 'ઓબ્સેસિવ' શબ્દો ક્યારેક એવા લોકોનું વર્ણન કરવા માટે વપરાય છે જેઓ જુગાર રમે છે, દારૂ પીવે છે, ખરીદી કરે છે, શેરી ડ્રગ્સનો ઉપયોગ કરે છે - અથવા તો ખૂબ જ કસરત પણ કરે છે.
જોકે, આ વર્તણૂકો આનંદદાયક હોઈ શકે છે. OCD માં આવતી મજબૂરીઓ ક્યારેય આનંદ આપતી નથી - તે હંમેશા એક અપ્રિય માંગ અથવા બોજ તરીકે અનુભવાય છે.
OCD કેટલું ખરાબ થઈ શકે છે?
તેમાં ઘણી વિવિધતા હોય છે, પરંતુ જો તમારે સતત OCDનો સામનો ન કરવો પડે તો કામ, સંબંધો અને પારિવારિક જીવન બધું જ વધુ ઉત્પાદક અને સંતોષકારક બને છે.
ગંભીર OCD નિયમિત રીતે કામ કરવાનું, પારિવારિક જીવનમાં ભાગ લેવાનું - અથવા તો તમારા પરિવાર સાથે રહેવાનું પણ અશક્ય બનાવી શકે છે.
ખાસ કરીને, જો તમે તમારા પરિવારને તમારી દૈનિક વિધિઓમાં સામેલ કરવાનો પ્રયાસ કરશો તો તેઓ નારાજ થઈ શકે છે.
શું OCD ધરાવતા લોકો નિયંત્રણ ગુમાવે છે?
ના - OCD ધરાવતા લોકો નિયંત્રણ ગુમાવતા નથી, ભલે તેઓ ઘણીવાર આ વિશે ખૂબ ચિંતા કરતા હોય. તેઓ કદાચ પૂછી પણ શકે છે કે શું તેઓ 'પાગલ થઈ રહ્યા છે' કે 'ગાંડા થઈ રહ્યા છે.' તેઓ ઘણીવાર પોતાના સ્વભાવથી શરમ અનુભવે છે અને તેને છુપાવવાનો પ્રયાસ કરે છે, ભલે તે તેમની ભૂલ ન હોય.
ભલે તમને ચિંતા હોય કે તમે નિયંત્રણ ગુમાવશો, અમે જાણીએ છીએ કે, આ અત્યંત દુર્લભ છે.
કઈ પરિસ્થિતિઓ OCD જેવી જ છે?
બીજી ઘણી સ્થિતિઓ છે જે OCD સાથે ઓવરલેપ થઈ શકે છે, અથવા અન્ય સમાનતાઓ ધરાવે છે.
- શારીરિક ડિસમોર્ફિક ડિસઓર્ડર, અથવા 'કલ્પિત કદરૂપુંતાની તકલીફ'. તમને ખાતરી થઈ જાય છે કે, તમારા ચહેરા અથવા શરીરના અમુક ભાગ ખોટા આકારના છે, અને તમે અરીસા સામે કલાકો સુધી તેને તપાસવામાં અને ઢાંકવાનો પ્રયાસ કરવામાં વિતાવો છો. તમે જાહેરમાં બહાર જવાનું પણ બંધ કરી શકો છો.
- ટ્રાઇકોટિલોમેનિયા - તમારા વાળ અથવા ભમર ખેંચવાની ઇચ્છા.
- સ્વાસ્થ્ય ચિંતા (હાયપોકોન્ડ્રિયાસિસ) - કેન્સર જેવી ગંભીર શારીરિક બીમારીથી પીડાવાનો ભય.
- ટૌરેટ સિન્ડ્રોમ ધરાવતા લોકો (જ્યાં કોઈ વ્યક્તિ અચાનક બૂમો પાડી શકે છે અથવા અનિયંત્રિત રીતે ધક્કો મારી શકે છે) ઘણીવાર OCD પણ ધરાવે છે.
- એસ્પર્જર સિન્ડ્રોમ જેવા ઓટીઝમના કેટલાક સ્વરૂપો ધરાવતા બાળકો અને પુખ્ત વયના લોકો OCD ધરાવતા હોય તેવું લાગી શકે છે કારણ કે, તેઓ વસ્તુઓ સમાન રહેવાનું પસંદ કરે છે, અને વારંવાર એક જ વસ્તુ કરવાનું પસંદ કરી શકે છે.
OCD ક્યારે શરૂ થાય છે?
ઘણા બાળકોને હળવી મજબૂરીઓ હોય છે. તેઓ તેમના રમકડાં ખૂબ જ સચોટ રીતે ગોઠવી શકે છે, અથવા ફૂટપાથમાં તિરાડો પર પગ મૂકવાનું ટાળી શકે છે. આ સામાન્ય રીતે જેમ-જેમ તેઓ મોટા થાય છે તેમ-તેમ દૂર થઈ જાય છે.
પુખ્ત વયના લોકોમાં OCD સામાન્ય રીતે કિશોરાવસ્થામાં અથવા વીસીના દાયકાની શરૂઆતમાં શરૂ થાય છે. લક્ષણો સમય જતાં આવી શકે છે અને જતા રહે છે, પરંતુ પીડિતો ઘણીવાર ઘણા વર્ષોથી OCD થી પીડાતા ન હોય ત્યાં સુધી મદદ લેતા નથી.
મદદ કે સારવાર વિના સંભાવનાઓ શું છે?
OCD ના લક્ષણો થોડા સમય માટે સુધરી શકે છે અથવા દૂર થઈ શકે છે, પરંતુ તે ઘણીવાર પાછા આવે છે. કેટલાક લોકોની તબિયત ધીમે-ધીમે ખરાબ થતી જાય છે, જ્યારે અન્ય લોકો જ્યારે તણાવમાં હોય કે હતાશ હોય ત્યારે લક્ષણો વધુ ખરાબ થતા જાય છે.
સારવાર સામાન્ય રીતે મદદ કરશે.
OCD નું કારણ શું છે?
OCD વિકસે છે કે નહીં તે ઘણા પરિબળો દ્વારા પ્રભાવિત થાય છે.
- જનીનો- OCD એક જટિલ વિકાર છે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે કોઈ વ્યક્તિને OCD થાય છે કે નહીં તે નક્કી કરવામાં વિવિધ આનુવંશિક જોખમી પરિબળો સામેલ છે. જે લોકોના સંબંધીઓને OCD હોય તેમને OCD ન હોય તેવા લોકો કરતા OCD થવાની શક્યતા વધુ હોય છે.
- તણાવ- જીવનની તણાવપૂર્ણ ઘટનાઓ દર ત્રણમાંથી એક કે બે કિસ્સાઓમાં આ સ્થિતિનું કારણ બને છે.
- જીવનમાં પરિવર્તન- એવો સમય જ્યારે કોઈને અચાનક વધુ જવાબદારી લેવી પડે છે - ઉદાહરણ તરીકે, તરુણાવસ્થા, બાળકનો જન્મ અથવા નવી નોકરી.
- મગજમાં ફેરફાર- અમને ખબર નથી કે તે કોઈ કારણ છે કે OCD નું પરિણામ છે - પરંતુ જો તમને થોડા સમય કરતાં વધુ સમય માટે લક્ષણો રહે છે, તો સંશોધકો માને છે કે, મગજમાં સેરોટોનિન (જેને 5HT તરીકે પણ ઓળખવામાં આવે છે) નામનું રસાયણ જેવી રીતે કાર્ય કરે છે તેમાં ફેરફાર થઈ શકે છે.
- વ્યક્તિત્વ- જો તમે સુઘડ, સાવચેત, પદ્ધતિસરના વ્યક્તિ છો અને ઉચ્ચ ધોરણો ધરાવો છો, તો તમને OCD થવાની શક્યતા વધુ હોઈ શકે છે. આ ગુણો સામાન્ય રીતે મદદરૂપ થાય છે, પરંતુ જો તે ખૂબ જ આત્યંતિક બની જાય તો તે OCD માં ફેરવાઈ શકે છે.
- વિચારવાની રીતો- લગભગ આપણા બધાના મનમાં ક્યારેક વિચિત્ર કે દુઃખદાયક વિચારો કે ચિત્રો આવતા હોય છે - "જો હું તે કારની સામે પગ મુકું તો શું થશે?" અથવા "હું મારા બાળકને નુકસાન પહોંચાડી શકું." આપણામાંથી મોટાભાગના લોકો આ વિચારોને ઝડપથી છોડી દે છે અને જીવનમાં આગળ વધી જાય છે. પરંતુ, જો તમારી પાસે નૈતિકતા અને જવાબદારીના ખાસ કરીને ઉચ્ચ ધોરણો છે, તો તમને લાગશે કે આવા વિચારો આવવા પણ ભયંકર છે. તેથી, તમે તેમના પાછા આવવા પર ધ્યાન આપવાની શક્યતા વધુ ધરાવો છો - જેના કારણે તેઓ પાછા આવશે તેવી શક્યતા વધે છે.
મદદ મેળવવી
હું મારી જાતને કેવી રીતે મદદ કરી શકું?
અહીં કેટલીક એવી બાબતો છે જે તમે જાતે કરી શકો છો જેણે OCD ધરાવતા અન્ય લોકોને મદદ કરી છે.
- યાદ રાખો - એ તમારી ભૂલ નથી અને તમે 'પાગલ' નથી થઈ રહ્યા.
- તમારા ચિંતાજનક વિચારો સામે તમારી જાતને ખુલ્લા પાડો. આ વિચિત્ર લાગે છે, પણ તે તેમના પર વધુ નિયંત્રણ મેળવવાનો એક રસ્તો છે. તમે તેમને રેકોર્ડ કરી શકો છો અને તેમને પાછા સાંભળી શકો છો, અથવા તેમને લખી શકો છો અને ફરીથી વાંચી શકો છો. તમારી ચિંતા ઓછી થાય ત્યાં સુધી તમારે દરરોજ લગભગ અડધા કલાક સુધી આ નિયમિતપણે કરવું જોઈએ.
- અનિવાર્ય વર્તનનો પ્રતિકાર કરો, પણ વળગણજન્ય વિચારોનો નહીં.
- તમારી ચિંતાને નિયંત્રિત કરવા માટે દારૂ કે સ્ટ્રીટ ડ્રગ્સનો ઉપયોગ કરશો નહીં.
- જો તમારા વિચારોમાં તમારા વિશ્વાસ અથવા ધર્મ વિશે ચિંતાઓનો સમાવેશ થાય છે, તો ક્યારેક ધાર્મિક નેતા સાથે વાત કરવી મદદરૂપ થઈ શકે છે જેથી તે OCD સમસ્યા છે કે નહીં તે નક્કી કરવામાં મદદ મળે.
- આ પત્રિકાના અંતે સૂચિબદ્ધ સપોર્ટ ગ્રુપ અથવા વેબસાઇટ્સમાંથી કોઈ એકનો સંપર્ક કરો.
- આ પત્રિકાના અંતે સૂચિબદ્ધ પુસ્તકોમાંથી એક સ્વ-સહાય પુસ્તક અજમાવી જુઓ.
ઓછી મદદરૂપ વર્તણૂકો
આશ્ચર્યજનક રીતે, તમે તમારી જાતને મદદ કરવા માટેની કેટલીક રીતો ખરેખર તેને ચાલુ રાખી શકે છે:
- તમારા મનમાંથી અપ્રિય વિચારો બહાર કાઢવાનો પ્રયાસ કરવો - આનાથી સામાન્ય રીતે વિચારો પાછા આવે છે. ઉદાહરણ તરીકે, આગલી મિનિટ માટે ગુલાબી હાથી વિશે ન વિચારવાનો પ્રયાસ કરો - તમને કદાચ બીજું કંઈપણ વિચારવામાં મુશ્કેલી પડશે.
- ‘સલામત' અથવા 'સુધારક' વિચારો કરવા. ઉદાહરણ તરીકે, તમે કોઈ ખલેલ પહોંચાડતા વિચારને બીજા વિચાર (જેમ કે, દસ સુધી ગણવું) અથવા ચિત્ર (જેમ કે, કોઈ વ્યક્તિને જીવંત અને સ્વસ્થ જોવી) દ્વારા સુધારવામાં સમય પસાર કરો છો.
- વિધિઓ, તપાસ, ટાળવું અને ખાતરી મેળવવી એ બધું તમને થોડા સમય માટે ઓછી ચિંતા કરાવશે - ખાસ કરીને જો તમને લાગે કે આ કંઈક ભયંકર બનતું અટકાવી શકે છે. પરંતુ, દર વખતે જ્યારે તમે તે કરો છો, ત્યારે તમે તમારા વિશ્વાસને મજબૂત કરો છો કે, તે ખરાબ વસ્તુઓને બનતી અટકાવે છે. અને તેથી તમને તે કરવા માટે વધુ દબાણ અનુભવો છો... વગેરે વગેરે.
મને કઈ રીતની મદદ મળી શકે છે?
OCD ધરાવતા લોકો માટે વિવિધ ઉપચાર અને અન્ય પ્રકારની મદદ ઉપલબ્ધ છે.
જ્ઞાનાત્મક વર્તણૂકીય ઉપચાર (CBT)
આ એક એવી સારવાર છે જે તમને તમારા વિચારો અને વર્તનમાં ફેરફાર કરવામાં મદદ કરે છે જેથી તમે સારું અનુભવી શકો અને તમારા જીવન સાથે આગળ વધી શકો.
OCD ની સારવાર માટે બે પ્રકારના CBT નો ઉપયોગ થાય છે - એક્સપોઝર એન્ડ રિસ્પોન્સ પ્રિવેન્શન (ERP) અને કોગ્નિટિવ થેરાપી (CT).
એક્સપોઝર અને રિસ્પોન્સ પ્રિવેન્શન (ERP)
આ એક એવી રીત છે જેનાથી તમે અનિવાર્ય વર્તણૂકો અને ચિંતાઓને એકબીજાને મજબૂત કરતા અટકાવી શકો છો. આપણે જાણીએ છીએ કે, જો તમે લાંબા સમય સુધી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રહો છો, તો તમે ધીમે-ધીમે તેની આદત પામો છો અને તમારી ચિંતા દૂર થાય છે. તેથી, તમે ધીમે-ધીમે એવી પરિસ્થિતિનો સામનો કરો છો જેનો તમને ડર હોય છે (એક્સપોઝર) પરંતુ તમારી સામાન્ય ફરજિયાત વિધિઓ, તપાસ અથવા સફાઈ (પ્રતિક્રિયા નિવારણ) કરવાથી પોતાને રોકો, અને તમારી ચિંતા દૂર થાય તેની રાહ જુઓ.
સામાન્ય રીતે તે નાના પગલામાં કરવું વધુ સારું છે:
- આ ક્ષણે તમને જે બાબતોનો ડર લાગે છે અથવા ટાળવામાં આવે છે તેની યાદી બનાવો;
- જે પરિસ્થિતિઓ કે વિચારોથી તમને સૌથી ઓછો ડર લાગે છે તેને તળિયે રાખો, અને જે ખરાબ હોય તેને ટોચ પર રાખો;
- પછી નીચેથી શરૂ કરો અને ઉપર કામ કરો, એક પછી એક કામ કરો. જ્યાં સુધી તમે છેલ્લા તબક્કાને પાર ન કરો ત્યાં સુધી આગલા તબક્કામાં ન જાઓ.
જો તમે ઓછામાં ઓછા એક કે બે અઠવાડિયા સુધી વારંવાર, દિવસમાં ઘણી વખત તેનો અભ્યાસ કરો તો આ શ્રેષ્ઠ કામ કરશે. દર વખતે, તમે તે એટલા લાંબા સમય સુધી કરો છો કે, તમારી ચિંતા તેના સૌથી ખરાબ સમય કરતાં અડધાથી પણ ઓછી થઈ જાય - આમાં શરૂઆતમાં ૧૦ થી ૯૦ મિનિટનો સમય લાગી શકે છે. દર ૫ મિનિટે તમે કેટલા બેચેન છો તેનું માપ લખવાથી મદદ મળી શકે છે, ઉદાહરણ તરીકે, ૦ (કોઈ ડર નથી) થી ૧૦ (ભારે ભય). તમે જોશો કે, તમારી ચિંતા કેવી રીતે વધે છે, પછી ઘટે છે.
તમે તમારા ચિકિત્સક સાથે કેટલાક પગલાંઓનો અભ્યાસ કરી શકો છો, પરંતુ મોટાભાગે તમે તે જાતે જ કરશો, એવી ગતિએ જે તમને આરામદાયક લાગે. એ યાદ રાખવું અગત્યનું છે કે, તમારે તમારી બધી ચિંતાઓથી છૂટકારો મેળવવાની જરૂર નથી, ફક્ત તેને વધુ સારી રીતે મેનેજ કરવુ પૂરતું છે. યાદ રાખો કે તમારી ચિંતા:
- અપ્રિય છે પણ તમને કોઈ નુકસાન નહીં કરે.
- આખરે દૂર થઈ જશે.
- નિયમિત પ્રેક્ટિસથી સામનો કરવો સરળ બનશે.
ERP અજમાવવાની બે મુખ્ય રીતો છે:
- માર્ગદર્શિત સ્વ-સહાય- તમે પુસ્તક અથવા DVDમાં આપેલા માર્ગદર્શનનું પાલન કરો છો અથવા કમ્પ્યુટર, ટેબ્લેટ અથવા સ્માર્ટ ફોન એપ્લિકેશન પર સોફ્ટવેર પ્રોગ્રામનો ઉપયોગ કરો છો. સલાહ અને સમર્થન માટે તમારે ક્યારેક-ક્યારેક કોઈ વ્યાવસાયિકનો સંપર્ક પણ કરવો પડે છે. જો તમારો OCD હળવો હોય અને તમારી પાસે તમારી જાતને મદદ કરવાના રસ્તાઓ અજમાવવાનો આત્મવિશ્વાસ હોય તો આ અભિગમ યોગ્ય હોઈ શકે છે.
- કોઈ વ્યાવસાયિક સાથે સીધો નિયમિત સંપર્ક, તમારી જાતે અથવા જૂથમાં- આ રૂબરૂ, ફોન પર અથવા વિડિઓ લિંક દ્વારા થઈ શકે છે. આ સામાન્ય રીતે શરૂઆતમાં દર અઠવાડિયે કે બે અઠવાડિયામાં થાય છે, અને એક સમયે ૪૫ થી ૬૦ મિનિટ સુધી ટકી શકે છે. શરૂઆતમાં દસ કલાક સુધી સંપર્ક કરવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ તમને વધુ સમયની જરૂર પડી શકે છે.
અહીં એક ઉદાહરણ છે:
જોન દરરોજ કામ માટે સમયસર ઘરની બહાર નીકળી શકતો ન હતો, કારણ કે, તેને ઘરમાં ઘણી બધી વસ્તુઓ તપાસવાની હતી. તેને ચિંતા હતી કે, જો તે પાંચ વાર ચોક્કસ વસ્તુઓ તપાસશે નહીં તો ઘર બળી જશે, અથવા ચોરી થઈ જશે. તેણે જે તપાસી રહ્યો હતો તેની યાદી બનાવી, જેમાં સૌથી સરળથી શરૂઆત કરીને જેને ઉકેલી શકાય. તે આના જેવું દેખાતું હતું:
- કુકર (ઓછામાં ઓછો ભયભીત)
- કીટલી
- ગેસની અગ્નિ
- બારીઓ
- દરવાજા (સૌથી વધુ ભયાનક)
તેનું પહેલું પગલું કૂકરનો સામનો કરવાનું હતું, કારણ કે આ એનો સૌથી ઓછો ડરતો મુદ્દો હતો. કૂકર ઘણી વખત બંધ છે કે નહીં તેની ખાતરી કરવાને બદલે, તેણે ફક્ત એક જ વાર (એક્સપોઝર) તપાસ્યું. શરૂઆતમાં, તે ખૂબ જ ચિંતિત થયો. તેને પોતાને ફરીથી તપાસ કરવા માટે પાછા જતા રોક્યા. તે સંમત થયો કે, તેની પત્નીને પણ બધું તપાસવાનું નહીં કહે, અને ઘર સુરક્ષિત છે તેની ખાતરી નઈ માંગે (પ્રતિક્રિયા નિવારણ). આગામી બે અઠવાડિયામાં તેનો ડર ધીમે-ધીમે ઓછો થવા લાગ્યો.
પછી તે બીજું પગલું (કીટલી) લીધું અને તેથી આગળ વધ્યો. આખરે, તે તેની કોઈપણ તપાસ વિધિ વિના ઘરની બહાર નીકળી શક્યો. તે હવે સમયસર કામ પર પહોંચી શકતો હતો.
અસરકારકતા
ERP પૂર્ણ કરનારા ૪ માંથી ૩ લોકોને ઘણી મદદ મળે છે. જે લોકો સાજા થાય છે, તેમાંથી લગભગ ૫ માંથી ૧ ને ભવિષ્યમાં લક્ષણો દેખાશે, અને તેમને વધારાની સારવારની જરૂર પડશે. જોકે, લગભગ ૪ માંથી ૧ વ્યક્તિ ERP અજમાવવાનો ઇનકાર કરે છે, અથવા તો તેને પૂર્ણ કરતા નથી. તેઓ ખૂબ ડરેલા હોઈ શકે છે, અથવા તે કરવા માટે ખૂબ જ દબાયેલા અનુભવી શકે છે.
જ્ઞાનાત્મક ઉપચાર (CT)
જ્ઞાનાત્મક ઉપચાર એ એક મનોવૈજ્ઞાનિક સારવાર છે જે તમને વિચારોથી છૂટકારો મેળવવાને બદલે, તમારા વિચારો પ્રત્યેના પ્રતિભાવને બદલવામાં મદદ કરે છે. જો તમને ચિંતાજનક વિચારો આવે તો આ મદદરૂપ થઈ શકે છે, પરંતુ પોતાની જાતને સારુ લગાડવા માટે કોઈ વિધિઓ કે ક્રિયાઓ ન કરશો. તેને OCD ને દૂર કરવામાં મદદરૂપ થવા માટે એક્સપોઝર ટ્રીટમેન્ટ (ERP) માં પણ ઉમેરી શકાય છે.
જ્ઞાનાત્મક ઉપચાર તમને મદદ કરે છે:
વિચારો સામે લડવાનું બંધ કરો
આપણને બધાને ક્યારેક-ક્યારેક વિચિત્ર વિચારો આવે છે, પણ બસ આટલું જ. તેનો અર્થ એ નથી કે, તમે ખરાબ વ્યક્તિ છો અથવા ખરાબ વસ્તુઓ બનવાની છે - અને આવા વિચારોથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરવાથી કામ થતું નથી. જ્ઞાનાત્મક ઉપચાર તમને આવા વિચારો આવતા હોય ત્યારે સારું અનુભવવામાં, હળવાશ અનુભવવામાં પણ મદદ કરી શકે છે. તમે તેમની સાથે હળવી જિજ્ઞાસા અથવા મનોરંજન સાથે વર્તવાનું શીખી શકો છો. અને જો તેનાથી પણ વધુ અપ્રિય વિચારો આવે, તો તમે તેનો પ્રતિકાર ન કરવાનું, તેમને થવા દેવાનું અને તે જ રીતે તેમના વિશે વિચારવાનું શીખો. જ્યારે તમે તેમને દૂર કરવાનો પ્રયાસ કરવાનું બંધ કરો છો ત્યારે આવા વિચારો ઘણીવાર અદૃશ્ય થઈ જાય છે.
તમારા વિચારો પ્રત્યેની પ્રતિક્રિયા બદલો
જ્યારે તમને 'વિચારો વિશેના વિચારો' અસ્વસ્થ કરી રહ્યા હોય, જેમ કે, 'હું આ રીતે વિચારવા માટે ખરાબ વ્યક્તિ છું', ત્યારે તમે ધ્યાન આપવાનું શીખો. તમે આ બિનઉપયોગી વિચારસરણીની ડાયરી રાખી શકો છો, અને પછી પોતાની જાતને પૂછીને તેમને પડકાર આપો:
- આ વિચાર સાચા હોવાના - અને વિરુદ્ધ - હોવાના પુરાવા શું છે?
- આ વિચાર કેટલો ઉપયોગી છે? આને બીજી કઈ રીતે જોઈ શકાય છે?
- સૌથી ખરાબ/ શ્રેષ્ઠ/ વાસ્તવિક પરિણામ શું છે?
- જો મિત્રને મારી સમસ્યાઓ હોત તો તેને હું કેવી રીતે સલાહ આપીશ? જો મારી સલાહ તેમને મારી જાતને આપેલી સલાહથી અલગ હોય, તો તેવું શા માટે?
જવાબદારી અને દોષનો સામનો કરો
તમે અવાસ્તવિક અને સ્વ-ટીકાત્મક વિચારોનો સામનો કરો છો, આમાં શામેલ હોઈ શકે છે:
- તમારા વિચારોને ખૂબ મહત્વ આપવું (તે 'માત્ર' વિચારો છે);
- કંઈક ખરાબ થવાની શક્યતાઓને વધારે પડતી આંકવી;
- ખરાબ ઘટનાઓની જવાબદારી લેવી, ભલે તે તમારા નિયંત્રણની બહાર હોય;
- તમારા પ્રિયજનોના જીવનમાં રહેલા બધા જોખમોથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરો.
બિનઉપયોગી માન્યતાઓનું પરીક્ષણ કરો
OCD માં એક સામાન્ય ડર એ છે કે, 'એવું વિચારવાથી તે શક્ય બનશે.’ બારીમાંથી કોઈ ઇમારતને જોવાનો પ્રયાસ કરો અને તે નીચે પડી જઈ રહી છે તે વિશે વિચારો. તમારા મનમાં ખરેખર મજબૂત એક ચિત્ર બનાવો. શૂં થાય? બીજી એક ચિંતાજનક માન્યતા એ છે કે, ‘વિચારો રાખવા એ તેમને અમલમાં મૂકવા જેટલું જ ખરાબ છે.’ કલ્પના કરો કે, તમારા પાડોશીની તબિયત ખરાબ છે અને કઈક ખરીદી કરવાની જરૂર છે. બસ તે કરવાનું વિચારો. શું તે તમને સારા વ્યક્તિ બનાવે છે? ખરેખર નહિ. મદદરૂપ થવા માટે, તમારે ક્રિયા કરવી પડશે. 'ખરાબ' વિચારો માટે પણ એવું જ છે. પોતાને યાદ અપાવવું મહત્વપૂર્ણ છે કે, OCD ધરાવતી વ્યક્તિ પોતાના જુસ્સાદાર વિચારોને અમલમાં મૂકતી નથી.
એક જ્ઞાનાત્મક ચિકિત્સક તમને તમારા કયા વિચારો બદલવા માંગો છો તે નક્કી કરવામાં મદદ કરશે, અને તમને નવા વિચારો બનાવવામાં મદદ કરશે જે વધુ વાસ્તવિક, સંતુલિત અને મદદરૂપ હોય.
ચિકિત્સક સાથે મોટાભાગની મુલાકાતો તમારા સ્થાનિક જી.પી. પ્રેક્ટિસ, ક્લિનિક અથવા ક્યારેક હોસ્પિટલમાં થાય છે. જો તમે ઘરની બહાર ન નીકળી શકો તો તમે ફોન પર અથવા તમારા પોતાના ઘરે CT કરાવી શકો છો.
એન્ટીડિપ્રેસ્સંટ દવા
SSRI (સિલેક્ટિવ સેરોટોનિન રીઅપટેક ઇન્હિબિટર્સ) એન્ટીડિપ્રેસન્ટ્સ, જો તમે હતાશ ન હોવ તો પણ, મનોગ્રસ્તિઓ અને મજબૂરીઓ ઘટાડવામાં મદદ કરી શકે છે. ઉદાહરણોમાં સર્ટ્રાલાઇન, ફ્લુઓક્સેટાઇન, પેરોક્સેટાઇન, એસ્કીટાલોપ્રામ અને ફ્લુવોક્સામાઇનનો સમાવેશ થાય છે.
તે સામાન્ય રીતે સલામત છે, પરંતુ શરૂઆતના થોડા દિવસોમાં બેચેની, માથાનો દુખાવો, સૂકું મોઢું અથવા માંદગી અનુભવવી જેવી આડ-અસરો પેદા કરી શકે છે. મધ્યમથી ગંભીર OCD માટે SSRIs નો ઉપયોગ એકલા અથવા CBT સાથે કરી શકાય છે. OCD માટે વધુ માત્રા ઘણીવાર વધુ સારી રીતે કામ કરે છે.
જો ૩ મહિના પછી SSRI સાથેની સારવારથી કોઈ ફાયદો ન થતો હોય, તો આગળનું પગલું એ છે કે અલગ SSRI અથવા ક્લોમીપ્રામાઇન નામની દવા લેવી. જો દવા મદદ કરતી હોય તો ઓછામાં ઓછા ૧૨ મહિના સુધી દવા ચાલુ રાખવી શ્રેષ્ઠ છે. આ દવાઓ વ્યસનકારક નથી, પરંતુ બંધ કરતા પહેલા કેટલાક અઠવાડિયામાં ધીમે-ધીમે તેને ઘટાડવી જોઈએ.
અસરકારકતા
દવાથી લગભગ ૧૦ માંથી ૬ લોકો સુધરે છે. સરેરાશ, તેમના લક્ષણો લગભગ એક તૃતીયાંશ જેટલા ઓછા થાય છે. ઓબ્સેશન વિરોધી દવા ઘણા વર્ષો પછી પણ, જ્યાં સુધી લેવામાં આવે ત્યાં સુધી OCD ને પાછું આવતું અટકાવવામાં મદદ કરે છે. પરંતુ - દવા બંધ કરનારા લગભગ ૩ લોકોમાંથી ૧ ને દવા બંધ કર્યાના મહિનાઓમાં ફરીથી લક્ષણો જોવા મળે છે. જો દવાને CBT સાથે જોડવામાં આવે તો આવું થવાની શક્યતા ઘણી ઓછી હોય છે.
મારા માટે કયો અભિગમ શ્રેષ્ઠ છે - દવા કે વાતચીત દ્વારા સારવાર?
એક્સપોઝર થેરાપી (ERP) વ્યાવસાયિક મદદ વિના (હળવા કિસ્સાઓમાં) અજમાવી શકાય છે અને તે અસરકારક છે અને ચિંતા સિવાય તેની બીજીકોઈ આડઅસર નથી. બીજી બાજુ, તેને ઘણી પ્રેરણા અને સખત મહેનતની જરૂર છે, અને તેમાં થોડા સમય માટે થોડી વધારાની ચિંતાનો સમાવેશ થાય છે.
CBT અને દવા કદાચ સમાન રીતે અસરકારક છે. જો તમને હળવો OCD હોય, તો CBT એકલા જ અસરકારક થઈ શકે છે.
જો તમને મધ્યમ ગંભીર OCD હોય તો, તમે પહેલા CBT (થેરાપિસ્ટ સાથે ૧૦ કલાક સુધીનો સંપર્ક) અથવા દવા (૧૨ અઠવાડિયા માટે) પસંદ કરી શકો છો. જો તમને સારું ન લાગે, તો તમારે બંને સારવાર અજમાવવી જોઈએ. દેશના કેટલાક ભાગોમાં વ્યાવસાયિકને મળવા માટે ઘણા મહિનાઓની રાહ જોવાની યાદી હોઈ શકે છે.
જો તમારો OCD ગંભીર હોય, તો શરૂઆતથી જ દવા અને CBT એકસાથે અજમાવવું શ્રેષ્ઠ રહેશે. જો તમારો OCD હળવો હોય અને તમને ERP અને OCD ની ચિંતાનો સામનો ન કરવો પડે તો ફક્ત દવા જ એક વિકલ્પ છે. તે લગભગ ૧૦ માંથી ૬ લોકોને મદદ કરે છે, પરંતુ ભવિષ્યમાં OCD પાછા આવવાની શક્યતા વધુ છે - એક્સપોઝર ટ્રીટમેન્ટ (ERP) માટે ૫ માંથી ૧ ની સરખામણીમાં લગભગ ૩ માંથી ૧ છે. તે લગભગ એક વર્ષ સુધી લેવું પડે છે, અને જો તમે ગર્ભવતી હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તે સામાન્ય રીતે તમારી પહેલી પસંદગી નહીં હોય.
આ વિકલ્પો વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરવી યોગ્ય છે, જે તમને જોઈતી વધુ કોઈપણ માહિતી આપી શકશે. તમે વિશ્વસનીય મિત્રો અથવા પરિવારના સભ્યોને પણ પૂછી શકો છો.
જો સારવાર મદદ ન કરે તો શું?
તમારા ડૉક્ટર તમને એક નિષ્ણાત ટીમ પાસે મોકલી શકે છે, જેમાં મનોચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો, નર્સો, સામાજિક કાર્યકરો અને વ્યવસાયિક ચિકિત્સકોનો સમાવેશ થઈ શકે છે. તેઓ સૂચવી શકે છે:
- એક્સપોઝર ટ્રીટમેન્ટ અથવા દવામાં જ્ઞાનાત્મક ઉપચાર ઉમેરવાનો;
- ક્લોમીપ્રામાઇન વત્તા સિટાલોપ્રામ જેવી બે એન્ટિ-ઓબ્સેશનલ દવાઓ એક જ સમયે લેવી;
- એરિપીપ્રાઝોલ અથવા રિસ્પેરિડોન જેવી એન્ટિસાઈકોટિક દવાઓ ઉમેરવી;
- અન્ય સ્થિતિઓની સારવાર (OCD ધરાવતા લગભગ ૩ માંથી ૧ વ્યક્તિને ચિંતા, હતાશા, અથવા દારૂ અથવા પદાર્થના દુરુપયોગની સમસ્યા હોય છે);
- તમારા પરિવાર અને સંભાળ રાખનારાઓ સાથે કામ કરીને, તેમને ટેકો આપવા અને સલાહ આપવા માટે.
જો તમને એકલા રહેવામાં મુશ્કેલી પડતી હોય, તો તેઓ એવા લોકો સાથે યોગ્ય રહેઠાણ શોધવાનું પણ સૂચન કરી શકે છે જે તમને વધુ સ્વતંત્ર બનવામાં મદદ કરી શકે.
સારવાર સાથે, OCD ધરાવતા મોટાભાગના લોકો માટે દૃષ્ટિકોણ સારો છે. જોકે, જો તમને ખૂબ જ ગંભીર OCD હોય જેમાં સુધારો થયો નથી:
- મનોવૈજ્ઞાનિક સારવારનો વધુ સઘન દૈનિક કાર્યક્રમ (CBT અને ERP), જ્યાં સારવાર દરમિયાન તમે હોસ્પિટલમાં રહો છો.
- હાલમાં જે એક નવો અભિગમપર સંશોધન કરવામાં આવી રહ્યું છે, જે ઊંડા મગજ ઉત્તેજનાનો છે, જેમાં લક્ષણોને દૂર કરવા માટે વિદ્યુત પલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
- એક એવી સારવાર જે ભાગ્યે જ આપવામાં આવે છે, જો બીજું કંઈ મદદ ન કરે તો, તે મગજનું ઓપરેશન છે જેને 'એબ્લેટિવ ન્યુરોસર્જરી' કહેવાય છે. આ ખરેખર છેલ્લો ઉપાય છે કારણ કે, તેની ગંભીર આડઅસરો થઈ શકે છે.
શું મને સારવાર માટે હોસ્પિટલમાં જવાની જરૂર પડશે?
મોટાભાગના લોકો જી.પી. સર્જરી, અથવા હોસ્પિટલ સાથે જોડાયેલા ક્લિનિકમાં જઈને સારા થાય છે. માનસિક સ્વાસ્થ્ય એકમમાં પ્રવેશ ફક્ત ત્યારે જ સૂચવવામાં આવશે જો:
- તમારા લક્ષણો ખૂબ જ ગંભીર છે, તમે તમારી યોગ્ય રીતે સંભાળ રાખી શકતા નથી અથવા તમને આત્મહત્યાના વિચારો આવે છે;
- તમને અન્ય ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ છે, જેમ કે ખાવાની વિકૃતિ, સ્કિઝોફ્રેનિયા, મનોવિકૃતિ અથવા ગંભીર હતાશા;
- તમારા OCD તમને સારવાર માટે ક્લિનિકમાં જવાથી રોકે છે.
OCD માટે કઈ સારવાર કામ કરતી નથી?
આમાંના કેટલાક અભિગમો અન્ય પરિસ્થિતિઓમાં કામ કરી શકે છે - પરંતુ OCD માં તેમના માટે કોઈ મજબૂત પુરાવા નથી:
- પૂરક અથવા વૈકલ્પિક ઉપચારો જેમ કે, સંમોહન, હોમિયોપેથી, એક્યુપંક્ચર અને હર્બલ ઉપચાર - ભલે તે આકર્ષક લાગે.
- અન્ય પ્રકારની એન્ટીડિપ્રેસન્ટ દવાઓ, સિવાય કે તમે હતાશા તેમજ OCD થી પીડાતા હોવ.
- બે અઠવાડિયાથી વધુ સમય માટે ઊંઘની ગોળીઓ અને ટ્રાન્ક્વીલાઈઝર (ઝોપિકલોન, ડાયઝેપામ અને અન્ય બેન્ઝોડિયાઝેપાઈન્સ). આ દવાઓ વ્યસનકારક હોઈ શકે છે.
- જોડા અથવા મેરિટલ થેરાપી - જ્યાં સુધી OCD સિવાય સંબંધમાં અન્ય સમસ્યાઓ ન હોય. જીવનસાથી અને પરિવાર માટે OCD વિશે વધુ જાણવાનો પ્રયાસ કરવો અને કેવી રીતે મદદ કરવી તે મદદરૂપ થાય છે.
- કાઉન્સેલિંગ અને મનોવિશ્લેષણાત્મક મનોરોગ ચિકિત્સા. ઉપર વર્ણવેલ વધુ ચોક્કસ સારવાર OCD ના લક્ષણો માટે વધુ સારી રીતે કામ કરે છે. પરંતુ OCD ધરાવતા કેટલાક લોકોને તેમના બાળપણ અને ભૂતકાળના અનુભવો વિશે વાત કરવામાં મદદરૂપ લાગે છે.
જો CBT શરૂ કરવા માટે લાંબી રાહ જોવી પડે તો શું?
તમારા ડૉક્ટર તમને 'ઇમ્પ્રુવિંગ એક્સેસ ટુ સાયકોલોજિકલ થેરાપીઝ' (IAPT) નામની સ્થાનિક સેવા અથવા નિષ્ણાત માનસિક સ્વાસ્થ્ય ટીમ પાસે મોકલી શકે છે.
હાલમાં, CBT માં તાલીમ પામેલા NHS વ્યાવસાયિકોની અછત છે. કેટલાક વિસ્તારોમાં, સારવાર શરૂ કરવા માટે તમારે ઘણા મહિનાઓ રાહ જોવી પડી શકે છે. લાયકાત ધરાવતા ચિકિત્સકો ઘણીવાર British Association of Behavioural and Cognitive Psychotherapies નોંધાયેલા હોય છે.
જો 'હું મારી જાતને કેવી રીતે મદદ કરી શકું?' વિભાગમાં દર્શાવેલ પગલાં મદદ ન કરે, તો તમે આ દરમિયાન તમારા જી.પી. ને SSRI દવા શરૂ કરવા વિશે પૂછી શકો છો.
મારા પરિવાર અને મિત્રો કઈ મદદ કરી શકે?
કુટુંબ અને મિત્રો મદદ અને ટેકો આપી શકે તેવી કેટલીક રીતો અહીં આપેલ છે.
- OCD ધરાવતી વ્યક્તિનું વર્તન ખૂબ જ નિરાશાજનક હોઈ શકે છે - યાદ રાખવાનો પ્રયાસ કરો કે તે મુશ્કેલ બનવાનો કે વિચિત્ર વર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યો નથી - તેઓ શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે સામનો કરી રહ્યા છે.
- કોઈને મદદની જરૂર છે તે સ્વીકારવામાં થોડો સમય લાગી શકે છે. તેમને OCD વિશે વાંચવા અને કોઈ વ્યાવસાયિક સાથે વાત કરવા માટે પ્રોત્સાહિત કરો.
- OCD વિશે વધુ જાણો.
- તમે તમારા સંબંધીની મજબૂરીઓ પ્રત્યે અલગ પ્રતિક્રિયા આપીને એક્સપોઝર ટ્રીટમેન્ટમાં મદદ કરી શકો છો:
- તેમને ભયાનક પરિસ્થિતિઓનો સામનો કરવા પ્રોત્સાહિત કરો;
- વિધિઓમાં ભાગ લેવા કે તપાસ કરવા માટે 'ના' કહો;
- તેમને ખાતરી ન આપો કે બધું બરાબર છે.
- ચિંતા કરશો નહીં કે જે વ્યક્તિને હિંસક બનવાનો ડર હોય તે ખરેખર તે કરશે. આવું થતું નથી.
- કોઈને ધાર્મિક વિધિ કરતા શારીરિક રીતે રોકવાનો પ્રયાસ ન કરવો, તે શ્રેષ્ઠ છે.
- પૂછો કે શું તમે તેમની સાથે તેમના જી.પી., મનોચિકિત્સક અથવા અન્ય વ્યાવસાયિકને મળવા જઈ શકો છો.
અન્ય કયા સપોર્ટ અને સંસાધનો ઉપલબ્ધ છે?
સપોર્ટ જૂથો
OCD Action
OCD, બોડી ડિસમોર્ફિક ડિસઓર્ડર, ફરજિયાત ત્વચા ચૂંટવાની સમસ્યા અને ટ્રાઇકોટિલોમેનિયા ધરાવતા લોકો માટે એક ચેરિટી.
મદદ અને માહિતી લાઇન: (૦૮૪૫ ૩૯૦ ૬૨૩૨)
ઈમેલ:support@ocdaction.org.uk.
OCD-UK
OCD ધરાવતા બાળકો અને પુખ્ત વયના લોકો માટે રાષ્ટ્રીય સહાય જૂથ.
સલાહ લાઇન: (૦૮૪૫ ૧૨૦ ૩૭૭૮)
ઈમેલ: support@ocduk.org.
Anxiety UK
ગભરાટ, ફોબિયા, OCD અને સંબંધિત પરિસ્થિતિઓ સહિત ચિંતાની સમસ્યાઓ ધરાવતા લોકો માટે એક સંસ્થા. પીડિતો, તેમના પરિવાર અને સંભાળ રાખનારાઓને સહાય પૂરી પાડે છે. લાઈવ ચેટ, ઈમેલ, સ્વ-સહાય પુસ્તકો, CD, DVD અને સંસાધનો.
મદદ માટેનો નંબર: ૦૮૪૪ ૭૭૫૭૭૪
ઈમેલ: support@anxietyuk.org.uk.
વધારે જાણકારી
NHS
National Health Service તરફથી પરિસ્થિતિઓ, સારવાર, સ્થાનિક સેવાઓ અને સ્વસ્થ જીવનશૈલી વિશેની માહિતી.
British Association for Behavioural & Cognitive Psychotherapies (BABCP)
NHS ની અંદર અને બહાર CBT પ્રદાન કરતા વ્યાવસાયિકોના વિવિધ જૂથો માટે મુખ્ય સંસ્થા. તે સારી પ્રથાના ધોરણો જાળવી રાખે છે, માહિતી, પત્રિકાઓ પૂરી પાડે છે અને બિન-NHS સારવાર માટે સંપર્ક કરી શકાય તેવા સભ્યોનું રજિસ્ટર રાખે છે. ફોન: ૦૧૬૧ ૦૫૪ ૩૦૪; email: babcp@babcp.com.
કોમ્પ્યુટરાઇઝ્ડ CBT
ચિંતા, હતાશા, ડર, ગભરાટ અને OCD માટે સ્વ-સહાય કમ્પ્યુટર પેકેજો વિશે માહિતી માટેCBT પરની અમારી પત્રિકાઅથવા નીચેની લિંક્સ જુઓ:
વધુ વાંચન
Reading Well Books on Prescription
આ યોજના તમને સ્વ-સહાય વાંચનનો ઉપયોગ કરીને તમારી સુખાકારીનું સંચાલન કરવામાં મદદ કરે છે. આ પુસ્તકની યાદીને આવરી લેવામાં આવેલી પરિસ્થિતિઓ સાથે જીવતા લોકો અને મનોચિકિત્સકોની રોયલ કોલેજ (Royal College of Psychiatrists) સહિત આરોગ્ય વ્યાવસાયિકો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. તેને જાહેર પુસ્તકાલયો દ્વારા વ્યાપકપણે સમર્થન મળેલ છે.
OCD અથવા બોડી ડિસમોર્ફિક ડિસઓર્ડર ધરાવતા લોકો, તેમના પરિવારો અને સંભાળ રાખનારાઓ અને જનતા માટે માહિતી.
પુસ્તકો
Break Free from OCD: Overcoming Obsessive Compulsive Disorder with CBT by Fiona Challacombe, Victoria Bream Oldfield and Paul Salkovskis, Vermillion.
Understanding Obsessions & Compulsions: A self-help manual by Frank Tallis, Sheldon Press.
Overcoming Obsessive-Compulsive Disorder: a self-help book using cognitive-behavioural techniques by David Veale and Robert Willson, Constable and Robinson.
ક્રેડિટ્સ
RCPsych Public Engagement Editorial Board દ્વારા ઉત્પાદિત
નિષ્ણાતનો અભિપ્રાય: Dr Paul Blenkiron
શ્રેણી સંપાદક: Dr Phil Timms
શ્રેણી વ્યવસ્થાપક: Dr Phil Timms
This translation was produced by CLEAR Global (Dec 2025)