શારીરિક બીમારી અને માનસિક સ્વાસ્થ્ય

Physical illness and mental health

Below is a Gujarati translation of our information resource on physical illness and mental health. You can also view our other Gujarati translations.

આપણામાંથી ઘણા લોકોને તેમના જીવનમાં ક્યારેકને ક્યારેક ગંભીર અથવા જીવન બદલી નાખનારી શારીરિક બીમારી થાય છે. બીમારી અને તેની સારવાર બંને આપણા વિચાર અને અનુભવ કરવાની રીતને અસર કરી શકે છે. આ માહિતી એવા કોઈપણ વ્યક્તિ માટે છે જેમને શારીરિક બીમારી છે જે તેમના માનસિક સ્વાસ્થ્યને અસર કરી રહી છે અને જે લોકો તેમની સંભાળ રાખી રહ્યા છે.

શારીરિક બીમારી થી શું અસર થઈ શકે છે?

શારીરિક બીમારી હોવી કે થવી એ તમારા જીવનના દરેક ક્ષેત્રને અસર કરી શકે છે. આ તમારા જીવનના વ્યવહારિક ભાગોને અસર કરી શકે છે, જેમ કે:

  • કામ – તમને એવો અનુભવ થશે કે તમારે કામ કરવાનું બંધ કરવું પડશે, ઓછું કામ કરવું પડશે અથવા કામ બદલવું પડશે.
  • દિનચર્યા – તમને ગમતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવામાં અથવા મિત્રો અને પરિવાર સાથે હળવું-મળવામાં તમને અણગમાનો અનુભવ થઈ શકે છે. તમે જે કામો પહેલાં જાતે કરતા હતા તે કરવા માટે તમને મિત્રો, પરિવાર અથવા કોઈ સંસ્થાના કાર્યકરની જરૂર પડી શકે છે.
  • નાણાકીય – શારીરિક બીમારી થવાથી તમારી નાણાકીય બાબતો પર વિવિધ કારણોસર અસર થઈ શકે છે. ઉદાહરણ તરીકે, તબીબી મુલાકાતો માટે મુસાફરીનો ખર્ચ અથવા તમે બીમાર છો તેના લીધે તમારે અથવા તમને મદદ કરતાં લોકોને ઓછું કામ કરવું પડે છે.
  • હોસ્પિટલમાં સમય પસાર કરીને – તમારે હોસ્પિટલમાં કેટલીક સારવાર અથવા ઓપરેશન કરાવવાની જરૂર પડી શકે છે. આનો અર્થ એ થશે કે તમારે ઘર અને તમને સામાન્ય રીતે મદદ કરતાં લોકોથી દૂર સમય વિતાવવો પડશે.

શારીરિક બીમારી હોવાને લીધે તમારા વિચારવા અને ભાવનાની રીત પર પણ નકારાત્મક અસર કરી શકે છે:

  • તણાવ – સ્વાભાવિક રીતે, શારીરિક બીમારી થવાથી તમને ભવિષ્યની ચિંતા થઈ શકે છે અને વર્તમાન વિશે તણાવ અનુભવી શકો છો. તમને અમુક બાબતોને લઈને વિશેષ રીતે ચિંતા નો અનુભવ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, કોઈપણ મહત્વપૂર્ણ પરીક્ષણના પરિણામો વિશે, અથવા જો તમારે હોસ્પિટલમાં જવું પડે તો બાળકના સંભાળની વ્યવસ્થા વિશે.
  • સ્વ-અનુભૂતિ – શારીરિક બીમારીઓને લીધે તમે તમારા શરીર અને તમારા જીવન પર નિયંત્રણ ના હોવાનું અનુભવી શકો છો. શારીરિક બીમારી હોવી એ સામાન્ય રીતે એવી વસ્તુ નથી કે જેના પર તમારું બહુ નિયંત્રણ હોય. આ નિરાશાજનક અને હતાશાજનક હોઈ શકે છે.
  • સંબંધો - શારીરિક બીમારી હોવાને કારણે તમે એકલતાનો અનુભવ કરી શકો છો અને મિત્રો અને પરિવારથી અલગ પડી શકો છો. તમે તેમને ચિંતા અથવા પરેશાન કરવાનું ટાળવા માટે તમે કેવું અનુભવી રહ્યાં છો તે જણાવવા માંગતા ન હોવ. અથવા એવું બની શકે કે કદાચ તમે સમજાવવા માંગતા હોવ કે તમે કેવું અનુભવી રહ્યાં છો પણ તમને લાગે છે કે તેઓ તમારી વાત સમજી શકશે નહીં.
  • દુનિયાની સમજ - બીમાર થવાથી તમે તમારી આસપાસની દુનિયા અને વાજબી અને યોગ્ય શું છે તે અંગેની તમારી સમજણ પર તમને પ્રશ્ન થઈ શકે છે. કેટલાક લોકોને લાગે છે કે તેનાથી તેમની આધ્યાત્મિક અથવા ધાર્મિક માન્યતાઓ પર અસર થઈ શકે છે.

જો તમારી શારીરિક બીમારી તમારા માનસિક સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર કરી રહી હોય, તો તમને મદદ ઉપલબ્ધ છે. તમને શારીરિક સ્વાસ્થ્ય સંભાળ પૂરી પાડતા લોકો જાણવા માંગશે કે શું તમને તમારા માનસિક સ્વાસ્થ્ય માટે મદદની જરૂર છે. તેઓ તમને મદદ કરી શકે તેવા અન્ય વ્યવસાયિકો અથવા સંસ્થાઓના નામ જણાવી શકે છે.

હું કેવી રીતે કહી શકું કે મારી શારીરિક બીમારી મારા માનસિક સ્વાસ્થ્યને અસર કરી રહી છે?

શારીરિક બીમારી થવાથી તમારા માનસિક સ્વાસ્થ્ય પર અલગ-અલગ રીતે અસર થઈ શકે છે, તે એ વાત પર આધાર રાખે છે કે તમે કોણ છો અને તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે. અમે અહીં દરેક માનસિક સ્વાસ્થ્ય સમસ્યાને આવરી લેવાનો પ્રયાસ કરીશું નહીં, પરંતુ નીચે કેટલાક લક્ષણો આપેલા છે જેના પર તમારે ધ્યાન આપવું જોઈએ.

ચિંતા

જો તમે ચિંતા અનુભવી રહ્યા છો, તો તમને એવું લાગશે કે:

  • તમે હંમેશા, એક વસ્તુ વિશે અથવા ઘણી બધી અલગ-અલગ બાબતો વિશે ચિંતિત રહો છો
  • તમે આરામ કરવામાં અસમર્થ અનુભવો છો
  • તમે તમારા હૃદયના ધબકારાની ગતિ, તમારા શ્વાસ અથવા તમારી પાચનક્રિયામાં થતા ફેરફારો પર ધ્યાન આપો છો.
  • તમે અમારા ચિંતા વિશેની માર્ગદર્શિકા વાંચીને ચિંતાના લક્ષણો વિશે વધુ જાણી શકો છો.

હતાશા

જો તમે હતાશા અનુભવી રહ્યા છો, તો તમને એવું લાગશે કે:

  • તમે મોટાભાગે અથવા હમેંશા ખૂબ જ દુ:ખી રહેશો
  • તમે થાકેલા, બેચેન અનુભવશો અને તમારી ઊંઘ, આહાર અથવા સેક્સમાં રસમાં ફેરફાર જોશો
  • તમને અન્ય લોકો સાથે વાતચીત કરવાનું મન થતું નથી.

અમારા હતાશા વિશેની માર્ગદર્શિકા વાંચીને તમે હતાશાના લક્ષણો વિશે વધુ જાણી શકો છો.

એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર

જ્યારે તમને કોઈ શારીરિક બીમારી થાય છે અથવા ઈજા થાય છે, ત્યારે ચિંતા, વ્યથા કે વ્યથિત અનુભવ સંપૂર્ણપણે સમજી શકાય છે. મુશ્કેલ પરિસ્થિતિઓ અથવા અનિશ્ચિતતા પ્રત્યે પ્રતિક્રિયા આપવાની કોઈ 'સામાન્ય' રીત નથી.

જોકે, જો તમને કોઈ તણાવપૂર્ણ ઘટના અથવા ઘટનાઓની શ્રેણીમાં 'એડજસ્ટ' થવામાં મુશ્કેલી પડે છે, તો તમને 'એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર' નામની કોઈ બીમારી હોય શકે છે.

જો તમને એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર હોય, તો તમે:

  • તમારી શારીરિક બીમારી અથવા તેનો તમારા માટે શું અર્થ છે તે વિશે વિચારવાનું બંધ ન કરી શકવું
  • તમારી શારીરિક બીમારી વિશે વિચારતી વખતે ખૂબ જ ચિંતા અથવા વ્યથિત અનુભવવી
  • તમારા જીવનના વિવિધ ક્ષેત્રો પર નકારાત્મક અસર કરે તે રીતે સામનો કરવા અથવા કાર્ય કરવામાં મુશ્કેલી અનુભવવી.

જો તમને એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર હોય, તો તે સામાન્ય રીતે બીમારીનું નિદાન થવાના અથવા ઈજા થયાના એક મહિનાની અંદર સ્પષ્ટ થઈ જશે.

પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પી.ટી.એસ.ડી.)

કેટલાક લોકો જે શારીરિક બીમારીથી પીડાય છે અથવા ઈજાનો અનુભવ કરે છે, તેઓને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પી.ટી.એસ.ડી.) હોવાની શક્યતા હોય શકે છે. પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ઘટના અથવા ઘટનાઓની શ્રેણી પ્રત્યે માનસિક પ્રતિક્રિયા વિકસાવે છે.

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) નું કારણ બની શકે તેવા અનુભવોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • કોઈ ગંભીર શારીરિક બીમારી હોવાનું નિદાન થવું
  • સઘન સંભાળમાં હોવું
  • પ્રસવનો જટિલ અનુભવ થવો
  • ગંભીર અકસ્માતમાં હોવું.

જો તમને પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) હોય, તો તમને નીચેના કેટલાક લક્ષણોનો અનુભવ થઈ શકે છે:

  • કોઈ ઘટના વિશે અનિચ્છનીય અને દુઃખદાયક યાદો અથવા સપના
  • એવું લાગવું કે એ ઘટના ફરીથી બની રહી છે
  • ઘટનાને યાદ કરવામાં મુશ્કેલી થવી, અથવા તેના વિશે વિચારવાનું ટાળવું
  • મિત્રો અને પરિવારથી અલગતા અનુભવવી
  • તમારા વિશે, અન્ય લોકો વિશે અથવા વિશ્વ વિશે નકારાત્મક લાગણી રાખવી
  • એવી વસ્તુઓનો આનંદ ના લેવો જે તમે પહેલા લેતા હતા, અને ખુશ કે સંતુષ્ટ અનુભવવા માટે સંઘર્ષ કરવો
  • બેચેની અનુભવવી અને ધ્યાન કેન્દ્રિત કરવામાં કે ઊંઘવામાં મુશ્કેલી થવી
  • બીજા લોકો પ્રત્યે આક્રમક વર્તન કરવું
  • ખતરનાક અથવા અવિચારી કૃત્યો કરવા.

તમે અહીં પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) વિશે વધુ માહિતી મેળવી શકો છો.

તમે અસ્વસ્થ છો એ જાણવું

જો તમે કોઈપણ પ્રકારની માનસિક બીમારીનો અનુભવ કરી રહ્યા છો, તો તમારી આસપાસના લોકો આની નોંધ કરી શકે છે:

  • તમે સામાન્ય કરતાં અલગ રીતે વર્તી રહ્યા છો
  • તમે તમારી શારીરિક બીમારી માટે સારવાર કે દવા લેવા માંગતા નથી
  • તમે તબીબી મુલાકાતો ચૂકી જાઓ છો.

ઉપરોક્ત કેટલાક લક્ષણો ઉપરાંત, તમે એ પણ નોંધશો કે તમે:

  • થાક લાગે
  • ઊંઘવામાં તકલીફ
  • ભૂખ ઓછી લાગવી.

આમાંની કેટલીક બાબતો શારીરિક બીમારી અથવા તબીબી સારવારને કારણે પણ હોઈ શકે છે. આનાથી તમારા માટે અથવા તમારી સંભાળ રાખનારા લોકો માટે એ કહેવું મુશ્કેલ બની શકે છે કે તમે જે અનુભવી રહ્યા છો તે 'સામાન્ય' છે કે નહીં.

તમારા ડૉક્ટર અથવા કોઈ વ્યક્તિ જેના પર તમે વિશ્વાસ કરો છો, તેને તમારી લાગણીઓ વિશે વાત કરો. તેઓ તમને સમજવામાં મદદ કરી શકે છે કે તમે જે પરિવર્તનો અનુભવી રહ્યા છો તે તમારા શારીરિક બીમારી સાથે સંબંધિત છે કે તમારા માનસિક સ્વાસ્થ્ય સાથે.

તમે અહીં અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે વધુ વાંચી શકો છો.

જો મને શારીરિક બીમારી હોય, તો શું મને માનસિક બીમારી થવાની સંભાવના વધુ હોય છે?

દરેક વ્યક્તિ જેને શારીરિક બીમારી છે, તે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનો અનુભવ નથી કરતા. તેમ છતાં, લાંબા ગાળાના શારીરિક બીમારીઓ ધરાવતા લોકોમાં માનસિક સુખાકારીનું સ્તર નીચું હોવાની શક્યતા વધુ હોય છે. સંશોધનએ માનસિક બીમારીઓ અને નીચેની કેટલીક શારીરિક બીમારીઓ વચ્ચે સંબંધ દર્શાવ્યો છે, જેમ કે:

  • કૅન્સર
  • ડાયાબિટીસ
  • અસ્થમા
  • ઉચ્ચ લોહીનું દાબણ (હાઈ બ્લડ પ્રેશર)
  • એપિલેપ્સી.

જો કે, આ એકમાત્ર શારીરિક બીમારીઓ નથી જે તમારા માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

જેઓ ચાલુ શારીરિક સ્વાસ્થ્યની સમસ્યાઓ ધરાવે છે, તેમને સારા શારીરિક સ્વાસ્થ્ય ધરાવતી વ્યક્તિઓની તુલનામાં હતાશા થવાની સંભાવના ૨ થી ૩ ગણા વધુ હોય છે.

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જોડાયેલા છે?

શારીરિક અને માનસિક બીમારી કેવી રીતે જોડાયેલા છે તે હંમેશા સ્પષ્ટ નથી હોતું.

તમે કોણ છો અને તમને કયા પ્રકારની શારીરિક અથવા માનસિક બીમારીઓ છે તેના આધારે:

  • શારીરિક બીમારી હોવાથી તમને માનસિક બીમારી વિકસિત થવાની શક્યતા હોય છે
  • તમારી શારીરિક બીમારી તમારી માનસિક બીમારી સાથે જોડાયેલો હોઈ શકે છે
  • તમારી શારીરિક બીમારી અને માનસિક બીમારી અસંબંધિત હોઈ શકે છે પરંતુ એક જ સમયે થઈ રહ્યું હોય.

કેટલીક બાબતો સીધી રીતે કોઈ વ્યક્તિને નબળું માનસિક સ્વાસ્થ્ય વિકસાવવામાં ફાળો આપી શકે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • તણાવ – શારીરિક બીમારી હોવી ખૂબ તણાવભરી થઈ શકે છે, અને તણાવ તમારું માનસિક સ્વાસ્થ્ય નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે.
  • દવા સારવાર – કેટલીક દવાઓ તમારા મગજની કાર્યપ્રણાલી પર અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે, સ્ટેરોઇડ્સ મનની સ્થિતિમાં ફેરફાર અને માનસિક લક્ષણો બતાવે છે એવું સાબિત થયું છે. માનસિક લક્ષણોમાં સમાવેશ થાય છે:
    • જે સાચી નથી તે બાબતોમાં વિશ્વાસ કરવો
    • સ્પષ્ટ રીતે વિચારવામાં મુશ્કેલી અનુભવવી
    • એવી વસ્તુઓનો અનુભવ કરવો જે ત્યાં નથી.
  • શારીરિક બીમારીઓ – કેટલાક શારીરિક બીમારીઓ મગજની કાર્યપ્રણાલી પર અસર કરે છે. ઉદાહરણ તરીકે, ઓછું સક્રિય થાયરોઇડ (હાયપોથાયરોઇડિઝમ) ધરાવતા લોકોને હતાશા અને ચિંતા થવાની શક્યતા વધુ હોય છે.

મને કયા સમયે માનસિક બીમારી થવાની સંભાવના વધુ હોય?

જો તમે શારીરિક રીતે બીમાર હો, તો નીચેની પરિસ્થિતિઓમાં તમારું માનસિક સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના વધુ હોય છે:

  • તમે અગાઉ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો કર્યો હોય અથવા તમને પહેલાથી કોઈ માનસિક બીમારીનું નિદાન થયું હોય
  • તમે કોઈ પરિવાર અથવા મિત્રો ન ધરાવતા હો, જેમની સાથે તમે તમારી બીમારી વિશે વાત કરી શકો
  • તમારા જીવનમાં એક સાથે અન્ય સમસ્યાઓ અથવા તણાવજનક પરિસ્થિતિઓ ચાલી રહી હોય. ઉદાહરણ તરીકે, નોકરી ગુમાવવી, છૂટાછેડા લેવો, અથવા પ્રિયજનની મોતનો સામનો કરવો. ક્યારેક સકારાત્મક જીવન પરિવર્તન પણ તો તમારા માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે, જો અણધારી અથવા તણાવજનક હોય.
  • તમારી શારીરિક બીમારી તમને ઘણું દુખ આપી રહ્યો હોય
  • તમે જીવલેણ અથવા અસાધ્ય રોગથી પીડાઈ રહ્યા હોય
  • તમારો રોગ તમને પોતાની જાળવણી કરવા અસમર્થ બનાવે છે.

તમે જે સમયે નબળું માનસિક સ્વાસ્થ્ય અનુભવવાની સૌથી વધુ સંભાવના ધરાવો છો તે છે:

  • જ્યારે તમને પ્રથમવાર તમારી બીમારી વિશે જણાવવામાં આવે
  • મોટી સર્જરી કરાવ્યા પછી અથવા જો તમારી સારવારની અપ્રિય આડ-અસરો હોય તો
  • જો બીમારી પાછી આવે, જ્યારે તમે સ્વસ્થ અનુભવતા હોવ. ઉદાહરણ તરીકે, કેન્સર ફરી થવું અથવા બીજું હૃદયરોગનો હુમલો થવો
  • ઓ તમારી બીમારી સારવાર પ્રત્યે પ્રતિક્રિયા આપવાનું બંધ કરે.

મારે ક્યારે મદદ માગવી જોઈએ?

જ્યારે તમને શારીરિક બીમારી હોય, ત્યારે કેટલીક હદ સુધી ચિંતા અને નિરાશાના ભાવનાઓ હોવી સ્વાભાવિક છે. તેમ છતાં, તમારે મદદ લેવી જોઈએ જો:

  • જો તમે અગાઉ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો કર્યો હોય અથવા કોઈ માનસિક બીમારીનું નિદાન થયું હોય અને તમને લાગે કે તમે ફરી અસ્વસ્થ થઈ રહ્યા છો
  • તમને અગાઉ કરતાં વધુ ખરાબ લાગતું હોય
  • સમય સાથે તમારી સ્થિતિ સુધરતી ન હોય
  • જો તમારી લાગણીઓ તમારા સંબંધો, કામ, રસ અથવા દૈનિક જીવનને પ્રભાવિત કરતી હોય
  • જો તમને જીવન જીવવા યોગ્ય ના લાગતું હોય અથવા તમને લાગે કે અન્ય લોકો તમારા વગર વધુ સારું રહેશે.

જો તમે નક્કી કરી શકતા ન હો કે મદદ લેવી કે નહીં

જ્યારે તમે શારીરિક બીમારીથી પીડાતા હોવ, ત્યારે મદદ માગવી મુશ્કેલ થઈ શકે. ભલે આ વિચારો સાચા ન હોય, પરંતુ આ પ્રકારની લાગણીઓ હોવી સામાન્ય છે:

  • "મારે મારું ધ્યાન માત્ર મારા શારીરિક સ્વાસ્થ્ય પર રાખવું પડશે. મારું માનસિક સ્વાસ્થ્ય ઓછું મહત્વનું છે." – તમારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલ છે. માનસિક રીતે સ્વસ્થ હોવાથી તમારા શારીરિક સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પાડી શકે છે.
  • "મારે ધ્યાન કેન્દ્રિત કરવા માટે બીજી વસ્તુઓ છે." – તમને એવું લાગી શકે છે કે તમારે તમારા પરિવાર, નાણાં, રહેઠાણ અથવા કામને પ્રાથમિકતા આપવાની જરૂર છે. પરંતુ જો તમે તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપો, તો તમે ખૂબ અસ્વસ્થ બની શકો. જો આવું થાય, તો તમે આ મહત્વપૂર્ણ બાબતો પણ સારી રીતે કરી શકશો નહીં.
  • "હા, હું નિરુત્સાહી અનુભવું છું, કારણ કે હું બીમાર છું. એ માટે મદદ લેવાનો કોઈ અર્થ નથી." – તમે તમારા માનસિક સ્વાસ્થ્ય સાથે પડકાર અનુભવી રહ્યા છો, તે સંપૂર્ણ રીતે સમજી શકાય તેવું છે. તેમ છતાં, તેનો અર્થ એ નથી કે તમને મદદ મેળવવાની લાયકાત નથી. દરેકને ખુશ, સમર્થિત અને કાળજી રાખવામાં આવે તે અનુભવવાનો અધિકાર છે.
  • "હું અહંકાર નથી દેખાવા માંગતો, મારી આરોગ્ય ટીમ મને મદદ કરવા માટે ઘણું કરી રહી છે." – તમારા ડોકટરો તમારા માનસિક સ્વાસ્થ્ય વિશે તેમજ તમારા શારીરિક સ્વાસ્થ્ય વિશે સાંભળવા માંગશે. આ બધું તમારી સારસંભાળનો ભાગ છે, અને તેઓ તમને સહાય માંગવા માટે આભારી નથી માનતા.

હું સહાય કેવી રીતે મેળવી શકું છું?

તમે તમારી લાગણીઓ વિશે જે વ્યક્તિ પર તમે વિશ્વાસ રાખો છો તેમના સાથે વાત કરવાની શરૂ કરી શકો છો. તમે કેવું રીતે અનુભવતા છો તે વહેંચવાનો આપોઆપ તમારા માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પાડી શકે છે.

જો તમને વધુ સહાયની જરૂર હોય, તો તમારા જી.પી. (જનરલ પ્રાકટિશનર)ને અથવા તે તબીબી ટીમ સાથે વાત કરો જે તમારા શારીરિક બીમારીમાં તમારી મદદ કરી રહી છે. તેઓ તમારા માટે જરૂરી સહાય અંગે માર્ગદર્શન આપી શકે છે જે તમારી માટે ઉપલબ્ધ છે અને તેને પ્રાપ્ય કરવા માટે તમને મદદ કરી શકે છે.

શારીરિક બીમારીથી પીડિત લોકોને સપોર્ટ કરતી ઘણી ચેરિટીઓ અને સંસ્થાઓ છે. તમે આ સ્રોતના અંતે આ વિશે વધુ જાણકારી મેળવી શકો છો.

જો તમે પહેલેથી માનસિક સ્વાસ્થ્ય જુથની દેખરેખ હેઠળ છો, તો જો તમારે શારીરિક બીમારી થાય છે તો તમારે તેમને પણ કહેવું જોઈએ. તેમના માટે આ જાણવું લાભદાયી રહેશે જેથી તેઓ તમારી મદદ કરી શકે.

મને કયા પ્રકારનો ઉપચાર મળશે?

તમને જે પ્રકારનો ઉપચાર પ્રદાન કરવામાં આવશે તે આધાર રહેશે:

  • તમે જે પડકારોનો સામનો કરી રહ્યા છો
  • તેનો તમારા જીવન પર પડતો પ્રભાવ
  • તમારી વ્યક્તિગત પરિસ્થિતિઓ.

તમે જે સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તેના પર આધાર રાખીને, તમને પ્રસ્તુત કરવામાં આવી શકે છે:

જ્ઞાનાત્મક વર્તણૂકીય ઉપચાર (CBT) પણ એવા લોકો માટે મદદરૂપ સાબિત થયો છે કે જેઓ પીડા સાથે જીવી રહ્યા છે.

તમે અમારી માર્ગદર્શિકા વાંચીને નીચેની સ્થિતિઓ માટેની સારવાર વિશે વધુ જાણકારી મેળવી શકો છો:

તમે અહીં વિવિધ માનસિક બીમારીઓ અને તેમની સારવાર વિશે વધુ વાંચી શકો છો.

આ સારવારો કેવી રીતે મદદ કરશે?

વાતચીત ઉપચાર

નજીકના પરિવાર અને મિત્રો સાથે પણ તમે કેવું અનુભવી રહ્યા છો તે વ્યક્ત કરવું મુશ્કેલ હોઈ શકે છે. ક્યારેક તમે જો કોઈને ચિંતિત કરવા માંગતા નથી તો તમારી સારી જાણીતી વ્યક્તિ સાથે તમારી લાગણીઓ વ્યક્ત કરવી વધુ મુશ્કેલ બની જાય છે.

આ કારણના લીધે જ, વ્યવસાયિક વ્યક્તિ સાથે વાત કરવી સરળ બની શકે છે. તેઓ તમને લાગણીઓ, વિચારો અને વ્યવહારિક સમસ્યાઓનો વધુ સારી રીતે સામનો કરવાના રસ્તાઓ શોધવામાં મદદ કરી શકે છે.

તમે એવું અનુભવશો કે વાતચીત ઉપચાર શરૂ કર્યા પછી તરત જ, ખાલી તમારી ચિંતાઓ વિશે વાત કરવાથી તમને સારું લાગી રહ્યું છે. અથવા વાતચીતની સારવારથી તમને સારું અનુભવવામાં થોડો વધુ સમય લાગી શકે છે.

દવા

આ તે વાત ઉપર આધાર રાખે છે કે તમને કઈ પ્રકારની દવા આપવામાં આવી રહી છે અને તમને ક્યાં પ્રકારની અન્ય સહાય મળી રહી છે.

સામાન્ય રીતે, દવાનો ઉપયોગ તમને તમારા જીવનમાં અન્ય સકારાત્મક ફેરફારો કરવા માટે પૂરતી રીતે સ્વસ્થ અનુભવ કરવામાં મદદ કરવા માટે કરવામાં આવે છે. કોઈપણ પ્રકારની દવાની અસર થવામાં થોડો સમય લાગે છે, અને તેને ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ જ લેવી જોઈએ.

જો તમે ઊંઘ, ભૂખ અથવા શારીરિક પીડાની તકલીફ હોય, તો પણ દવાઓ તમારી મદદ કરી શકે છે. દવાઓ તમને કઈ રીતે મદદ રૂપ થઈ શકે છે તે વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો.

જો હું પહેલાથી જ શારીરિક બીમારી માટે દવા લઈ રહ્યો છું, તો શું હું માનસિક બીમારી માટે દવા લઈ શકું?

જો તમને કોઈ શારીરિક બીમારી હોય, તો તમે પહેલાથી જ દવાઓ લઈ રહ્યા હશો. તમારા ડૉક્ટર તમને જણાવશે કે તમે જે દવાઓ લઈ રહ્યા છો, કઈ દવાઓ એકસાથે ના લેવી જોઈએ. તેઓ તમને એ પણ જણાવશે કે શું કોઈ આડ-અસરો છે જેના પર તમારે ધ્યાન આપવું જોઈએ.

બધી દવાઓમાં કેટલીક આડ-અસરો હોય છે, જોકે આ સામાન્ય રીતે હળવી હોય છે અને થોડા સમય માટે દવા લીધા પછી તે જાતે જ દૂર થઈ જાય છે. તમારે તમે અનુભવતા હોય એવા કોઈપણ શારીરિક કે ભાવનાત્મક ફેરફારો વિશે તમારા ડૉક્ટરને જણાવવું જોઈએ.

હું મારી જાતને કેવી રીતે મદદ કરી શકું?

વ્યાવસાયિક વ્યક્તિની મદદ મેળવવા ઉપરાંત, તમે તમારી જાતને મદદ કરવા માટે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો:

અન્ય લોકો સાથે વાત કરો

તમારા ડર અને ચિંતાઓ વિશે તમારા નજીકના લોકોને જણાવો. કોઈ એવા વ્યક્તિ સાથે વાત કરો કે જેણે ભૂતકાળમાં તમને સાથ આપ્યો હોય અને એક સારો શ્રોતા છે.

તમારા ડૉક્ટર સાથે વાત કરો
તમારી બીમારી વિશે તમારા ડૉક્ટર અથવા જી.પી. (જનરલ પ્રેક્ટિશનર) ને પ્રશ્નો પૂછવામાં ડરશો નહીં. જો રોગ અથવા તેની સારવારના કોઈ પાસાંઓ છે જેના વિશે તમારી પાસે પૂરી માહિતી નથી, તો તેઓ તમને તે સમજાવવામાં મદદ કરી શકે છે.

આધાર મેળવો
વિવિધ ચેરિટી સંસ્થાઓ અને સંગઠનો તમને વિશ્વસનીય માહિતી અને સમર્થન પ્રદાન કરી શકે છે. તમે એવા લોકો સાથે પણ વાત કરી શકો છો જેઓ તમારા જેવી જ શારીરિક બીમારીથી પીડાય રહ્યા છે અને સાથીદારોનો ટેકો મેળવી શકશો.

નાણાકીય સહાય માટે અરજી કરો
જો તમને કોઈ શારીરિક કે માનસિક બીમારી છે, તો તમને લાભો અને અન્ય નાણાકીય સહાય મેળવવા માટેના હકદાર હોઈ શકો છો.

યોગ્ય આહાર લો
સંતુલિત આહાર લેવાનો પ્રયાસ કરો. વજન ઓછું કરવો અથવા બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવો એ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખરાબ હોઈ શકે છે. જો તમને ખાવાની વિકૃતિ છે, તો સંતુલિત અને સ્વસ્થ આહાર તમારા માટે અલગ હોઈ શકે છે.

નિયમિત રીતે કસરત કરો
જો શક્ય હોય તો, કેટલીક શારીરિક કસરતો નિયમિતપણે કરવાનો પ્રયાસ કરો. આ, ચાલવા જવું અથવા દસ મિનિટ હળવો યોગ કરવા જેટલું સરળ હોઈ શકે છે.

સંતુલન જાળવી રાખો
તકલીફો અને આરામ કરવા વચ્ચે સંતુલન જાળવી રાખવાનો પ્રયાસ કરવો.

તમારા માટે સારા કાર્યો કરવા (સ્વ-સંભાળ)
તમારા દિવસભરના કાર્યમાં આરામદાયક, આનંદપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ કરો. પછી તે કાર્ય કોઈ મિત્ર સાથે ફોન પર વાત કરવાથી લઈને બગીચામાં પુસ્તક વાંચવા સુધી કંઈપણ હોઈ શકે છે.

વધુ પડતું પીવાનું ટાળો
વધુ પડતો દારૂ પીવાનું ટાળો, કારણ કે તેનાથી લાંબા ગાળે તમારા માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે.

મનોરંજક દવાઓ લેવાનું ટાળો
ડ્રગ્સ તમારા માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે, અને જો તમે અન્ય દવાઓ લઈ રહ્યા હોવ તો તે ખાસ કરીને ખતરનાક બની શકે છે. તમે અમારી વેબસાઇટ પર વિવિધ દવાઓ વિશે માહિતી અને સહાયતા મેળવી શકો છો.

સ્વ-ઉપચાર
કેટલાક લોકો તેમની શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવા માટે દારૂ કે ડ્રગ્સનો લે છે. આને કેટલીકવાર 'સ્વ-ઉપચાર' કહેવામાં આવે છે. તમને કદાચ તે ટૂંકા ગાળા માટે મદદરૂપ લાગી શકે છે, પરંતુ જેમ-જેમ સમય પસાર થશે તેમ-તેમ તે તમને વધુ ખરાબ અનુભવવા લાગશે. જો તમે પીડાદાયક લાગણીઓનો સામનો કરવા માટે ડ્રગ્સ અથવા દારૂનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારા ડૉક્ટર સાથે વાત કરો.

પૂરતી ઊંઘ લો
સારી ઊંઘની પદ્ધતિને વળગી રહેવાનો પ્રયાસ કરો. સારી ઊંઘની ટિપ્સ મેળવવા અમારી માર્ગદર્શિકા વાંચો.

તમારી દવા લો
તમારા ડૉક્ટર સાથે ચર્ચા કર્યા વિના તમારી દવા લેવાનું બંધ કરશો નહીં, તમારી દવાની માત્રા અથવા સમય બદલશો નહીં, અથવા અન્ય કોઈ સારવાર અજમાવશો નહીં. જો તમારી દવાની અણગમતી આડ-અસર થાય, તો તમારા ડૉક્ટરને જણાવો.

તમારા સ્વાસ્થ્યની તપાસ કરાવો
જો તમને કોઈ ચોક્કસ શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય સ્થિતિઓ છે, અથવા તમે ચોક્કસ દવાઓ લઈ રહ્યા છો, તો તમારે તમારા જી.પી. (જનરલ પ્રેક્ટિશનર) અથવા નિષ્ણાત પાસે નિયમિત આરોગ્ય તપાસ કરાવવા માટે કહેવામા આવશે. ખાતરી કરો કે તમે જી.પી. (જનરલ પ્રેક્ટિશનર) અથવા નિષ્ણાત પાસે જાવ છો, અને જો તમને કોઈ નવા શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય લક્ષણો દેખાય છે તો તેમને જણાવો. આનાથી તમારી સારવાર કરી રહેલા લોકોને કોઈપણ સમસ્યા વધુ ખરાબ થાય તે પહેલાં તેને ઓળખવામાં મદદ મળી શકે છે.

હું બીજા કોઈને કેવી રીતે મદદ કરી શકું?

જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ માનસિક સ્વાસ્થ્યની સ્થિતિનો અનુભવ કરી રહ્યું હોય ત્યારે તેના મિત્રો અને કુટુંબીજનો ઘણીવાર સૌપ્રથમ તેને ઓળખી શકે છે. જો તમે તમારા ઓળખીતા વ્યક્તિમાં તમે આવું કોઈ બાબત જોય હોય તો:

  • હળવાશથી તેમને મદદ મેળવવા માટે પ્રોત્સાહિત કરો
  • સમજાવો કે મદદ વડે તેઓને વધુ સારું થઈ શકે છે
  • સમજાવો કે મદદ મેળવવી એ નબળાઈની નિશાની નથી.

અહીં કેટલીક બાબતો આપેલ છે જેનાથી તમે તેમને વધુ મદદ કરી શકો છો:

  • તેઓની સાથે સમય વિતાવો – ખરાબ માનસિક સ્વાસ્થ્યનો અનુભવ કરતી વ્યક્તિ સાથે સમય વિતાવવો મદદરૂપ થાય છે. તેમને ધીમે-ધીમે તેમની લાગણીઓ વિશે વાત કરવા અને તેઓ સામાન્ય રીતે કરે છે તેવી કેટલીક વસ્તુઓ કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરો.
  • તેઓને આશ્વાસન અપો વ્યક્તિને આશ્વાસન આપો કે સમય અને મદદથી તેમનું માનસિક સ્વાસ્થ્ય સુધરી શકે છે. તેઓને લગભગ આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગશે કે આવું થઈ શકે છે.
  • સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપો – તેમના પર વધુ પડતું દબાણ આપ્યા વિના, તેમને સારું ખાવા, સારી ઊંઘ લેવું, વધુ પડતું પીવાનું ટાળવા અને દવા લેવા માટે પ્રોત્સાહિત કરો. તમે તેમને ભોજન બનાવવામાં અથવા તેમની સાથે એવી પ્રવૃત્તિ કરીને મદદ કરી શકો છો જેમાં દારૂનો સમાવેશ ના થતો હોય.
  • એક સારા શ્રોતા બનો - તે તેમને જણાવવામાં મદદ કરી શકે છે કે તમે તેમની સ્થિતિ અથવા સારવાર વિશેની કોઈપણ ચિંતા અથવા પ્રશ્નો વિશે વાત કરવા માટે ત્યાં છો.
  • ચેતવણી ચિહ્નો માટે જુઓ - તેને ગંભીરતાથી લો અને તેમને તેમના ડૉક્ટર સાથે વાત કરવા પ્રોત્સાહિત કરો, જો તેઓ:
    • ખરાબ થઈ રહ્યું હોય તેવું લાગે છે
    • જીવવા માંગતા નથી તે વિશે વાત કરવાનું શરૂ કરે
    • પોતાને નુકસાન પહોંચાડી રહ્યા છે અથવા તેઓ આ કરી શકે છે તેવું સૂચવ્યું છે.

હું કોઈની કાળજી રાખું છું, મારા માટે કઈ સુવિધા ઉપલબ્ધ છે?

શારીરિક અને માનસિક રીતે બીમાર વ્યક્તિની સંભાળ રાખવી ખૂબ જ પડકારજનક હોઈ શકે છે. તમારી સંભાળ રાખવાનું અને તમારા સ્વાસ્થ્ય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ભૂલી જવું પણ સરળ છે.

જો તમે કોઈની સંભાળ રાખો છો, તો તમને અને તમે જેની સંભાળ રાખો છો તેના માટે કઈ મદદ ઉપલબ્ધ છે તે જોવા માટે તમે સંભાળ રાખનારનું મૂલ્યાંકન કરી શકો છો. આ તમારી સંભાળ રાખનાર તરીકેની ભૂમિકાને સરળ બનાવવામાં મદદ કરી શકે છે. the NHS website પર આકારણી મેળવવા વિશે વધુ જાણો.

તમે Carers Trust website પર સંભાળ રાખનાર માટે ઉપલબ્ધ મદદ અને સમર્થન વિશે પણ વધુ જાણી શકો છો.

અમારી પાસે માનસિક બીમારી ધરાવતી વ્યક્તિની સંભાળ રાખવા માટેનો સંસાધન છે જેમાં આ વિશેની માહિતી શામેલ છે:

  • સંભાળ રાખનાર બનવાનો અર્થ શું છે
  • દર્દીઓ અને સંભાળ રાખનારાઓના અધિકારો
  • કોઈની તરફેણ કેવી રીતે કરવી
  • તમારી જાતની સંભાળ રાખવી
  • સંભાળ રાખનારાઓ માટે ઉપલબ્ધ લાભો
  • કેવી રીતે આરોગ્ય અને સામાજિક સંભાળ વ્યાવસાયિકો સંભાળ રાખનારાઓ અને દર્દીઓને અસરકારક રીતે મદદ કરી શકે છે.

અજાણી બીમારી અથવા પીડા સાથે જીવવું

કેટલાક લોકો નિદાન મેળવ્યા વિના બીમારી અથવા પીડા સાથે જીવે છે. આને 'તબીબી રીતે અસ્પષ્ટ લક્ષણો'તરીકે પણ ઓળખવામાં આવે છે, અને જ્યારે ડોકટરો કોઈને હોય તેવા લક્ષણો માટે ભૌતિક કારણ શોધી શકતા નથી.

બીમારી કે દુઃખ સાથે રહેવાની સામાન્ય મુશ્કેલીઓ ઉપરાંત, તમારી સમસ્યાઓ શું છે તે ખબર ન હોવી એ અન્ય કારણોસર પણ મુશ્કેલ હોઈ શકે છે:

  • તમારી સમસ્યાઓનું કારણ શું છે તે ન જાણવું ભયાનક અને તણાવપૂર્ણ હોઈ શકે છે, જેનાથી તમે વધુ ખરાબ અનુભવી શકો છો.
  • તમને સારવાર મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
  • નિદાન કરાવવાથી તમે જે અનુભવો છો તેને નામ આપવા અને અન્ય લોકોને સમજાવવામાં મદદ કરી શકે છે. આ વગર, કેટલાક લોકો માન્યતા અથવા પ્રમાણિત અનુભવવા માટે સંઘર્ષ કરે છે.
  • તમે કદાચ એવી સારવારો અજમાવી હશે જે કામ ન કરી હોય. આ તકલીફ પોચાડી શકે છે અથવા અન્ય શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

આ બધી બાબતો તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખરાબ હોઈ શકે છે, ખાસ કરીને જો તમારી સમસ્યાઓનું લાંબા સમય સુધી નિદાન ન થાય.

જો તમે અથવા તમે જાણો છો તે કોઈ તબીબી રીતે અસ્પષ્ટ લક્ષણોનો અનુભવ કરી રહ્યું છે, તો પણ મદદ ઉપલબ્ધ છે. આમાં શામેલ હોઈ શકે છે:

કૉલેજ વેબસાઇટ પર તબીબી રીતે ન સમજાય તેવા લક્ષણો માટે સારવાર અને સમર્થન વિશે વધુ જાણો.

વધુ મદદ

સંસ્થાઓ જે મદદ કરી શકે

ઘણી જુદી-જુદી ચેરિટી સંસ્થાઓ અને સંગઠનો છે જે શારીરિક બિમારીઓ ધરાવતા લોકોને સહાય આપે છે. જ્યારે અમે તે બધાને અહીં સૂચિબદ્ધ કરી શકતા નથી, અમે UK માં સૌથી સામાન્ય બિમારીઓ ધરાવતા લોકોને મદદ કરતી સખાવતી સંસ્થાઓ વિશેની માહિતી શામેલ કરી છે.

વધુ સખાવતી સંસ્થાઓ શોધવા માટે ચેરિટી કમિશન રજિસ્ટરનો ઉપયોગ કરો.

અસ્થમા + લંગ UK

હેલ્પલાઇન: ૦૩૦૦ ૨૨૨ ૫૮૦૦
WhatsApp(વોટ્સએપ)

અસ્થમા + લંગ UK ફેફસાની સ્થિતિ સાથે જીવતા લોકો માટે મદદ માટે ના નંબર, આરોગ્ય સલાહ અને સપોર્ટ જૂથોની વ્યવસ્થા કરે છે.

બાઉલ કેન્સર UK

બાઉલ કેન્સર UK આંતરડાના કેન્સરથી પ્રભાવિત લોકો માટે માહિતી અને સહાય પ્રદાન કરે છે. આમાં નિદાન, આરોગ્ય સલાહ, સહાયક ઘટનાઓ, ઑનલાઇન સમુદાયો અને પુસ્તિકાઓ અને ફેક્ટશીટ્સનો સમાવેશ થાય છે.

બ્રેસ્ટ કેન્સર નાવ

હેલ્પલાઇન: ૦૮૦૮ ૮૦૦ ૬૦૦૦

ઈમેલ: hello@breastcancernow.org અથવા તેમના ask a nurse form નો ઉપયોગ કરો

બ્રેસ્ટ કેન્સર નાવ સ્તન કેન્સરથી પ્રભાવિત લોકોને સહાય અને માહિતી પ્રદાન કરે છે. આમાં નિષ્ણાત નર્સ મદદ માટે ના નંબર, લાઇવ સત્રો અને કેન્સર પરની માહિતી, સપોર્ટ એપ્લિકેશન અને ઑનલાઇન ફોરમનો સમાવેશ થાય છે.

ડાયાબિટીસ UK

હેલ્પલાઇન: ૦૩૪૫ ૧૨૩ ૨૩૯૯

ઈમેલ: helpline@diabetes.org.uk

ડાયાબિટીસ UK ડાયાબિટીસ સાથે જીવવાના તમામ પાસાઓ પર નિષ્ણાત માહિતી અને સલાહ આપે છે.

બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન

હેલ્પલાઇન: ૦૩૦૦ ૩૩૦ ૩૩૧૧

ઈમેલ: hearthelpline@bhf.org.uk

બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન હૃદય અને રુધિરાભિસરણ સ્થિતિઓ, પરીક્ષણો અને સારવાર વિશે માહિતી પ્રદાન કરે છે.

કિડની કેર UK

હેલ્પલાઇન: ૦૧૪૨૦ ૫૪૧ ૪૨૪

ઈમેલ: info@kidneycareuk.org

કિડની કેર UK એ કિડની પેશન્ટ સપોર્ટ ચેરિટી છે જે પેશન્ટ ગ્રાન્ટ્સ, હોલિડે ગ્રાન્ટ્સ, કાઉન્સેલિંગ અને એડવોકેસી સેવાઓ અને વધુ પ્રદાન કરે છે.

બ્રિટિશ લિવર ટ્રસ્ટ

હેલ્પલાઇન: ૦૮૦૦ ૬૫૨ ૭૩૩૦

ઈમેલ: helpline@britishlivertrust.org.uk 

બ્રિટિશ લિવર ટ્રસ્ટ નર્સની આગેવાની હેઠળની મદદ માટે ના નંબર, સહાયક જૂથો અને યકૃતની બિમારી અથવા કેન્સર સાથે જીવવા માટે વ્યવહારુ સહાય પૂરી પાડે છે.

પેઇન કન્સનૅ

હેલ્પલાઇન: ૦૩૦૦ ૧૨૩ ૦૭૮૯

ઈમેલ: help@painconcern.org.uk

પેઈન કન્સર્ન પીડા સાથે જીવતા લોકોને મદદ કરે છે અને મદદ માટે ના નંબર, ફોરમ અને સ્વ-વ્યવસ્થાપન સાધનો પ્રદાન કરે છે.

પાર્કિંસન UK

હેલ્પલાઇન: ૦૮૦૮ ૮૦૦ ૦૩૦૩.
પાર્કિન્સન્સ UK પાર્કિન્સન્સ રોગ ધરાવતા લોકો અને તેમની સંભાળ રાખતા લોકો માટે સપોર્ટ ઓફર કરે છે.

પ્રોસ્ટ્રેટ કેન્સર UK

હેલ્પલાઇન: ૦૮૦૦ ૦૭૪ ૮૩૮૩

પ્રોસ્ટેટ કેન્સર UK પ્રોસ્ટેટ કેન્સર સાથે જીવતા લોકો માટે સહાય અને માહિતી પ્રદાન કરે છે, જેમાં નિષ્ણાત નર્સ મદદ માટે ના નંબર, પ્રકાશનો, ઓનલાઈન સપોર્ટ અને વન ટુ વન સપોર્ટનો સમાવેશ થાય છે.

સ્ટ્રોક એસોસિએશન

હેલ્પલાઇન: ૦૩૦૩ ૩૦૩૩ ૧૦૦

ઈમેલ: helpline@stroke.org.uk

સ્ટ્રોક એસોસિએશન સ્ટ્રોકથી પ્રભાવિત લોકોને મદદ માટે ના નંબર, સપોર્ટ ગ્રૂપ અને ઓનલાઈન સમુદાય ઓફર કરે છે.

શાઉટ
ટેક્સ્ટ: ૮૫૨૫૮
શાઉટ એ UK માં રહેતા લોકો માટે એક મફત, ગોપનીય ટેક્સ્ટ સપોર્ટ સેવા છે જેઓ બેચેન તણાવગ્રસ્ત, નિરુત્સાહી, આત્મહત્યા અથવા અભિભૂત છે.

વધુ વાંચન

  • ધ હેપીનેસ ટ્રેપ, ડૉ રસ હેરિસ
  • બોડી કીપ્સ ધ સ્કોર; બ્રેન, માઇન્ડ એન્ડ બોડી ઇન ધ હીલિંગ ઓફ ટ્રોમા, બેસેલ વેન ડેર કોલ્ક
  • કદાચ તમારે કોઈની સાથે વાત કરવી જોઈએ: કાર્યપુસ્તિકા: અ ટૂલકિટ ફોર એડિટિંગ યોર સ્ટોરી એન્ડ ચેન્જિંગ યોર લાઇફ, લોરી ગોટલીબ

અન્ય સંસાધનો

શ્રેય

આ માહિતી મનોચિકિત્સકોની રોયલ કોલેજ (Royal College of Psychiatrists) પબ્લિક એંગેજમેન્ટ એડિટોરિયલ બોર્ડ (PEEB) દ્વારા બનાવવામાં આવી હતી. તે લેખન સમયે ઉપલબ્ધ શ્રેષ્ઠ પુરાવાઓને પ્રતિબિંબિત કરે છે.

નિષ્ણાત લેખક: ડૉ સંજુક્તા દાસ

વિનંતી પર ઉપલબ્ધ સંપૂર્ણ સંદર્ભો. 

This translation was produced by CLEAR Global (March 2025)

Read more to receive further information regarding a career in psychiatry