દારૂ, માનસિક સ્વાસ્થ્ય અને મગજ

Alcohol, mental health and the brain

Below is a Gujarati translation of our information resource on alcohol, mental health and the brain. You can also view our other Gujarati translations.

આ માહિતીપત્ર દારૂ અને તે તમારા મગજ તથા માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર કરી શકે છે તેની ચર્ચા કરે છે. આ માહિતી એવા પુખ્ત વયના લોકો માટે છે જે આલ્કોહોલ વિશે વધુ જાણવા માંગે છે, દારૂ પર નિર્ભર છે અથવા એવા કોઈને જાણે છે.

આ માહિતીમાં નીચેના વિષયોનો સમાવેશ થાય છે:

  • દારૂ શું છે
  • તે મગજને કેવી રીતે અસર કરે છે
  • તે માનસિક સ્વાસ્થ્ય ને કેવી રીતે અસર કરે છે
  • દારૂ પર નિર્ભરતા
  • દારૂ સંબંધિત મગજને નુકસાન
  • તમે કેટલો દારૂ પીવો છો તે કેવી રીતે ગણવું
  • જો તમે વધુ દારૂ પીતા હોવ તો મદદ કેવી રીતે મેળવવી

દારૂ શું છે?

દારૂ (જેને ‘ઇથેનોલ’ અથવા ‘ઇથાઇલ આલ્કોહોલ’ પણ કહેવામાં આવે છે) એવો પદાર્થ છે જે લોહીમાં શોષાઈ ગયા પછી શરીરના દરેક અંગમાં પહોંચી શકે છે.

દારૂ ધરાવતા પીણાંને આલ્કોહોલિક પીણાં કહેવામાં આવે છે. આલ્કોહોલિક પીણાંના ઘણા પ્રકારો છે, જે વિવિધ રીતોથી બનાવવામાં આવે છે અને તેમાં અન્ય વિવિધ ઘટકો હોય છે. પરંતુ સામાન્ય રીતે તેઓ નીચેની શ્રેણીઓમાં આવે છે:

  • બીયર અને સાઇડર
  • વાઇન
  • સ્પિરિટ્સ (જેમ કે વોડકા, જિન અથવા વિસ્કી)

વિવિધ આલ્કોહોલિક પીણાંમાં દારૂની તીવ્રતા અલગ હોય છે. એનો અર્થ એ છે કે કેટલાક પીણાં શરીર પર અન્યની તુલનામાં વધુ અસર કરે છે.

UKમાં ૧૮ વર્ષથી વધુ વયના લોકો કાયદેસર રીતે દારૂ ખરીદી અને પી શકે છે. સામાન્ય રીતે ૧૮ વર્ષથી ઓછી વયના લોકો માટે દારૂ પીવું અથવા ખરીદવું ગેરકાનૂની છે. દારૂ સંબંધિત કાયદાઓ વિશે વધુ માહિતી સરકારની વેબસાઇટ .પર મળી શકે છે.

લોકો દારૂ શા માટે પીવે છે?

૨૦૨૧ માં ઇંગ્લેન્ડમાં કરાયેલા એક અભ્યાસમાં, પૂછાયેલા લોકોમાંથી લગભગ અડધાથી થોડા ઓછા લોકોએ જણાવ્યું કે તેઓ અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત દારૂ પીતા હતા.

લોકો વિવિધ કારણોસર દારૂ પીવે છે. કેટલાક લોકો મજા માટે અથવા આરામ મેળવવા માટે દારૂ પીવે છે. અન્ય લોકો જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા માટે દારૂ પીવે છે.

દારૂ લોકો પર અલગ અલગ રીતે અસર કરે છે. કેટલાક લોકોને લાગે છે કે તેઓ ક્યારેક દારૂ પી શકે છે અને તેનો આનંદ માણી શકે છે, અને તેની તેમની પર નકારાત્મક અસર થતી નથી. અન્ય કેટલાક લોકો વધુ દારૂ ન પીવા માટે સંઘર્ષ કરે છે અથવા દારૂ પીધા પછી તેઓ એવી હરકતો કરે છે જેનો તેમને પાછળથી પસ્તાવો થાય છે.

કેટલાક લોકો સંપૂર્ણપણે દારૂ ન પીવાનું પસંદ કરે છે. તેના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં સમાવેશ થાય છે:

  • તેમને નશાની લાગણી ગમતી નથી
  • તેમને તેનો સ્વાદ ગમતો નથી
  • તે તેમને અસ્વસ્થ અથવા ખૂબ ઊંઘાળું બનાવે છે
  • તેમના આરોગ્યને ટેકો આપવા માટે
  • ધાર્મિક કારણોસર

અને કેટલાક લોકો માત્ર ન પીવાનું પસંદ કરે છે.

આલ્કોહોલિક પીણાં કેટલા તીવ્ર છે તે હું કેવી રીતે જાણી શકું?

આલ્કોહોલિક પીણાંની તીવ્રતા જાણવા માટે બે રીતો છે:

  • યુનિટ્સ – લોકો કેટલો દારૂ પીવે છે તે ગણવું સરળ બને તે માટે યુનિટ્સની પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. વિવિધ દેશોમાં યુનિટ્સ અલગ રીતે માપવામાં આવે છે. UKમાં એક યુનિટનો અર્થ 10 મિ.લી. (અથવા 8 ગ્રામ) શુદ્ધ દારૂ થાય છે.
  • આલ્કોહોલ બાય વોલ્યુમ (ABV) – તેનો અર્થ એ છે કે પીણામાં કેટલો શુદ્ધ દારૂ છે.

ઉદાહરણ

તમારી પાસે ૭૫૦ મિ.લી. અથવા ૭૫ સેન્ટીલિટર વાઇનની બોટલ છે. બોટલ પર ૧૨% ABV લખેલું છે, એટલે કે તેમાં ૧૨% શુદ્ધ દારૂ છે. આ વાઇનની બોટલમાં ૯ યુનિટ્સ દારૂ છે.

તુલનાત્મક રીતે, ૧૦૦ મિ.લી. અથવા ૧૦ સેન્ટીલિટર વોડકાની બોટલ સામાન્ય રીતે ૪૦% ABV હોય છે, એટલે તેમાં ૪૦ યુનિટ્સ હોય છે. આ માહિતીપત્રના અંતે આપેલા આલ્કોહોલ યુનિટ્સ માર્ગદર્શિકામાં વિવિધ પીણાંના યુનિટ્સ અને ABV દર્શાવતું કોષ્ટક જોઈ શકો છો.

Diagram showing alcohol percentages in Gujarati

 

કેટલો દારૂ પીવો સુરક્ષિત ગણાય?

દારૂના સેવનનું કોઈ સંપૂર્ણપણે "સુરક્ષિત" સ્તર નથી, કારણ કે દરેક વ્યક્તિનું શરીર અલગ રીતે કાર્ય કરે છે. દારૂ તમારી પર કેવી અસર કરશે તે ચોક્કસ રીતે ક્યારેય જાણી શકાતું નથી.

દારૂ પીતા પુખ્ત વયના લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ એક અઠવાડિયામાં ૧૪ યુનિટથી વધુ દારૂ ન પીવે જેથી નુકસાનના જોખમને મર્યાદિત કરી શકાય. આ આશરે નીચે મુજબ છે:

  • 3% ABVથી ઓછી તાકાતવાળી બીયરના ૫ પાઇન્ટ અથવા
  • ૧૨% વાઇનના ૧૦ નાના (૧૨૫ મિ.લી.) ગ્લાસ.

આ યુનિટ્સ અઠવાડિયા દરમિયાન વહેંચીને પીવા જોઈએ, અને વચ્ચે કેટલાક દિવસો એવા હોવા જોઈએ જ્યારે તમે બિલકુલ દારૂ ન પીવો.

દરેક વ્યક્તિએ 'બિંજ ડ્રિંકિંગ' ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. 'બિંજ ડ્રિંકિંગ'નો અર્થ પુરુષો માટે એક દિવસે ૮ યુનિટથી વધુ અને સ્ત્રીઓ માટે એક દિવસે ૬ યુનિટથી વધુ દારૂ પીવું થાય છે.

હું વધુ દારૂ પીવાથી કેવી રીતે બચી શકું?

જો તમને લાગે કે તમે વધુ દારૂ પીવા લાગ્યા છો અને તમે તમારા પીવાના પ્રમાણ પર વધુ નિયંત્રણ મેળવવા માંગો છો:

  • સમય જતાં તમે કેટલું પીવો છો તે ઘટાડવા માટે તમારા માટે લક્ષ્યાંકો નક્કી કરો.
  • એવા લોકો અથવા પરિસ્થિતિઓ સાથે સમય પસાર કરવાનું ટાળો જે તમને વધુ પીવા પ્રોત્સાહિત કરે.
  • ઓછી તાકાતવાળા પીણાં પસંદ કરો, જેમ કે ઓછી અથવા શૂન્ય આલ્કોહોલ ધરાવતી બીયર અથવા વાઇન.
  • એવી પ્રવૃત્તિઓ વિશે વિચારો જેમાં દારૂ પીવાની જરૂર ન પડે.
  • તમારા જીવનસાથી અથવા મિત્રને તેમાં સામેલ કરો. તમે સાથે મળીને એક લક્ષ્ય નક્કી કરી શકો છો અને આ માહિતીપત્રના અંતે આપેલા આલ્કોહોલ ટ્રેકરનો ઉપયોગ કરીને તમારી પ્રગતિ નોંધાવી શકો છો.
  • તમારા જી.પી. (જનરલ પ્રેક્ટિશનર) સાથે આ અંગે ચર્ચા કરો. ઘણા લોકો માટે આ સરળ પગલું તેમના પીવાના પ્રમાણમાં ઘટાડો કરવામાં મદદરૂપ બને છે.

તમારા પીવાના પ્રમાણને નિયંત્રિત કરવા માટે લક્ષ્યાંકો નક્કી કરતી વખતે તેમને સ્પષ્ટ, માપી શકાય એવા, પ્રાપ્ત કરી શકાય એવા, વાસ્તવિક અને સમયમર્યાદા ધરાવતા બનાવવાનો પ્રયાસ કરો. આથી તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવાની શક્યતા વધી જશે.

શું દારૂ વૃદ્ધ લોકોને અલગ રીતે અસર કરે છે?

ઉંમર વધતાં આપણા શરીરમાં ફેરફારો થાય છે અને શરીર દારૂને ધીમે ધીમે તોડે છે. તેના કારણે વૃદ્ધ લોકો દારૂની અસરો પ્રત્યે વધુ સંવેદનશીલ બની શકે છે.

કેટલાક કારણોસર વૃદ્ધ લોકો માટે દારૂ પીવું વધુ જોખમી બની શકે છે, જેમાં સમાવેશ થાય છે:

  • આરોગ્ય સમસ્યાઓ – વૃદ્ધ લોકોને અન્ય આરોગ્ય સમસ્યાઓ હોવાની શક્યતા વધુ હોય છે. તે તેમને દારૂની અસરો માટે વધુ સંવેદનશીલ બનાવી શકે છે.
  • પડવાનો જોખમ – સામાન્ય રીતે ઉંમર વધતાં પ્રતિભાવ આપવાની ક્ષમતા અને સંતુલન ઘટે છે. દારૂ તમને વધુ અસ્થિર બનાવી શકે છે, તેથી વૃદ્ધ લોકો પીધા પછી વધુ પડવાની શક્યતા ધરાવે છે.
  • દવાઓ – કેટલીક એવી દવાઓ છે જે વૃદ્ધ લોકો વધુ પ્રમાણમાં લે છે અને જે દારૂ સાથે પ્રતિક્રિયા કરીને જોખમ ઊભું કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે લોહી પાતળું કરતી દવાઓ લેતા હો અને દારૂ પીતા હો, તો ઈજા થવા પર રક્તસ્રાવનું જોખમ વધી શકે છે. અને જો તમે કેટલીક એન્ટિબાયોટિક્સ લેતા હો ત્યારે દારૂ પીવો, તો તમને ખૂબ અસ્વસ્થતા થઈ શકે છે.
  • ભૂલકણાપણું – ક્યારેક લોકો વધુ ભૂલકણા બનતા જાય છે અથવા ડિમેન્શિયા વિકસાવે છે, જેના કારણે તેઓ કેટલો દારૂ પી રહ્યા છે તે ભૂલી જાય છે. જો આવું તમારી સાથે થાય, તો તમને ખબર પડ્યા વગર તમે વધુ દારૂ પીવા લાગી શકો છો.

દારૂ પીવું કે ન પીવું એ વ્યક્તિગત નિર્ણય છે. તે ઘણા વિવિધ પરિબળો પર આધાર રાખે છે. જો તમને ચિંતા હોય કે દારૂ તમારા આરોગ્યને અસર કરી રહ્યો છે અથવા તમારી દવાઓ સાથે પ્રતિક્રિયા કરી શકે છે, તો તમારા જી.પી. (જનરલ પ્રેક્ટિશનર) સાથે વાત કરો.

દારૂ મગજને કેવી રીતે અસર કરે છે?

દારૂ 'ન્યૂરોટ્રાન્સમિતર' કહેવાતા મગજના રસાયણોના કાર્યને અસર કરે છે. દારૂથી મુખ્યત્વે અસર પામતા ન્યૂરોટ્રાન્સમિતર GABA અને Glutamate છે. આ બંને વિરુદ્ધ રીતે કાર્ય કરે છે.

  • GABA મગજ અને શરીરને 'શાંત' કરે છે. દારૂ GABAની અસર વધારે છે, તેથી ઓછી માત્રામાં દારૂ તમને વધુ શાંત અથવા ઓછી ચિંતિત લાગણી આપી શકે છે.
  • Glutamate મગજ અને શરીરને 'ઉત્તેજિત' કરે છે. દારૂ Glutamate ની અસર ઘટાડે છે, તેથી આલ્કોહોલ પીવાથી તમે ઓછા સતર્ક અનુભવી શકો છો.

દારૂ થાઇમિન અને મેગ્નેશિયમ જેવા વિટામિન્સ અને અન્ય આવશ્યક પોષક તત્ત્વો શોષવાની ક્ષમતા પણ ઘટાડે છે, જે મગજના યોગ્ય કાર્ય માટે જરૂરી છે.

દારૂ માનસિક સ્વાસ્થ્ય ને કેવી રીતે અસર કરે છે?

દારૂ પીવાથી તમારા માનસિક સ્વાસ્થ્ય પર વિવિધ રીતે નકારાત્મક અસર પડી શકે છે:

  • જો તમે ઘણો દારૂ પીવો છો અથવા દરરોજ પીવો છો, તો સમય જતાં તે તમારા મૂડ પર નકારાત્મક અસર કરી શકે છે. આવું કેમ થાય છે તેની વધુ માહિતી તમને આ માહિતીપત્રમાં આગળ મળશે.
  • જો તમને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય અથવા તમને કોઈ માનસિક બીમારીનું નિદાન થયું હોય, તો દારૂ પીવાથી સ્થિતિ વધુ ખરાબ બની શકે છે. દારૂ પીવાથી સ્વ-નુકસાન (self-harm) અને આત્મહત્યાનું જોખમ પણ વધી શકે છે.
  • જો તમને પહેલેથી જ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા હોય, તો તમે સારું અનુભવવા માટે દારૂ પીતા હોઈ શકો છો. પરંતુ તેની અસર ઘણીવાર તેના વિરુદ્ધ થઈ શકે છે.

દારૂ માનસિક સ્વાસ્થ્ય ને શા માટે અસર કરે છે?

દારૂ પીવાથી માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થવાના ઘણા કારણો છે, જેમાં સમાવેશ થાય છે:

  • મગજની રસાયણશાસ્ત્ર – દારૂ મગજની રસાયણિક પ્રક્રિયાઓને અસર કરે છે, જેના કારણે હતાશા, પેનિક ડિસઓર્ડર અને આવેગપૂર્ણ વર્તન નું જોખમ વધી શકે છે.
  • હેંગઓવર – જો તમને હેંગઓવર હોય, તો તમે અસ્વસ્થ, ચિંતિત અને અશાંત અનુભવી શકો છો. જો આવું વારંવાર થાય, તો તે તમારા માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.
  • જીવનના પડકારો – જો તમને દારૂ સંબંધિત સમસ્યા વિકસે, તો તમારું જીવન વધુ મુશ્કેલ બની શકે છે. દારૂ પીવાની આદત તમારા સંબંધો, કામ, મિત્રતા અથવા જાતીય જીવનને અસર કરી શકે છે.

જો હું દારૂ પીવાનું બંધ કરું અથવા ઓછું કરું, તો શું મારા માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થશે?

સામાન્ય રીતે, દારૂ ઓછો કરવાથી અથવા બંધ કરવાથી તમારા માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર થઈ શકે છે. જો દારૂ તમને ખરાબ અનુભવ કરાવતો હોય, તો થોડા અઠવાડિયા સુધી ન પીવાથી તમે શારીરિક અને માનસિક રીતે વધુ સારું અનુભવવા લાગી શકો છો. પરંતુ દારૂ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેનો સંબંધ જટિલ છે, ખાસ કરીને એવા લોકો માટે જેમણે આઘાતજનક અનુભવો (trauma) ભોગવ્યા હોય અને જેમને મૂળભૂત પડકારોનો સામનો કરવા માટે મદદની જરૂર હોય જેથી તેઓ દારૂનો ઉપયોગ બંધ કરી શકે.

જો તમને દારૂનો ઉપયોગ બંધ કરવામાં મુશ્કેલી પડી રહી હોય અથવા દારૂ તમારા માનસિક આરોગ્યને વધુ ખરાબ બનાવી રહ્યો હોય, તો તમારા જી.પી. (જનરલ પ્રેક્ટિશનર) સાથે વાત કરો. તમારી માનસિક સ્વાસ્થ્ય સમસ્યા ઓ પાછળ કોઈ બીજું કારણ પણ હોઈ શકે છે અને તમને વધુ મદદની જરૂર પડી શકે છે. ઉદાહરણ તરીકે, મનોવૈજ્ઞાનિક ઉપચાર (psychological therapy) અથવા દવાઓ દ્વારા.

જો મને પહેલેથી કોઈ માનસિક બીમારી હોય તો શું હું દારૂ પી શકું?

જો તમને માનસિક બીમારી હોય અથવા તમે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હો અને હાલમાં દારૂ ન પીતા હો, તો સૌથી સારું એ છે કે દારૂ પીવાનું શરૂ ન કરો. જો તમને માનસિક બીમારી હોય તો દારૂ પીવાથી તમારા મૂડ પર નકારાત્મક અસર થઈ શકે છે અને તમારી સમસ્યાઓ વધુ ખરાબ બની શકે છે. તે કેટલીક દવાઓના પ્રભાવમાં પણ વિક્ષેપ પેદા કરી શકે છે.

જો તમને પહેલેથી માનસિક સ્વાસ્થ્ય સમસ્યા હોય અથવા તમને માનસિક બીમારીનું નિદાન થયું હોય, તો દારૂ પીવાથી તમારા પર શું અસર પડી શકે તે અંગે તમારા જી.પી. (જનરલ પ્રેક્ટિશનર) સાથે વાત કરો. જો તમે કેટલીક ખાસ દવાઓ લેતા હો, તો તમારા જી.પી. (જનરલ પ્રેક્ટિશનર) તમને દારૂ ન પીવાની સલાહ આપી શકે છે.

દારૂ પીવાના ટૂંકાગાળાના પ્રભાવો શું છે?

દારૂ ની કેટલીક સકારાત્મક અસરો પણ હોઈ શકે છે. ઓછી માત્રામાં તે તમને નીચે મુજબ અનુભવ કરાવી શકે છે:

  • ખુશ
  • શાંત
  • વધુ વાતુડીયા
  • આત્મવિશ્વાસપૂર્ણ.

દારૂ કેટલીક શરમજનક અથવા સંભવિત રીતે જોખમી અસરો પણ પેદા કરી શકે છે, જેમ કે:

  • ઊંઘાળું લાગવું
  • અણઘડ અથવા ગબડિયું બની જવું
  • અસ્પષ્ટ અથવા લથડતી બોલી થવી.

    તમે જેટલો વધુ દારૂ પીશો, તેટલો તે તમારા આત્મનિયંત્રણ અને નિર્ણયક્ષમતાને અસર કરશે. તેનો અર્થ એ થઈ શકે છે કે તમે:

  • એવી બાબતો કરો જે તમે સામાન્ય રીતે ન કરતા હો
  • એવી વાતો કહો જે તમે સામાન્ય રીતે ન કહેતા હો
  • જોખમી અથવા બેદરકારીભર્યા કાર્યો કરો
  • દારૂ પીધા દરમિયાન તમે શું કર્યું હતું તે ભૂલી જાઓ
  • આગલા દિવસે હેંગઓવરનો અનુભવ કરો.

દારૂ લોકો પર અલગ અલગ રીતે અસર કરે છે. કેટલાક લોકોને આ બાબતો ત્યારે પણ અનુભવાય છે જ્યારે તેઓ વારંવાર અથવા મોટી માત્રામાં દારૂ પીતા નથી.

હેંગઓવર

હેંગઓવર ત્યારે થાય છે જ્યારે તમે દારૂ પીધા પછી પીવાનું બંધ કરો અને તમારા શરીરમાં દારૂ નું સ્તર ઘટવા લાગે. આ સામાન્ય રીતે દારૂ પીવાનું બંધ કર્યા પછી થોડા કલાકોમાં થાય છે, પરંતુ તમે જાગો ત્યાં સુધી તમને તેની ખબર ન પણ પડે. જો તમને હેંગઓવર હોય, તો તમને નીચે મુજબ અનુભવ થઈ શકે છે:

  • તમારા માથામાં દુખાવો થાય છે
  • તમને ઉબકા આવે છે
  • તમને ઊંઘવામાં મુશ્કેલી પડે છે
  • તમે ચીડિયાપણું અને ચિંતા અનુભવો છો.

આ લાગણીઓ દારૂ અને દારૂયુક્ત પીણાંમાં રહેલા અન્ય રસાયણોના કારણે થાય છે, જે તમારા શરીરમાં પાણીની અછત (ડિહાઇડ્રેશન) પેદા કરે છે અને તમારા લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડે છે.

હેંગઓવર સંપૂર્ણપણે દૂર કરવાની કોઈ રીત નથી. પરંતુ, તમારે પાણી પીવું જોઈએ અને તમારા શરીરને સંપૂર્ણપણે સાજું થવા માટે સમય મળે ત્યાં સુધી ફરી દારૂ પીવાનું ટાળવું જોઈએ.

જો તમને દારૂ પીધા પછી હેંગઓવર થતું ન હોય, તો તે જરૂરી નથી કે સારી બાબત જ હોય. હેંગઓવર ન થવું એ સંકેત હોઈ શકે છે કે તમારું શરીર વધુ દારૂ પીવાની આદત પાડી ચૂક્યું છે, અને તેનો અર્થ એ પણ હોઈ શકે છે કે તમે દારૂ પર નિર્ભર બની ગયા છો.

બ્લેકઆઉટ્સ

બ્લૅકઆઉટ ત્યારે થાય છે જ્યારે તમે ટૂંકા સમયગાળામાં ઘણો દારૂ પી લો અને નશાની સ્થિતિ દરમિયાન શું થયું હતું તે યાદ રાખવામાં અસમર્થ રહો. તમે શું કહ્યું હતું, શું કર્યું હતું અથવા તમે ક્યાં હતા તે પણ યાદ ન રહી શકે. બ્લેકઆઉટ દરમિયાન તમે એવી બાબતો કરી શકો છો જેનો તમને પછી પસ્તાવો થાય, જોખમી પરિસ્થિતિમાં ફસાઈ શકો અથવા અન્ય લોકો દ્વારા નુકસાન પહોંચાડાવાનું જોખમ વધી શકે.

બ્લેકઆઉટ થાય છે કારણ કે દારૂ તમારા મગજને નવી યાદો બનાવતા અટકાવે છે. બ્લેકઆઉટ એ ચેતવણી છે કે તમે ખૂબ જ દારૂ પી રહ્યા છો. તે એનો પ્રારંભિક સંકેત પણ છે કે દારૂ તમારા મગજને નુકસાન પહોંચાડી રહ્યો છે અને તમે દારૂ પર નિર્ભર હોઈ શકો છો.

દારૂનું ઝેર ચડવું

દારૂનું ઝેર ત્યારે ચડે છે જ્યારે તમે એટલો દારૂ પી લો કે તમારા શરીરમાં દારૂનું સ્તર જોખમી બની જાય. દારૂનું ઝેર ચડવાથી તમારો શ્વાસ ધીમો પડી શકે છે, તમે બેભાન થઈ શકો છો અથવા તમને આંચકી આવી શકે છે, અને તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.  

NHS વેબસાઇટ પર એવા સંકેતોની યાદી આપવામાં આવી છે કે તમને અથવા તમે ઓળખતા કોઈ વ્યક્તિનેદારૂનું ઝેર ચડ્યું હોઈ શકે છે.

જો તમને લાગે કે તમને અથવા તમે ઓળખતા કોઈને દારૂનું ઝેર ચડ્યું છે, તો તરત જ ૯૯૯ પર ફોન કરો.

દારૂ પીવાના લાંબા ગાળાના પ્રભાવો શું છે?

દારૂ અને શરીર

જો તમે લાંબા સમય સુધી વારંવાર અથવા ઘણો દારૂ પીતા હો, તો તમને નીચેની સમસ્યાઓનું જોખમ વધુ રહે છે:

  • શારીરિક ઇજા
  • લોહીનું ઉચ્ચ દબાણ
  • હૃદયની નિષ્ફળતા
  • સ્ટ્રોક
  • પેન્ક્રિયાટાઇટિસ – જેમાં અગ્ન્યાશયમાં સોજો આવે છે અને તેને નુકસાન થાય છે
  • યકૃતનો રોગ – દારૂથી સંબંધિત યકૃત રોગ તબક્કાવાર વિકસે છે. તેના કારણે યકૃતને કાયમી નુકસાન થઈ શકે છે અને તેમાં ડાઘ પડી શકે છે
  • કૅન્સર, જેમાં યકૃત, મોં, માથું અને ગરદન, સ્તન તથા આંતરડાના કૅન્સરનો સમાવેશ થાય છે
  • નપુંસકતા અથવા સમય પહેલાં સ્ખલન જેવી જાતીય સમસ્યાઓ
  • વંધ્યત્વ
  • મગજને નુકસાન – આ માહિતીપત્રમાં આગળ આપેલા દારૂથી સંબંધિત મગજને નુકસાન વિષયક વિભાગ જુઓ

દારૂ પર નિર્ભરતા

દારૂ પર નિર્ભરતાને દારૂની લત અથવા મદ્યપાન તરીકે પણ ઓળખવામાં આવે છે. દારૂ પર નિર્ભર વ્યક્તિને ક્યારેક ‘મદ્યપ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાંથી કેટલાક શબ્દો કેટલાક લોકોને કલંક જનક લાગી શકે છે.

UKમાં લગભગ દર ૧૦૦ પુખ્ત વયના લોકોમાંથી ૧ વ્યક્તિ દારૂ પર નિર્ભર છે. જો તમે દારૂ પર નિર્ભર હો, તો તમે:

  • દારૂ પીવાની તીવ્ર ઇચ્છા અનુભવી શકો છો
  • તમે કેટલો દારૂ પીવો છો તે નિયંત્રિત કરવામાં મુશ્કેલી અનુભવી શકો છો
  • તમારા જીવન પર તેની નકારાત્મક અસર થતી હોવા છતાં દારૂ પીવાનું ચાલુ રાખી શકો છો.

દારૂ પર નિર્ભર બનવા માટે તમારે ચોક્કસ માત્રામાં દારૂ પીવો જ પડે અથવા સતત પીતા રહેવું જ પડે એવું નથી.

દારૂ પર નિર્ભર કેટલાક લોકોને નીચે મુજબના શારીરિક લક્ષણ પણ હોઈ શકે છે:

  • દારૂ પ્રત્યે સહનશક્તિ વિકસવી – જો તમે નિયમિતપણે ઘણો દારૂ પીતા હો, તો સમય જતાં તમારું મગજ તેની સકારાત્મક અસરો પ્રત્યે ઓછું પ્રતિભાવ આપશે. પહેલાં જેવી જ અસર મેળવવા માટે તમને વધુ માત્રામાં અથવા વધુ તાકાતવાળો દારૂ પીવો પડશે. તેનો અર્થ એ છે કે તમે દારૂ પ્રત્યે ‘સહનશીલ’ બની ગયા છો.
  • ઉપાડના લક્ષણો – જો તમે દારૂ પર નિર્ભર હો, તો તે તમારા મગજમાં GABA અને ગ્લુટામેટ ન્યૂરોટ્રાન્સમિતર વચ્ચેનું સંતુલન બદલી નાખશે. તેનો અર્થ એ છે કે જો તમે અચાનક દારૂ પીવાનું બંધ કરો અથવા ઓછું કરો, તો તમારું મગજ અતિપ્રતિક્રિયા કરશે. તે તમને ચિંતિત, ચીડિયાપણાવાળા, ધ્રુજારીવાળા અને પરસેવો આવતો બનાવી શકે છે. આને ઉપાડના લક્ષણો કહેવામાં આવે છે.

દારૂ છોડ્યા પછી થતો વિથડ્રૉલ સિન્ડ્રોમ

દારૂ છોડ્યા પછી થતો વિથડ્રૉલ સિન્ડ્રોમ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ઘણો દારૂ પીધા પછી દારૂ પીવાનું બંધ કરે.

તે સામાન્ય રીતે દારૂ પીવાનું બંધ કર્યા પછી એક કે બે દિવસમાં શરૂ થાય છે અને ત્રણ દિવસ સુધી રહી શકે છે.

દારૂ છોડ્યા પછીના વિથડ્રૉલ સિન્ડ્રોમ ધરાવતા લોકોને નીચેના કેટલાક શારીરિક લક્ષણ અનુભવાય છે:

  • ધ્રુજારી થવી
  • ઉબકા આવવા
  • ઊંઘવામાં મુશ્કેલી
  • હૃદયના ધબકારા ખૂબ ઝડપથી ધબકવા
  • લોહીનું ઉચ્ચ દબાણ
  • આંચકીઓ

અને નીચેના કેટલાક માનસિક લક્ષણો:

  • ભય
  • હતાશા
  • બેચેની
  • ભ્રમદૃશ્યો (એવી વસ્તુઓ જોવી, અનુભવવી અથવા સાંભળવી જે વાસ્તવમાં હાજર ન હોય)

દારૂ છોડ્યા પછી થતો ઉપાડ (વિથડ્રૉલ સિન્ડ્રોમ) એક ગંભીર તબીબી સ્થિતિ છે. જો તમને ઉપર જણાવેલ કોઈપણ લક્ષણો હોય, તો તમારે તમારા જી.પી. (જનરલ પ્રેક્ટિશનર) અથવા અન્ય આરોગ્ય વ્યવસાયી પાસેથી મદદ લેવી જોઈએ.

દારૂ છોડ્યા પછી થતો ઉપાડ (વિથડ્રૉલ સિન્ડ્રોમ) કેવી રીતે સારવાર કરવામાં આવે છે?

તેની સારવાર તેની ગંભીરતા પર આધાર રાખે છે. કેટલાક લોકો તબીબી સારવાર વગર દારૂ પીવાનું બંધ કરી શકે છે. પરંતુ, જેમના ઉપાડના લક્ષણો મધ્યમ અથવા ગંભીર હોય તેમને વ્યાવસાયિક સારવાર અને સહાયની જરૂર પડશે.

દારૂ છોડ્યા પછી થતો ઉપાડ (વિથડ્રૉલ સિન્ડ્રોમ) બેન્ઝોડાઈઝેપિન નામની દવાથી સારવાર કરી શકાય છે. જો તમને દારૂ છોડ્યા પછી થતો ઉપાડ (વિથડ્રૉલ સિન્ડ્રોમ) હોય, તો તમને ઘણા દિવસો સુધી અથવા તમારા ઉપાડના લક્ષણો બંધ થાય ત્યાં સુધી બેન્ઝોડાઈઝેપિન આપવામાં આવશે.

પછી બેન્ઝોડાઈઝેપિનની માત્રા ધીમે ધીમે ઘટાડવામાં આવશે અને ત્યારબાદ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. કારણ કે લાંબા સમય સુધી લેવાય તો બેન્ઝોડાઈઝેપિનની પણ લત લાગી શકે છે.

કેટલાક લોકોને દારૂ છોડ્યા પછીના ઉપાડ (વિથડ્રૉલ સિન્ડ્રોમ) માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે.

ડિલિરિયમ ટ્રેમન્સ

ડિલિરિયમ ટ્રેમન્સ (જેને DTs પણ કહેવામાં આવે છે) દારૂ છોડ્યા પછી થતી એક ગંભીર અને જોખમી જટિલતા છે. ‘ડિલિરિયમ’  એ ગૂંચવણ અને દિશાભ્રમની સ્થિતિનું વર્ણન કરે છે, જેમાં ઘણીવાર ભ્રમદૃશ્યો અને ખોટી માન્યતાઓ સામેલ હોય છે. ‘ટ્રેમન્સ’ એ ધ્રુજારી અથવા કંપારીનું વર્ણન કરે છે જે કોઈ વ્યક્તિ દારૂ છોડતી વખતે અનુભવે છે.

ડિલિરિયમ ટ્રેમન્સ એક તબીબી કટોકટી છે. ડિલિરિયમ ટ્રેમન્સ ધરાવતી વ્યક્તિના મૃત્યુનું જોખમ હંમેશા રહે છે. ડિલિરિયમ ટ્રેમન્સ ધરાવતા લોકોને તાત્કાલિક તબીબી સહાય માટે હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ.

ડિલિરિયમ ટ્રેમન્સના લક્ષણો શું છે?

જો તમને ડિલિરિયમ ટ્રેમન્સ હોય, તો તમને દારૂ છોડ્યા પછીના ઉપાડ (વિથડ્રૉલ સિન્ડ્રોમ)ના કેટલાક લક્ષણો ઉપરાંત નીચેના લક્ષણો પણ હોઈ શકે:

  • તમારી આસપાસ શું ચાલી રહ્યું છે તે સમજવામાં મુશ્કેલી પડવી
  • તમે ક્યાં છો, શા માટે ત્યાં છો અથવા કેટલો સમય થયો છે તે સમજવામાં તમને મુશ્કેલી પડી શકે છે
  • એવી વસ્તુઓ જોવી અથવા અવાજો સાંભળવા જે વાસ્તવમાં હાજર ન હોય, જેમ કે નાના પ્રાણીઓ, જંતુઓ, અવાજો અથવા અવાજ કરતી વ્યક્તિઓ
  • તમને એવું લાગવું કે તમે જોખમમાં છો
  • ડર અનુભવવો અથવા આક્રમક વર્તન કરવું

ડિલિરિયમ ટ્રેમન્સ ખૂબ જોખમી છે અને તેના કારણે થઈ શકે:

  • શરીરમાં પાણીની અછત
  • રાસાયણિક અસંતુલન
  • હૃદય પર ભાર પડવો
  • ચેપ સામે લડવાની ક્ષમતા ઘટી જવી.

ડિલિરિયમ ટ્રેમન્સની સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

જો તમને ડિલિરિયમ ટ્રેમન્સ હોય, તો તમારે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે. અહીં તમને દારૂ છોડવાના પ્રભાવની ગંભીરતા ઘટાડવા માટે સારવાર આપવામાં આવશે. આ સામાન્ય રીતે બેન્ઝોડાઈઝેપિન દવા હશે.

આલ્કોહોલિક હેલ્યુસિનોસિસ

આલ્કોહોલિક હેલ્યુસિનોસિસ એવી સ્થિતિ છે જેમાં તમે નશામાં ન હો અથવા અચાનક દારૂ પીવાનું બંધ ન કર્યું હોય છતાં તમને અવાજો, લોકો બોલતા હોય તેવા અવાજો અથવા સંગીત સંભળાય છે. જો તમે નિયમિતપણે દારૂ પીતા હો અને દારૂ પર નિર્ભર બની ગયા હો, તો આ થઈ શકે છે. આ ડિલિરિયમ ટ્રેમન્સથી અલગ છે. દારૂ પીવાનું બંધ કર્યા પછી પણ આલ્કોહોલિક હેલ્યુસિનોસિસ ચાલુ રહી શકે છે.

દારૂ સંબંધિત મગજને નુકસાન

દારૂથી સંબંધિત મગજને નુકસાન (ARBD) ત્યારે થઈ શકે છે જ્યારે તમે લાંબા સમય સુધી દરરોજ વધુ પ્રમાણમાં દારૂ પીતા હો.

અભ્યાસો સૂચવે છે કે દારૂ પર નિર્ભર એવા દર ૧૦માંથી લગભગ ૩ લોકોને ARBD હોઈ શકે છે.

ARBD સાથે સંકળાયેલા સ્મૃતિ અને વિચારશક્તિના ફેરફારો સૌથી વધુ નીચેના લોકોમાં જોવા મળે છે:

  • જે સ્ત્રીઓ પાંચ વર્ષ કે તેથી વધુ સમય સુધી દર અઠવાડિયે ૫૦ યુનિટથી વધુ દારૂ પીતી હોય
  • જે પુરુષો પાંચ વર્ષ કે તેથી વધુ સમય સુધી દર અઠવાડિયે ૬૦ યુનિટથી વધુ દારૂ પીતા હોય.

ARBD સામાન્ય રીતે ૫૦ વર્ષની આસપાસના લોકોને અસર કરે છે, પરંતુ કોઈપણ ઉંમરે થઈ શકે છે. વધુ પ્રમાણમાં દારૂ પીતી સ્ત્રીઓમાં સ્મૃતિ અને વિચારશક્તિની સમસ્યાઓ પુરુષોની તુલનામાં વહેલી જોવા મળે છે.

દારૂ મગજને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

લાંબા સમય સુધી વધુ પ્રમાણમાં દારૂ પીવાથી એવી ઘણી બાબતો થાય છે જે મગજને નુકસાન પહોંચાડી શકે છે, જેમાં સમાવેશ થાય છે:

  • નસોના કોષોને નુકસાન – જેના કારણે સ્મૃતિ સંબંધિત સમસ્યાઓ અને વર્તનમાં ફેરફારો થાય છે.
  • વિટામિનની ઊણપ – દારૂ તમારા શરીર માટે વિટામિન B1 અને અન્ય પોષક તત્ત્વો શોષવાનું વધુ મુશ્કેલ બનાવે છે. પૂરતું વિટામિન B1 ન મળવાથી તમારા મગજના કોષોને નુકસાન થઈ શકે છે. જો તમે ઘણો દારૂ પીતા હો, તો તમે યોગ્ય રીતે ખાવાનું પણ ભૂલી શકો છો, જેના કારણે પોષણની વધુ ઉણપો સર્જાઈ શકે છે.
  • મગજમાં રક્ત પુરવઠો – જો તમે ઘણો દારૂ પીતા હો, તો તમને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે, જે તમારા મગજમાં રક્ત પુરવઠાને નુકસાન પહોંચાડી શકે છે.
  • માથાની ઇજાઓ – જો તમે ઘણો દારૂ પીતા હો, તો તમને માથાની ઇજાઓ થવાની શક્યતા વધુ રહે છે. આ ઇજાઓ તમારા મગજને સીધું નુકસાન પહોંચાડી શકે છે.
  • સેરેબેલમને નુકસાન – મગજનો આ ભાગ સંતુલન અને ચાલવા માટે જવાબદાર છે. દારૂના ઉપયોગથી તેને ગંભીર અસર થઈ શકે છે અને પડવાનુ જોખમ વધી શકે છે.
  • મગજનું સંકોચન – ઉંમર વધતાં આપણું મગજ સ્વાભાવિક રીતે નાનું થવા અથવા સંકોચાવા લાગે છે. પરંતુ સંશોધન દર્શાવે છે કે વધુ પ્રમાણમાં દારૂ પીવાથી આ સંકોચન વધુ વધી શકે છે.

હું કેવી રીતે જાણી શકું કે દારૂ મારા મગજને નુકસાન પહોંચાડી રહ્યો છે?

જો દારૂ તમારા મગજને નુકસાન પહોંચાડી રહ્યો હોય, તો તમે નીચેના ફેરફારો નોંધશો:

  • વધુ ચીડિયાપણાવાળા બની જવુ
  • એકાગ્રતા રાખવામાં મુશ્કેલી પડે અને આસપાસની વસ્તુઓ અથવા પોતાના વિચારોને કારણે સહેલાઈથી ધ્યાન ભંગ થાય
  • પોતાની યોગ્ય સંભાળ લેવાનું બંધ કરી દો
  • લાંબા સમયગાળાની ઘટનાઓ અથવા તમે શું કર્યું હતું તે યાદ ન રહી શકે
  • તમારા સંયમમાં ઘટાડો થાય અને તમે નીચે મુજબ વર્તવા લાગો:
    • અયોગ્ય વાતો કહો, જેમ કે અન્ય લોકોને દુઃખ પહોંચાડવું અથવા ધમકી આપવી
    • અન્ય લોકો પ્રત્યે શારીરિક, ભાવનાત્મક અથવા જાતીય રીતે અપમાનજનક વર્તન કરવું.

આ ફેરફારો મગજના આગળના ભાગ પર દારૂની અસરને કારણે થાય છે, જે વર્તન અને સામાજિક સંબંધોને નિયંત્રિત કરે છે.

ARBDના કયા પ્રકારો છે?

ARBDના વિવિધ પ્રકારો છે, જેમાં સમાવેશ થાય છે:

  • વર્નિકીસ એન્સેફેલોપથી
  • કોર્સાકોફ્સ સિન્ડ્રોમ
  • દારૂથી સંબંધિત ડિમેન્શિયા

વર્નિકીસ એન્સેફેલોપથી

વર્નિકીસ એન્સેફેલોપથી ત્યારે થાય છે જ્યારે તમારા શરીરમાં વિટામિન B1 ની અછત થઈ જાય છે. જો તમને વર્નિકીસ એન્સેફેલોપથી હોય, તો નીચેની ત્રણ બાબતોમાંથી એક અથવા વધુ અચાનક થઈ શકે છે:

  • તમે ગૂંચવણ અને દિશાભ્રમનો અનુભવ કરશો, જેમ કે તમે ક્યાં છો અથવા કેટલો સમય થયો છે તે ન જાણવું
  • તમારા પગ પરનું સંતુલન ગુમાવી બેસશો
  • તમારી આંખો ઝડપથી એક બાજુથી બીજી બાજુ હલવા લાગશે (જેને 'નિસ્ટેગ્મસ' કહેવામાં આવે છે)

આ ત્રણમાંથી, મોટાભાગના લોકો (૮૦%) માં માત્ર ગૂંચવણના લક્ષણો જોવા મળે છે.

વર્નિકીસ એન્સેફેલોપથી જીવલેણ હોઈ શકે છે, પરંતુ જો ઝડપથી સારવાર મળે તો તેની સારવાર શક્ય છે. વર્નિકીસ એન્સેફેલોપથીની સારવારમાં વિટામિન B1 ના ઇન્જેક્શનો આપવામાં આવે છે. આ સામાન્ય રીતે હોસ્પિટલમાં 'ડ્રિપ' દ્વારા અથવા ઘરે ઇન્જેક્શન રૂપે આપવામાં આવે છે.

જો તમને અથવા તમે ઓળખતા કોઈ વ્યક્તિમાં વર્નિકીની એન્સેફેલોપથીના લક્ષણો દેખાય, તો તરત જ ૯૯૯ પર ફોન કરો.

વર્નિકીસ એન્સેફેલોપથી સામાન્ય રીતે ઘણા દિવસો સુધી રહે છે. દુર્ભાગ્યવશ, ક્યારેક તેને ઓળખવામાં ભૂલ થાય છે અથવા તેને માત્ર નશાની સ્થિતિ સમજી લેવામાં આવે છે. જો સારવાર ન કરવામાં આવે, તો વર્નિકીસ એન્સેફેલોપથી ધરાવતી વ્યક્તિમાં કાયમી યાદશક્તિ ની સમસ્યાઓ વિકસી શકે છે. આને કોર્સાકોફ્સ સિન્ડ્રોમ કહેવામાં આવે છે.

કોર્સાકોફ્સ સિન્ડ્રોમ

કોર્સાકોફ્સ સિન્ડ્રોમ ત્યારે થાય છે જ્યારે વર્નિકીસ એન્સેફેલોપથીની સારવાર કરવામાં આવતી નથી. જો તમે કોર્સાકોફ્સ સિન્ડ્રોમ વિકસાવી લીધું હોય, તો તમારામાં મગજને નુકસાનના નીચેના લક્ષણો જોવા મળી શકે છે:

  • વ્યક્તિત્વમાં ફેરફારો
  • તાજેતરમાં બનેલી કોઈપણ બાબત યાદ રાખવામાં અસમર્થતા. તમે હજુ પણ વાંચી, લખી અને એકાગ્રતા રાખી શકતા હોઈ શકો છો.
  • નવી બાબતો શીખવામાં મુશ્કેલી
  • રોગ શરૂ થાય તે પહેલાંની ઘટનાઓની યાદો ગુમાવી બેસવી
  • 'કોન્ફેબ્યુલેશન' – એટલે કે તમારી યાદશક્તિમાં રહેલી ખાલી જગ્યાને તમે ખોટી માહિતીથી ભરવાનો પ્રયાસ કરો. ઉદાહરણ તરીકે, જૂની યાદને ખોટા સંદર્ભમાં ઉપયોગમાં લેવી. તમને ખબર નહીં હોય કે તમે આવું કરી રહ્યા છો, પરંતુ અન્ય લોકોને તેની જાણ થઈ શકે છે.

દારૂથી સંબંધિત ડિમેન્શિયા

ડિમેન્શિયા  એ યાદશક્તિ ની સમસ્યાઓ તથા વિચારશક્તિ અને વ્યક્તિત્વમાં થતા એવા ફેરફારો માટેનો સામાન્ય શબ્દ છે, જે સમય જતાં વધુ ખરાબ થતા જાય છે. ડિમેન્શિયા વૃદ્ધ લોકોમાં વધુ સામાન્ય છે.

દારૂ ડિમેન્શિયાનું કારણ બની શકે છે કારણ કે તે મગજના કોષોને નુકસાન પહોંચાડે છે. દારૂ સંબંધિત ડિમેન્શિયા નીચેની બાબતોમાં સમસ્યાઓ ઊભી કરે છે:

  • યાદશક્તિ
  • સમસ્યાઓ ઉકેલવાની કુશળતાઓ
  • વ્યક્તિત્વમાં ફેરફાર.

ડિમેન્શિયાના અન્ય પ્રકારોથી વિપરીત, જો તમને દારૂ સંબંધિત ડિમેન્શિયા હોય, તો તમે તમારી ભાષાકીય કુશળતા ગુમાવશો નહીં. પરંતુ આ કારણે અન્ય લોકો માટે એ સમજવું મુશ્કેલ બની શકે છે કે તમને દારૂ સંબંધિત ડિમેન્શિયા થઈ ગયું છે. દારૂ સંબંધિત ડિમેન્શિયાના લક્ષણોને તમે નશામાં હોવા તરીકે ભૂલથી સમજી શકાય છે. ઉદાહરણ તરીકે, જો તમને પ્રેરણા ઓછી થાય અથવા તમે અયોગ્ય રીતે વર્તતા હોવ.

ડિમેન્શિયાના મોટા ભાગના પ્રકારો સમય જતાં વધુ ખરાબ બનતા જાય છે. પરંતુ જો દારૂ સંબંધિત ડિમેન્શિયા ધરાવતી વ્યક્તિ દારૂ પીવાનું બંધ કરે, તો તેમની સમસ્યાઓ વધુ ખરાબ થવાનું બંધ થઈ શકે છે અને તેમાં સુધારો પણ થઈ શકે છે.

શું હું દારૂ સંબંધિત મગજના નુકસાનમાંથી સાજો થઈ શકું?

જો તમને હળવું ARBD હોય, તો દારૂ પીવાનું બંધ કર્યા પછી તમારી યાદશક્તિ અને વિચારવાની અન્ય ક્ષમતાઓમાં ઘણીવાર નોંધપાત્ર સુધારો થશે, જોકે તેમાં થોડો સમય લાગી શકે છે.

જો તમને વધુ ગંભીર ARBD હોય, ખાસ કરીને કોર્સાકોફ્સ સિન્ડ્રોમ, તો દારૂ પીવાનું બંધ કર્યા પછી બે કે ત્રણ વર્ષમાં તેમાં સુધારો થઈ શકે છે. પરંતુ કેટલાક લોકોમાં ગંભીર સમસ્યાઓ રહી શકે છે અને તેમને લાંબા ગાળાની સંભાળની જરૂર પડી શકે છે.

દારૂ પીવાનું બંધ કરનાર ARBD ધરાવતા લોકો માટે અંદાજે:

  • ચારમાંથી એક વ્યક્તિ સંપૂર્ણસ્વસ્થ થઈ શકે છે
  • ચારમાંથી બે વ્યક્તિઓમાં થોડો સુધારો થશે, પરંતુ કેટલીક સમસ્યાઓ રહી જશે
  • ચારમાંથી એક વ્યક્તિમાં ગંભીર સમસ્યાઓ ચાલુ રહેશે.

વ્યક્તિ જેટલી વધુ ઉંમરની હોય, તેટલી સાજા થવાની શક્યતા ઓછી હોય છે.

જો તમને ARBD હોય અને તે તમારી કાર્ય કરવાની ક્ષમતાને અસર કરે, તો તમે લાભો અથવા અન્ય પ્રકારના સહાય માટે દાવો કરી શકશો. લાભો, આર્થિક સહાય અને દેવા અંગેની સલાહ વિશે વધુ માહિતી તમે અમારી વેબસાઇટ. પર મેળવી શકો છો.

હું દારૂ પીવાનું બંધ કરવા માટે મદદ કેવી રીતે મેળવી શકું?

જો તમને ચિંતા હોય કે તમે ખૂબ વધારે દારૂ પી રહ્યા છો અને દારૂ પીવાનું બંધ કરવા અથવા સલામત રીતે પીવા માટે મદદ ઇચ્છો છો, તો તમારા જી.પી. (જનરલ પ્રેક્ટિશનર) સાથે વાત કરો. તેઓએ તમને પૂછવું જોઈએ:

  • તમે કેટલો દારૂ પીવો છો
  • તમે કેટલી વાર દારૂ પીવો છો
  • દારૂ સાથેનો તમારો ઇતિહાસ
  • શું તમને અન્ય કોઈ પદાર્થના ઉપયોગની સમસ્યાઓ છે
  • શું તમને અન્ય કોઈ માનસિક અથવા શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓ છે.

આથી તેઓ સમજી શકશે કે તમને કયા પ્રકારની સહાયની જરૂર હોઈ શકે.

તમે જી.પી. (જનરલ પ્રેક્ટિશનર) ની ભલામણ વિના પણ સ્થાનિક દારૂ સહાય સેવા સાથે સીધો સંપર્ક કરી શકો છો. તમે Frank વેબસાઇટનો ઉપયોગ કરીને તમારા નજીકની સેવાઓ શોધી શકો છો.

સ્વ-સહાય

કેટલાક લોકો વ્યાવસાયિક મદદ વિના તેઓ કેટલો દારૂ પીવે છે તે ઘટાડવામાં અથવા દારૂ પીવાનું બંધ કરવામાં સફળ થઈ શકે છે.

હવે કેટલીક ઉત્તમ ઑનલાઇન માહિતી ઉપલબ્ધ છે, જે તમને તમારા માટે કઈ પ્રકારની સહાય શ્રેષ્ઠ છે તે સમજવામાં મદદ કરી શકે છે. તમારા જી.પી. (જનરલ પ્રેક્ટિશનર) તમને સ્થાનિક સંસ્થાઓ અથવા સહાય જૂથો વિશે પણ કહી શકે છે, જે તમને દારૂ પીવાનું બંધ કરવામાં અથવા તમે કેટલો દારૂ પીવો છો તે ઘટાડવામાં મદદ કરી શકે છે.

જો તમે દારૂ પર નિર્ભર હો અને તમારી જાતે દારૂ પીવાનું બંધ કરવામાં મુશ્કેલી અનુભવતા હો, તો તમને વધુ સહાય આપવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે, તમને સમુદાય વ્યસન સેવા પાસે મોકલવામાં આવી શકે છે.

મનોવૈજ્ઞાનિક ઉપચાર

તમને નીચે મુજબનું મનોવૈજ્ઞાનિક ઉપચાર આપવામાં આવી શકે છે:

  • જ્ઞાનાત્મક વર્તણૂકીય ઉપચાર (CBT)
  • સોશિયલ બિહેવિયર એન્ડ નેટવર્ક થેરાપી
  • અન્ય બિહેવિયરલ થેરાપી.

આ ઉપચાર તમને સમજવામાં મદદ કરશે કે તમે કેમ પીવો છો અને દારૂ પીવાથી તમારા વર્તન અને સામાજિક જીવન પર કેવી અસર પડે છે.

દવાઓ

તબીબી સહાયથી દારૂ છોડાવવું

જો તમને વધુ ગંભીર દારૂની નિર્ભરતા હોય, તો દારૂ પીવાનું સુરક્ષિત રીતે બંધ કરવા માટે તમને મદદની જરૂર પડી શકે છે. દારૂ સહાય સેવાઓએ તમારું મૂલ્યાંકન કરવું જોઈએ, જેથી નક્કી કરી શકાય કે તમે ઘરે દારૂ પીવાનું બંધ કરી શકો છો કે તમને વિશેષ દારૂ સારવાર કેન્દ્રમાં આવવાની જરૂર છે.

ફરીથી દારૂ પીવાનું શરૂ થતું અટકાવવાની દવા

ફરીથી દારૂ પીવાનું શરૂ થવાનું ટાળવામાં મદદરૂપ થતી દવાઓમાં સમાવેશ થાય છે:

  • એકેમ્પ્રોસેટ – આ દવા દારૂ પીવાની ઇચ્છા ઘટાડવામાં મદદ કરી શકે છે. તમને દારૂ પીવાનું બંધ કર્યા પછી એકેમ્પ્રોસેટ આપવામાં આવી શકે છે, અને તમે તેને ૬ મહિના સુધી લઈ શકો છો.
  • નાલ્ટ્રેક્સોન – આ દવા દારૂની અસરને રોકવા માટે વપરાય છે, જેથી લોકોને દારૂ પીવાથી અટકાવવામાં મદદ મળે. તમે આ દવા ૬ મહિના સુધી અથવા વધુ સમય માટે લઈ શકો છો.
  • ડિસલ્ફિરામ – જો તમે એકેમ્પ્રોસેટ અને નાલ્ટ્રેક્સોન અજમાવી હોય અને તે અસરકારક ન રહી હોય, અથવા કોઈ કારણસર તમે આ બીજી દવાઓ લઈ ન શકતા હો, તો તમને આ દવા આપવામાં આવી શકે છે.

રહેણાંક પુનર્વસન

જો તમને નીચેની સમસ્યાઓ પણ હોય, તો તમને રહેણાંક પુનર્વસન કેન્દ્રમાં જગ્યા આપવામાં આવી શકે છે:

  • શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓ
  • માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ
  • સામાજિક સમસ્યાઓ, જેમ કે રહેઠાણ અથવા નાણાકીય સમસ્યાઓ.

આ મહત્તમ ત્રણ મહિના માટે હોવું જોઈએ. તમને રહેણાંક પુનર્વસન આપવામાં આવશે કે નહીં તે તમારા વિસ્તારમાં આ સેવાઓની ઉપલબ્ધતા પર પણ આધાર રાખશે.

શું અચાનક દારૂ પીવાનું બંધ કરવું જોખમી છે?

જો દારૂ પીવાથી તમારા શારીરિક અથવા માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ રહી હોય, તો તમે ઝડપથી દારૂ ઓછો કરવો અથવા સંપૂર્ણપણે બંધ કરવો ઇચ્છી શકો છો. પરંતુ જો તમે દરરોજ વધુ પ્રમાણમાં દારૂ પીતા હો, અથવા લાંબા સમયથી દારૂ પીતા હો, તો આ ખૂબ જોખમી બની શકે છે.

અચાનક દારૂ પીવાનું બંધ કરવાથી તમને નીચેની સમસ્યાઓ થઈ શકે છે:

  • દારૂ ઉપાડના લક્ષણો થવા
  • એપિલેપ્ટિક ઝટકા આવવા – આ સામાન્ય રીતે દારૂ પીવાનું બંધ કર્યા પછીના પ્રથમ 48 કલાકમાં થાય છે. આ સામાન્ય રીતે તમારા દારૂ ઉપાડના લક્ષણો થઈ ગયા પછી થાય છે.
  • ગંભીર દારૂ છોડવાના જટિલતાઓ વિકસવી. જેમ કે. DTs, વર્નિકેની એન્સેફેલોપેથી અથવા કોર્સાકોફ્સ સિન્ડ્રોમ.

દારૂ પીવાનું ધીમે ધીમે ઘટાડવું મહત્વપૂર્ણ છે. આ મદદ સાથે કરવું સૌથી સલામત છે, ખાસ કરીને જો તમે લાંબા સમયથી વધુ પ્રમાણમાં દારૂ પીતા હો.

દારૂ પર નિર્ભર વ્યક્તિને હું કેવી રીતે મદદ કરી શકું?

દારૂ વ્યસનકારક છે અને તેને છોડવું મુશ્કેલ હોઈ શકે છે. જો તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જે દારૂ પર નિર્ભર છે અને તમે તેને સહાય કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો નીચેના પગલાંઓનો વિચાર કરો:

  • વધુ જાણો – દારૂ પરની નિર્ભરતા શું છે અને તે કેવી રીતે કામ કરે છે તે સમજવાથી તમને તમે ઓળખતા વ્યક્તિને અને તમે બંને શું અનુભવો છો તે વધુ સારી રીતે સમજવામાં મદદ મળી શકે છે.
  • તમારી અપેક્ષાઓ નક્કી કરો – કોઈ વ્યક્તિ લાંબા સમય માટે દારૂ પીવાનું બંધ કરે અને પછી ફરીથી શરૂ કરે તે સામાન્ય છે. જોકે આ પાછું પગલું લીધું હોય એવું લાગી શકે છે, યાદ રાખો કે તેનો અર્થ એ નથી કે તેઓ અથવા તમે ‘નિષ્ફળ’ ગયા છો. તેનો અર્થ એ પણ નથી કે તેઓ ભવિષ્યમાં ફરીથી દારૂ પીવાનું બંધ કરી શકશે નહીં.
  • તમે શું કરી શકો અને શું નહીં કરી શકો તે સમજો – તમે ઓળખતા વ્યક્તિએ દારૂ પીવાનું બંધ કરવું અથવા ઓછું કરવું ઇચ્છવું જોઈએ, અને તેમને આ પસંદગી કરવા માટે તમે માત્ર મર્યાદિત મદદ કરી શકો છો. જો તમે જાણો છો કે કોઈ વ્યક્તિ દારૂ પીવાથી પોતાને અથવા અન્ય લોકોને નુકસાન પહોંચાડી રહી છે, તો તે મુશ્કેલ હોઈ શકે છે. તમારી લાગણીઓ વિશે ગોપનીય રીતે વાત કરી શકો એવી કોઈ વ્યક્તિ શોધો.
  • તમારા માટે સહાય મેળવો – જો તમે કોઈ એવી વ્યક્તિને ઓળખો છો જે દારૂ પર નિર્ભર છે, તો તમારા જી.પી. (જનરલ પ્રેક્ટિશનર) તમને સ્થાનિક સંસ્થાઓ સાથે સંપર્ક કરાવી શકે છે જે મદદ કરી શકે છે. કેટલીક સંસ્થાઓ અથવા જૂથો ખાસ કરીને પરિવાર અને મિત્રોને સહાય કરવા માટે હોય છે.
  • સુરક્ષિત રહો – જો કોઈ બીજાના દારૂ પીવાથી તમે અથવા તમે ઓળખતા કોઈ વ્યક્તિ જોખમમાં હોય, તો તમે વિશ્વાસ કરતા હો તેવી વ્યક્તિ સાથે વાત કરો. જો તમે તાત્કાલિક જોખમમાં હો, તો ૯૯૯ પર કૉલ કરો.

વધુ માહિતી અને સપોર્ટ

દારૂ વિશે માહિતી

દારૂ અંગે સલાહ, NHS – દારૂ વિશે માહિતી, યુનિટ્સની ગણતરી, કેલરી અને દારૂ ઓછો કરવા માટેની ટીપ્સ.

દારૂ સહાય સેવાઓ
તમે જ્યાં રહો છો ત્યાં દારૂ સહાય સેવાઓ શોધવા માટે નીચેની વેબસાઇટ્સનો ઉપયોગ કરો:

Alcohol Change UK – Alcohol Change UK એ UKની અગ્રણી દારૂ સંબંધિત ચેરિટી છે, જે Alcohol Concern અને Alcohol Research UK ના વિલયથી રચાઈ છે. તેઓ દારૂ વિશેની માહિતી અને તમારા પીવાનું સંચાલન કરવા અંગે માર્ગદર્શન આપે છે.

દારૂ પરની નિર્ભરતા વિશે માહિતી

Alcohol-use disorders: diagnosis, assessment and management of harmful drinking (high-risk drinking) and alcohol dependence, NICE – National Institute for Health and Care Excellence તરફથી આપવામાં આવેલી આ માહિતી સામાન્ય લોકો માટે લખવામાં આવી છે, જેથી દારૂ પર નિર્ભર લોકો સમજી શકે કે તેઓ કઈ સંભાળ મેળવવા હકદાર છે.

SMART Recovery – SMART Recovery એક ચેરિટી છે, જે વ્યસનજનક વર્તનોથી દૂર રહેવામાં મદદ કરવા માટે પરસ્પર સહાય મીટિંગ્સ અને ઑનલાઇન તાલીમ કાર્યક્રમોનું રાષ્ટ્રીય નેટવર્ક પ્રદાન કરે છે.

Nacoa – Nacoa એક ચેરિટી છે, જે માતા-પિતાના દારૂ પીવાથી અસર ગ્રસ્ત દરેક વ્યક્તિને માહિતી, સલાહ અને સહાય પ્રદાન કરે છે.

મિત્રો, પરિવાર અને સંભાળ રાખનારાઓ માટે માહિતી

Alcohol Change UK મિત્રો અને પરિવાર માટે સહાય સેવાઓની યાદી પ્રદાન કરે છે.

ARBD વિશે માહિતી

  • Alcohol-related brain damage: the road to recovery, Alcohol Change UK – દારૂ સંબંધિત મગજના નુકસાન (ARBD) ધરાવતા લોકોના પરિવાર, સંભાળ રાખનારાઓ અને મિત્રો માટે માર્ગદર્શિકા.
  • ARBD Network – આરોગ્યસંભાળ વ્યાવસાયિકો અને સામાન્ય લોકોમાં શિક્ષણ અને માહિતી દ્વારા દારૂ સંબંધિત મગજના નુકસાન વિશે જાગૃતિ વધારવા માટેનું નેટવર્ક.

ઘરેલુ હિંસા સંબંધિત સ્રોતો

જો તમે અથવા તમે ઓળખતા કોઈ વ્યક્તિ કોઈના દારૂ પીવાના કારણે ઘરેલુ હિંસા નો અનુભવ કરી રહ્યા છો, અથવા જો તમને લાગે છે કે તમારું દારૂ પીવું તમને અપમાનજનક વર્તનમાં સામેલ થવા તરફ દોરી રહ્યું છે, તો અહીં કેટલાક ઉપયોગી સ્રોતો છે:

  • Domestic abuse: how to get help, Gov.uk – આ વેબસાઇટ UKમાં ઘરેલુ હિંસા નો અનુભવ કરતા લોકો માટે ઉપયોગી સ્રોતો પ્રદાન કરે છે.
  • Respect Phoneline – Respect એ લોકો માટેની ચેરિટી છે, જેમને લાગે છે કે તેઓ અપમાનજનક વર્તનમાં સામેલ થઈ રહ્યા હોઈ શકે છે અને મદદ મેળવવા માંગે છે.
  • Reporting child abuse, NSPCC – જો તમને ચિંતા હોય કે કોઈ બાળક દુર્વ્યવહાર અથવા અવગણનાનો અનુભવ કરી રહ્યું છે, તો NSPCC તમને સલાહ આપી શકે છે.

 

દારૂના યુનિટ્સ માટે માર્ગદર્શિકા

બિયર, સાઇડર અને અલ્કોપોપ્સ

  શક્તિ (ABV) અડધો પાઈન્ટ પાઈન્ટ બોટલ/કેન (330 મિ.લી.) બોટલ/કેન (500 મિ.લી.)
હળવી શક્તિની બિયર, લેગર અથવા સાઇડર 3-4% 1 યુનિટ 2 યુનિટ 1.5 યુનિટ 2 યુનિટ
સામાન્ય શક્તિની બિયર, લેગર અથવા સાઇડર 4-5% 1.5 યુનિટ 3 યુનિટ 1.7 યુનિટ 2.5 યુનિટ
વધુ મજબૂત બિયર, લેગર અથવા સાઇડર 7.5-9% 2.5 યુનિટ 5 યુનિટ 3 યુનિટ 4.5 યુનિટ
અલ્કોપોપ્સ 5% - - 1.7 યુનિટ -

 

વાઇન અને સ્પિરિટ્સ

શક્તિ (ABV) સિંગલ (25 મિ.લી.) ડબલ (50 મિ.લી.) નાનો વાઇન ગ્લાસ (125 મિ.લી.) મોટો વાઇન ગ્લાસ (250 મિ.લી.) બોટલ (750 મિ.લી.)
વાઇન 12-14% -  
-
1.5 થી 1.8 યુનિટ 3 થી 3.5 યુનિટ 9 થી 10.5 યુનિટ
ફોર્ટિફાઇડ વાઇન (શેરી, માર્ટિની, પોર્ટ) 15-20% - 1 યુનિટ - - 14 યુનિટ
સ્પિરિટ્સ (વિસ્કી, વોડકા, જિન) 40% 1 યુનિટ 2 યુનિટ - - 30 યુનિટ

 

દારૂ ટ્રેકર

આપણા મોટાભાગના લોકો આપણે કેટલો દારૂ પીએ છીએ તેનો અંદાજ ઓછો લગાવીએ છીએ. ખરેખર શું થઈ રહ્યું છે તે તપાસવા માટે, એક અઠવાડિયા દરમિયાન તમે કેટલો દારૂ પીવો છો તેની ડાયરી રાખો.

આથી તમને તમે કેટલો દારૂ પી રહ્યા છો તેનો વધુ સ્પષ્ટ ખ્યાલ મળી શકે છે. તે કોઈપણ જોખમી પરિસ્થિતિઓને ઓળખવામાં પણ મદદ કરી શકે છે – એવા સમય, સ્થળો અને લોકો જે તમને વધુ દારૂ પીવા તરફ દોરી જાય છે.

દિવસ કેટલું? ક્યારે? ક્યાં? કોની સાથે? યુનિટ્સ કુલ
સોમવાર
મંગળવાર
બુધવાર
ગુરુવાર
શુક્રવાર
શનિવાર
રવિવાર
અઠવાડિયાનો કુલ

ક્રેડિટ્સ

આ માહિતી મનોચિકિત્સકોની રોયલ કોલેજ (Royal College of Psychiatrists') ના પબ્લિક એંગેજમેન્ટ એડિટોરિયલ બોર્ડ (PEEB) દ્વારા બનાવવામાં આવી હતી. તે લેખન સમયે ઉપલબ્ધ શ્રેષ્ઠ પુરાવાઓને પ્રતિબિંબિત કરે છે.

નિષ્ણાત લેખકો: ડૉ. જિમ બોલ્ટન, ડૉ. ટોની રાવ, પ્રોફેસર વેન્ડી બર્ન અને પ્રોફેસર જુલિયા સિન્ક્લેર

આ સ્રોત વિકસાવવામાં મદદ કરનાર સેવા વપરાશકર્તા શ્રીમતી ડાયેન ગોસ્લારનો વિશેષ આભાર.

વિનંતી પર ઉપલબ્ધ સંપૂર્ણ સંદર્ભો.

This translation was produced by CLEAR Global (July 2026)

Read more to receive further information regarding a career in psychiatry