મનોવિકૃતિ
Psychosis
Below is a Gujarati translation of our information resource on psychosis. You can also view our other Gujarati translations.
જ્યારે કોઈ વ્યક્તિના વિચારો અને લાગણીઓ એટલા નાટ્યાત્મક રીતે બદલાઈ જાય છે કે તેઓ પોતાના લક્ષણોને વાસ્તવિકતાથી અલગ કરી શકતા નથી ત્યારે મનોવિકૃતિ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આ માહિતી સ્ત્રોત મનોવિકૃતિ વિશે ચર્ચા કરે છે. આમાં મનોવિકૃતિ શું છે, તે શા માટે થાય છે, તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે તેમજ તે અન્ય માનસિક અને શારીરિક બીમારીઓ સાથે કેવી રીતે સંબંધિત છે તે સમજાવવામાં આવ્યું છે.
મનોવિકૃતિ શું છે?
મનોવિકૃતિ એ લક્ષણોના એક સમૂહને વર્ણવવા માટે વપરાતો શબ્દ છે. જ્યારે કોઈ વ્યક્તિ મનોવિકૃતિ અનુભવી રહી હોય છે, ત્યારે તેના વિચારો અને લાગણીઓ એટલી નાટ્યાત્મક રીતે બદલાઈ જાય છે કે તેમને વાસ્તવિક અને અવાસ્તવિક વચ્ચેનો ભેદ પારખવો મુશ્કેલ લાગે છે.
મનોવિકૃતિ એ લોકો વિચારે તેના કરતાં ઘણો વધુ સામાન્ય છે અને તે તેનો અનુભવ કરનાર વ્યક્તિ માટે અત્યંત ભયાવહ અને આજુ-બાજુના લોકો માટે દુઃખદાયક હોઈ શકે છે. જો કે, મદદ અને સહાય ઉપલબ્ધ છે.
મનોવિકૃતિના લક્ષણો શું છે?
ભ્રમણાઓ
ભ્રમણાઓ એ એવી માન્યતાઓ છે જે તમને ખૂબ જ વાસ્તવિક લાગે છે. જો કે, આ માન્યતાઓ કદાચ અન્ય લોકો, જેવા કે મિત્રો અને પરિવારજનો, સાથે શેર કે તેમને સમજાવી શકાતી નહીં હોય. આ ભ્રમણાઓ એ પ્રકારની દૃઢ માન્યતા હોઈ શકે છે કે:
- તમે વાસ્તવમાં છો તેના કરતાં ઘણા વધારે શક્તિશાળી, મહત્ત્વપૂર્ણ, ધનવાન અથવા પ્રખ્યાત છો. ઉદાહરણ તરીકે, તમને લાગી શકે કે તમે રાજવી પરિવારના સભ્ય છો.
- વસ્તુઓ તમારા અને તમારા જીવન સાથે ખાસ રીતે જોડાયેલી છે. ઉદાહરણ તરીકે, તમને લાગે કે ટીવી અથવા રેડિયો પરના લોકો સીધા તમારી સાથે વાત કરી રહ્યા છે અથવા ફક્ત તમારા માટે જ સંદેશાઓ મોકલી રહ્યા છે.
- તમને લાગે કે કોઈ તમને જોઈ રહ્યું છે, નુકસાન પહોંચાડી રહ્યું છે અથવા લોકો તમારા વિરુદ્ધ કાવતરું રચી રહ્યા છે. ઉદાહરણ તરીકે, તમને લાગે શકે છે કે સરકાર તમારા ફોન કૉલ્સ સાંભળી રહી છે.
તમે આ માન્યતાઓ વિશે અન્ય લોકો સાથે વાત કરી શકો છો અથવા તેને વ્યક્ત કરી શકો છો. અથવા તમે આવી માન્યતાઓ અનુસાર વર્તન કરી શકો છો, જેમ કે તમને નુકસાન પહોંચાડી રહ્યા છે એવું લાગતા લોકોથી છુપાઈ જવું.
આ માન્યતાઓને તમારા ધર્મ અથવા સંસ્કૃતિ દ્વારા સરળતાથી સમજાવી અથવા સમજાવીને દૂર કરી શકાતી નથી.
ભ્રમજ્ઞાન
ભ્રમજ્ઞાન ત્યારે થાય છે જ્યારે તમે એવી વસ્તુઓ અનુભવતા હો છો જે અન્ય લોકો અનુભવતા નથી. આનો અર્થ એવી વસ્તુઓ સાંભળવી, જોવી, અનુભવવી, સૂંઘવી અથવા ચાખવી હોઈ શકે છે જે હકીકતમાં નથી.
ભ્રમજ્ઞાનનો સૌથી સામાન્ય પ્રકાર શ્રવણ (સાંભળવાનો) ભ્રમજ્ઞાન છે. અહીં તમે એવી ધ્વનિ, અવાજ અથવા અવાજો સાંભળો છો જે અન્ય લોકો સાંભળી શકતા નથી. આ અવાજો સામાન્ય રીતે તમારા માથાની અંદરથી નહીં પરંતુ જાણે કોઈ તમારા કાનમાં, પાછળથી અથવા દૂરથી વાત કરતું હોય તેવી લાગણી આપે છે. ક્યારેક આ અવાજો સીધા તમારી સાથે વાત કરે છે, અથવા તે પરસ્પર તમારા વિશે વાત કરતા હોય છે. અથવા તે બંને રીતે વર્તી શકે છે.
તમને એવું લાગી શકે છે કે તમારા વિચારો ઊંચા અવાજે ‘પ્રસારિત’ થઈ રહ્યા છે અને બીજા લોકો તેને સાંભળી શકે છે.
ક્યારેક ભ્રમણાઓ તમારા ભ્રમજ્ઞાનને ‘સમજાવવા’ માટે કામ કરે છે. ઉદાહરણ તરીકે, જો તમને લોકો તમારા વિશે વાત કરતા હોય તેવા અવાજો સંભળાય, તો તમને એવો ભ્રમ થઈ શકે કે તમારા પડોશીઓ તમારા વિરુદ્ધ કાવતરું રચી રહ્યા છે અને તમને સંભળાતા અવાજો એ જ છે.
શ્રવણ ભ્રમજ્ઞાન અલગ-અલગ લોકોને અલગ-અલગ રીતે સંભળાઈ શકે છે. કેટલાક લોકો એવા અવાજો સાંભળે છે જે ભયજનક, ધમકાવનારા અથવા વ્યથિત કરનારા હોય છે. બીજા કેટલાક લોકો એવા અવાજો સાંભળે છે જે વધુ ‘તટસ્થ’ હોય છે અને કેટલાક લોકોને તો શાંત્વના આપતા અથવા આશ્વાસન આપતા અવાજો પણ સંભળાય છે. કેટલાક લોકો શરૂઆતમાં વધુ તટસ્થ અથવા મિત્રતાપૂર્ણ અવાજો સાંભળે છે, જે સમય જતા વધુ દુઃખદાયક અથવા વ્યથિત કરનારા બની જાય છે.
અવ્યવસ્થિત વિચારસરણી
જો તમે અવ્યવસ્થિત વિચારસરણીનો અનુભવ કરી રહ્યા હો તો:
- તમારા વિચારો અને કલ્પનાઓ ગૂંચવાયેલા હોઈ શકે છે અને એકબીજા સાથે જોડાયેલા ન લાગે
- બીજા લોકોને તમે શું કહી રહ્યા છો તે સમજવામાં મુશ્કેલી પડી શકે
- કેટલાક કેસોમાં, તમારી વાણી એટલી ગૂંચવાયેલી બની જાય કે તેનો કોઈ અર્થ જ ન રહે.
તમારા પર પ્રભાવ પાડવામાં આવી રહ્યો છે અથવા તમને નિયંત્રિત કરવામાં આવી રહ્યા છે એવી માન્યતા
તમારી અંદર ખૂબ જ દૃઢ માન્યતાઓ વિકસવા લાગી શકે છે કે:
- તમારા વિચારો, લાગણીઓ અથવા ક્રિયાઓ પર કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુનો પ્રભાવ છે અથવા તેને નિયંત્રિત કરવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે, માઇક્રોચિપ અથવા ઉપગ્રહ
- કોઈ વ્યક્તિ અથવા કોઈ બીજી શક્તિ તમારા મનમાં વિચારો મૂકી રહી છે અથવા તમારા મનમાંથી વિચારો દૂર કરી રહી છે
- તમારા વિચારો તમારા મનમાંથી પ્રસારિત થઈ રહ્યા છે જેથી બીજા લોકો જાણી શકે કે તે શું છે
તમને તમારા આસપાસના લોકો પર શંકા આવવા લાગી શકે છે અને બીજાઓ પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગી શકે છે અથવા તમને એવું લાગી શકે છે કે ભગવાન, શેતાન, આત્માઓ અથવા એલિયન્સ જેવી કોઈ બાહ્ય શક્તિ તમને નિયંત્રિત કરી રહી છે.
આ અનુભવો તમને વાસ્તવિક લાગશે, ભલે તમારી આસપાસના લોકો સમજે કે તે વાસ્તવિક નથી.
આ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે તમને આ લક્ષણો સતત દરેક સમયે અનુભવાય તેવી શક્યતા ઓછી છે. તેના બદલે, તમને અલગ-અલગ સમયે અલગ-અલગ લક્ષણો અનુભવાઈ શકે છે અને અમુક પરિબળોના આધારે આ લક્ષણો વધુ અથવા ઓછા ગંભીર હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, તમને પહેલાં ભ્રમણાઓ અનુભવાય અને પછી ભ્રમણાઓ પછીથી અનુભવાવા લાગે. આને કારણે તમને સમજવું મુશ્કેલ બની શકે કે તમે અસ્વસ્થ છો.
જ્યારે તમે મનોવિકૃતિનો અનુભવ કરી રહ્યા હો ત્યારે, ઉપર વર્ણવાયેલા લક્ષણો તમે અનુભવતા હો છો તે ઓળખવું પણ તમને મુશ્કેલ લાગી શકે છે. દુર્ભાગ્યે, આ મદદ મેળવવી મુશ્કેલ બનાવી શકે છે.
ભ્રમણાઓને વાસ્તવિકતાથી અલગ પાડવી
બીજા લોકો માટે એ સમજવું મુશ્કેલ થઈ શકે છે કે તમે ભ્રમણાઓનો અનુભવ કરી રહ્યા છો. ખાસ કરીને ત્યારે આવું વધુ બને છે જ્યારે તમારા જીવનમાં એવી વસ્તુઓ હોય જે તમારી ભ્રમણાઓ સાથે જોડાયેલી હોય અથવા જ્યારે તમારી ભ્રમણાઓ કોઈ વાસ્તવિક બાબતો પર આધારિત હોય. ઉદાહરણ તરીકે:
ધર્મ
જો તમે ધાર્મિક હો, તો પ્રાર્થના દ્વારા ભગવાન સાથે વાત કરી શકો છો એવી માન્યતા તમારા વિશ્વાસ પ્રણાલીનો સામાન્ય ભાગ હોઈ શકે છે. જો કે, જો આ માન્યતાઓ વધુ તીવ્ર અથવા અતિશય બનવા લાગે અથવા અન્ય લોકો સાથેના તમારા સંબંધો પર અસર કરવા લાગે, તો તે અસ્વસ્થ હોવાનો સંકેત હોઈ શકે છે.
રોજગાર
જો તમારી નોકરી તમારી ભ્રમણાઓ સાથે જોડાયેલી હોય, તો બીજા લોકો માટે તમને ભ્રમણાઓ થઈ રહી છે તે ઓળખવું મુશ્કેલ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે સરકાર અથવા સેનામાં જેવી જગ્યાએ ગુપ્ત માહિતી સાથે કામ કર્યું હોય અને તમને દેખરેખ વિશે ભ્રમણાઓ થતી હોય.
વ્યક્તિગત જીવન
તમારા વ્યક્તિગત જીવનમાં કેટલીક ઘટનાઓ થઈ હોઈ જેના કારણે તમને એવું લાગતું હોય કે તમને નિયંત્રિત કરવામાં આવી રહ્યા છો અથવા તમારી ઉપર નજર રાખવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે, અત્યાચારભર્યા સંબંધમાં હોવું. જો તમને એવો ભ્રમ થાય કે તમારો પીછો કરવામાં આવી રહ્યો છે અથવા તમને નિયંત્રિત કરવામાં આવી રહ્યા છે, તો બીજા લોકો માટે તમે અસ્વસ્થ છો તે ઓળખવામાં વધુ સમય લાગી શકે છે.
જો તમે ભ્રમણાઓ અનુભવતા હો, તો તમારા વિચારો અને કલ્પનાઓ સામાન્ય કરતાં વધુ અતિશય હોઈ શકે છે અને બીજા લોકોને અજીબ અથવા તમારા સ્વભાવથી વિપરીત લાગી શકે છે.
મનોવિકૃતિ કેવી અનુભવાય છે?
જેઓ એ મનોવિકૃતિનો અનુભવ કર્યો નથી એવા લોકો માટે તે કેવો હોય છે તે સમજવું મુશ્કેલ બની શકે છે. મનોવિકૃતિનો જાતઅનુભવ ધરાવતા લોકોએ અહીં પોતાના અનુભવો શેર કરવા સન્મતિ આપી છે:
“હું હોસ્પિટલના કાર પાર્કમાં બેઠો હતો અને મને એવું લાગતું હતું કે જાણે હું બહુ મોટા અને ખોખલા ગોળાની અંદર હતો. મને માત્ર ઘેરા રાખોડી અને કાળા જિગ્સૉના ટુકડાઓ જ દેખાતા હતા, જેમણે એ ગોળો બનાવ્યો હતો. આ ટુકડાઓ બહારની તરફ પડવા લાગ્યા અને મને કાળી શૂન્યતામાં છોડી દીધો. હું ભયથી સ્તબ્ધ થઈ ગયો હતો. જાણે દુનિયા ભાંગી પડી હોય અને આપણા ગ્રહનો અંત આવી ગયો હોય એવું લાગતું હતું.” ડેબ્રા
“મને બંદરનું દૃશ્ય દેખાતુ હતું અને હું લગભગ કેટલાક જહાજોના નામ ઓળખી શકતી હતી. હું ઊંડી મનોવિકૃતિમાં હતી અને હું જાણે કે જહાજો, ક્રેન્સ અને બંદરને સ્પર્શ કરી શકું એવી લાગણી સાથે હાથ બારીની બહાર કાઢ્યો હતો” માઇકલ
“મને લાગતું હતું કે હું ભયાનક પીડામાં હતો. આ ભ્રમણા નહોતી, પરંતુ એક સંવેદનાત્મક ભ્રમજ્ઞાન હતું — હું તેને ખરેખર અનુભવી શકતો હતો. જ્યારે હું અવાજો સાંભળતો હતો ત્યારે પણ પીડા રહેતી હતી — આથી મારા લક્ષણો વધુ વાસ્તવિક લાગતા હતા. ઘણો વખત ભયજનક વિચાર સાથે મને માથાનો દુખાવો થતો હતો” માર્ક
મનોવિકૃતિનો અન્ય માનસિક બીમારીઓ સાથે શું સંબંધ છે?
મનોવિકૃતિ એ લક્ષણોના સમૂહને વર્ણવવા માટે વપરાતો શબ્દ છે. તે એક વ્યાપક આવરણ રૂપ શબ્દ પણ છે. ઘણી જુદી જુદી પરિસ્થિતિ ધરાવતા લોકો મનોવિકૃતિના લક્ષણો અનુભવી શકે છે, જેમાં સમાવેશ થાય છે:
- સ્કિઝોફ્રેનિયા
- સ્કિઝોઅફેક્ટિવ ડિસઓર્ડર
- બાયપોલાર વિકાર
- ગંભીર હતાશા
સામાન્યકૃત ચિંતા વિકાર અથવા ઑ.સી.ડી. (ઓબ્સેસ્સિવ-કમ્પલ્સિવ ડિસઓર્ડર) જેવી અન્ય માનસિક સ્વાસ્થ્ય સ્થિતિઓ પણ કોઈ વ્યક્તિમાં મનોવિકૃતિ વિકાસ પામવાનું કારણ બની શકે છે. આ તે પરિસ્થિતિ સાથે જોડાયેલા અતિશય તણાવના પરિણામે થઈ શકે છે.
મનોવિકૃતિ નીચેની પરિસ્થિતિઓમાં પણ થઈ શકે છે જ્યારે કોઈ વ્યક્તિ:
- મગજની ઇજા થઈ હોય
- આલ્કોહોલ છોડવાની પ્રક્રિયામાં હોય
- ઊંઘના અભાવે પીડાતી હોય
- મનોરંજનાત્મક નશીલા પદાર્થો, જેમ કે કેનેબિસ અથવા કોકેન, લીધા હોય
- મનોરંજનાત્મક નશીલા પદાર્થો છોડવાની પ્રક્રિયામાં હોય
- કોઈ ચેપ, જેમ કે મૂત્ર માર્ગનો ચેપ, થયો હોય. ચેપ ક્યારેક ડિલિરિયમ નામની પરિસ્થિતિ ઊભી કરી શકે છે, જેના કારણે વ્યક્તિ ગૂંચવાઈ જાય છે અને ક્યારેક માનસિક લક્ષણો પણ વિકસી શકે છે. ડિલિરિયમનું કારણ સારવારથી નિયંત્રિત થાય તેમ માનસિક લક્ષણોમાં સામાન્ય રીતે સુધારો થાય છે.
આ નવી અથવા તાજેતરમાં લખી અપાયેલી દવાની આડ-અસર તરીકે પણ થઈ શકે છે અથવા દવા છોડતી વખતે પણ થઈ શકે છે.
ક્યારેક કોઈ વ્યક્તિને મનોવિકૃતિ શા માટે થઈ તે જાણી શકાતું નથી.
મનોવિકૃતિનો અર્થ અલગ-અલગ લોકો માટે જુદો-જુદો હોઈ શકે છે:
- મહત્ત્વપૂર્ણ જીવનઘટનાઓ - નજીકના મિત્ર અથવા સગાના મૃત્યુ જેવી મહત્ત્વપૂર્ણ અથવા તણાવસભર ઘટના પછી ક્યારેક મનોવિકૃતિ થઈ શકે છે. જો કોઈએ બાળપણમાં અત્યાચાર અથવા ઉપેક્ષા અનુભવી હોય, તો તેમાં આ વિકસવાની શક્યતા પણ વધુ રહે છે.
- પ્રસૂતિ - કોઈ વ્યક્તિએ બાળકને જન્મ આપ્યા પછી મનોવિકૃતિ થઈ શકે છે; તેને પ્રસૂતિપશ્ચાત-સાઇકોસિસ કહેવામાં આવે છે.
- કેનેબિસ, LSD, કોકેન અથવા ‘સ્પીડ’, વાપર્યા પછી મનોવિકૃતિ થઈ શકે છે. ક્યારેક કોઈ વ્યક્તિ ડ્રગ્સ અથવા આલ્કોહોલનો ઉપયોગ બંધ કરે તો તેની મનોવિકૃતિમાં સુધારો થઈ શકે છે. જો કે, ક્યારેક ડ્રગ્સ અને મનોવિકૃતિ વચ્ચેનો સંબંધ વધુ જટિલ હોય છે. જો તમે ડ્રગ્સ વાપરી રહ્યા હો, તો તેને બંધ કરવામાં મદદ કેવી રીતે મેળવી શકાય તે અંગે તમારી સારવાર કરનાર લોકો સાથે વાત કરો.
- જ્યારે કોઈ વ્યક્તિને મૂડ ડિસઓર્ડર હોય - ગંભીર હતાશના બનાવ અથવા મેનીક એપિસોડ દરમિયાન મનોવિકૃતિ થઈ શકે છે.
- ઊંઘનો અભાવ - અતિશય ઊંઘના અભાવે મનોવિકૃતિ થઈ શકે છે.
આ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે મોટાભાગના લોકો તણાવનો અનુભવ કરે છે, ડ્રગ્સ વાપરે છે અથવા બાળકને જન્મ આપે છે, છતાં તેમને ક્યારેય મનોવિકૃતિ થતી નથી. ક્યારેક કોઈ સ્પષ્ટ કારણ વગર મનોવિકૃતિ થાય છે. કારણ કોઈપણ હોય, જો તમને મનોવિકૃતિ થાય, તો તે તમારી ભૂલ નથી — આ વાત યાદ રાખવી મહત્ત્વપૂર્ણ છે.
તમારા ડૉક્ટર જાણવાનો પ્રયત્ન કરી શકે છે કે તમને મનોવિકૃતિ શા માટે થઈ, જેથી તે તમારી સારવારમાં મદદ રૂપ થઈ શકે. ઉદાહરણ તરીકે, જો તમે ડ્રગ્સ લઈ રહ્યા હો, તો તેને બંધ કરવામાં તમને મદદ કરવી તમારા સાજા થવાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હોઈ શકે છે. પરંતુ, જો તમે આનાથી મુક્ત થવા માટે ડ્રગ્સ અથવા આલ્કોહોલનો ઉપયોગ કરી રહ્યા હો, તો તે તમને મનોવિકૃતિ માટે સમયસર અને પુરાવા-આધારિત સારવાર મેળવવા સામે અટકાવવું જોઈએ નહીં.
જો મને લાગે કે હું મનોવિકૃતિનો અનુભવ કરી રહ્યો છું, તો મારે શું કરવું જોઈએ?
જો તમને મનોવિકૃતિ સાથે સંકળાયેલા કોઈપણ લક્ષણોનો અનુભવ થઈ રહ્યો હોય, તો તમારા જી.પી. (ફેમલી ડોક્ટર) સાથે વાત કરો. તેઓ કદાચ તમને નિષ્ણાત માનસિક સ્વાસ્થ્ય સેવા અથવા તમારી સ્થાનિક સાયકોસિસમાં પ્રારંભિક હસ્તક્ષેપ સેવાનો સંદર્ભ આપશે.
મનોવિકૃતિ માટેની પ્રારંભિક હસ્તક્ષેપ સેવાઓ
મનોવિકૃતિ માટેની પ્રારંભિક હસ્તક્ષેપ સેવાઓ (ઈ.આઇ.પી.) એવી સારવાર પદ્ધતિ છે જેનો હેતુ છે કે તે મનોવિકૃતિનો અનુભવ કરતા અથવા કરવાની શક્યતા ધરાવતા લોકોને ઝડપથી યોગ્ય સારવાર મળે. ઘણા પુરાવા દર્શાવે છે કે જો લોકોને મનોવિકૃતિ માટે ઝડપથી મદદ મળે, તો તેમની સાજા થવાની અને તે પણ ઝડપથી સાજા થવાની શક્યતા વધે છે.
મૂલ્યાંકન
જો તમે મનોવિકૃતિના લક્ષણો અનુભવતા હો, તો મનોવિકૃતિમાં નિષ્ણાત હોય એવા વ્યાવસાયિક તમને નીચેની બાબતોની વધુ જાણકારી માટે તમારું મૂલ્યાંકન કરશે:
- કેટલાક લોકોને મનોવિકૃતિનો માત્ર એક ‘એપિસોડ’ થાય છે. એનો અર્થ એ છે કે તેઓ મનોવિકૃતિનો અનુભવ કરે છે, સાજા થાય છે અને ફરી ક્યારેય તેનો અનુભવ કરતા નથી.
- કેટલાક લોકોને જીવનભરમાં મનોવિકૃતિના અનેક એપિસોડ થાય છે.
- આમાંથી કેટલાક લોકોને આગળ જઈને સ્કિઝોફ્રેનિયા, સ્કિઝોઅફેક્ટિવ ડિસઓર્ડર અથવા સંબંધિત સાઇકોટિક ડિસઓર્ડરનું નિદાન મળે છે. તમને મળતું નિદાન તદ્દન જટિલ લાગી શકે છે અને તમે તમારા ડૉક્ટરને તમારા નિદાનના જુદા જુદા ભાગોનો અર્થ સમજાવવા કહી શકો છો.
જો તમને મનોવિકૃતિના એક કે વધુ એપિસોડના અનુભવ થયા હોય અને તમે સમજવા માંગતા હો કે તમને સ્કિઝોફ્રેનિયા અથવા સ્કિઝોઅફેક્ટિવ ડિસઓર્ડર જેવી પરિસ્થિતિનું નિદાન કેમ મળ્યું નથી, તો તમારા ડૉક્ટર સાથે વાત કરો. એવા કારણો હોઈ શકે છે કે જેના લીધે તમારા ડૉક્ટરને એવું ન લાગે કે આમાંથી કોઈ એક નિદાન તમારા અનુભવોનું શ્રેષ્ઠ વર્ણન કરે છે.
મનોવિકૃતિ શા માટે થાય છે?
મનોવિકૃતિનું કારણ શું છે તે હંમેશા જાણી શકાય એવું નથી. કેટલીક બાબતો મનોવિકૃતિ થવાની શક્યતા વધારી શકે છે, જેમાં આનો સમાવેશ થાય છે:
- તમારું માનસિક સ્વાસ્થ્ય
- તમે દારૂ અથવા નશીલા પદાર્થો વાપરો છો કે નહીં
- તમે લેતા હો તેવી કોઈપણ દવાઓ
- જો તમને કોઈ શારીરિક સ્વાસ્થ્ય સમસ્યા હોય અને તમારું એકંદર શારીરિક સ્વાસ્થ્ય
- તમારા સંબંધો અને સહાય નેટવર્ક – ઉદાહરણ તરીકે, જો કોઈ સંભાળ રાખનાર વ્યક્તિ (કેરર) તમારી મદદ કરે છે તો
- ભૂતકાળમાં થયેલા કોઈપણ આઘાતજનક અથવા મુશ્કેલ અનુભવો
- તમારું શિક્ષણ અને રોજગારનો ઇતિહાસ
- તમારા જીવનની ગુણવત્તા.
આ ઘણી બધી માહિતી છે એવું લાગી શકે છે. પરંતુ આ માહિતી તમને સારવાર આપનાર લોકોને તમારું જીવન, તમારી મુશ્કેલીઓ અને તેઓ તમને કેવી રીતે મદદ કરી શકે તે સમજવામાં મદદ કરે છે.
દુર્ભાગ્યવશ, જો તમે મનોવિકૃતિનો એપિસોડ અનુભવી રહ્યા હો, તો તમને ખબર ન પડે કે તમે અસ્વસ્થ છો. આ કારણે મદદ મેળવવી વધુ મુશ્કેલ બની શકે છે.
મનોવિકૃતિનું કોઈ શારીરિક પરીક્ષણ નથી. એટલે, તમારું મૂલ્યાંકન કરનાર વ્યક્તિ તમે અનુભવતા હો તેવા કોઈપણ લક્ષણો વિશે જાણવાનો પ્રયાસ કરશે. આ તેમને યોગ્ય નિદાન કરવામાં મદદ કરશે.
મનોવિકૃતિની સારવાર કેવી રીતે થાય છે?
મનોવિકૃતિ ધરાવતી વ્યક્તિને મદદ કરી શકે તેવી ઘણી બાબતો છે. આ બાબતો અલગ સમયે અને અલગ રીતે ઉપયોગી બની શકે છે.
દુર્ભાગ્યે, આ વિભાગમાં ઉલ્લેખ કરેલી કેટલીક સેવાઓ UKના તમામ વિસ્તારોમાં હંમેશા ઉપલબ્ધ નથી હોતી. કેટલીક સેવાઓ ઉપલબ્ધ હોઈ શકે છે, પરંતુ તમે તેને તરત મેળવી શકતા નથી.
દવા
જો તમે પહેલી વાર મનોવિકૃતિનો અનુભવ કરી રહ્યા હો, તો તમને ‘એન્ટીસાયકોટિક્સ’ કહેવાતી દવા આપવામાં આવવાની સંભાવના છે.
એન્ટીસાયકોટિક્સ દવાઓ કેવી રીતે કામ કરે છે?
એન્ટીસાયકોટિક્સ દવાઓ મગજના વિવિધ રસાયણો પર અસર કરે છે, ખાસ કરીને ‘ડોપામાઇન’ નામના રસાયણ પર. એવું માનવામાં આવે છે કે ભ્રમ અને આભાસ જેવા માનસિક લક્ષણો મગજમાં વધુ ડોપામાઇન ઉત્પન્ન થવાથી થાય છે. એન્ટીસાયકોટિક્સ દવાઓ મગજમાં ડોપામાઇનનું સ્તર ઘટાડીને કામ કરે છે, જેના કારણે માનસિક લક્ષણોમાં સુધારો થાય છે અથવા તે ઘટે છે.
સીરોતોનીન, નોરઅડરેનલિન, હિસ્ટામિન અને ગ્લૂટામેટ જેવા અન્ય મગજના રસાયણો પર પણ મનોવિકૃતિમાં અસર થતી હોવાનું માનવામાં આવે છે. ઘણી એન્ટીસાયકોટિક્સ દવાઓ આ રસાયણોના સ્તર પર પણ અસર કરે છે.
શું એન્ટીસાયકોટિક્સ દવાઓની આડ-અસર હોય છે?
બધી દવાઓની આડ-અસર હોય છે અને તે વ્યક્તિ તથા દવાના પ્રકાર પર આધાર રાખે છે. તમારા ડૉક્ટર તમને એન્ટીસાયકોટિક્સ દવા શરૂ કરતાં પહેલાં સંભવિત આડ-અસર વિશે સમજાવશે અને તમારી દવા તથા ચિંતાઓ અંગે ચર્ચા કરવાની તક આપશે.
તમને એવી માહિતી આપતું પત્રક પણ આપવામાં આવશે જેમાં ભલામણ કરેલી દવાની સામાન્ય આડ-અસર વિશે સમજાવવામાં આવ્યું હોય. આ પત્રક વાંચવા માટે સમય લો અને કોઈ પ્રશ્ન હોય તો દવા લખી આપનાર વ્યક્તિને પૂછો.
જો તમને લાગે કે તમારી દવાથી અણગમતી આડ-અસર થાય છે, તો તમારા ડૉક્ટર સાથે વાત કરો. તેઓ તમને એવી દવા શોધવામાં મદદ કરશે જે તમારા લક્ષણોની સારવાર કરે પરંતુ અસહ્ય અથવા અણગમતી આડ-અસર ન કરે. એન્ટીસાયકોટિક્સ દવા લખતી વખતે તમારા ડૉક્ટર તમે લઈ રહેલી અન્ય દવાઓ અને તેમની વચ્ચેની સંભવિત પરસ્પર અસરોને પણ ધ્યાનમાં લેશે. તમે દવાઓ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓ વિશે વધુ BNFની વેબસાઇટ પર વાંચી શકો છો.
આરોગ્યનું નિરીક્ષણ
કોઈપણ એન્ટીસાયકોટિક્સ દવા શરૂ કરતા પહેલાં તમને સંપૂર્ણ શારીરિક સ્વાસ્થ્ય તપાસની ઓફર કરવામાં આવવી જોઈએ. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
- ડાયાબિટીસ અને ઊંચા કોલેસ્ટ્રોલ જેવી તકલીફો માટે લોહીની તપાસ
- શારીરિક અવલોકનો (જેવા કે બ્લડ પ્રેશર, હૃદયના ધબકારા અને તાપમાન)
- ઊંચાઈ અને વજનની તપાસ, તેમજ શક્ય હોય તો બોડી માસ ઇન્ડેક્સ (બી.એમ.આઈ.)
- ઇ.સી.જી., જે હૃદયની વિદ્યુત પ્રવૃત્તિ માપે છે
- ધૂમ્રપાન, દારૂ અને નશીલા પદાર્થો અંગે ચર્ચા, જો લાગુ પડે તો.
તમારી મનોવિકૃતિની સારવાર માટે તમને સૂચવવામાં આવેલી દવાઓ લેતી વખતે, વર્ષમાં ઓછામાં ઓછા એક વખત તમારા શારીરિક સ્વાસ્થ્યના નિરીક્ષણના પરીક્ષણો કરાવવા મહત્ત્વપૂર્ણ છે. આ તપાસ તમારા જી.પી. (ફેમલી ડોક્ટર) અથવા માનસિક સ્વાસ્થ્ય જુથ દ્વારા કરવામાં આવી શકે છે. તમારી શારીરિક સ્વાસ્થ્ય તપાસ કોણ કરશે અને કોઈ સમસ્યા મળ્યા પર શું થશે તે જાણવા માટે તમારા માનસિક સ્વાસ્થ્ય જુથ સાથે વાત કરો.
કેટલીક વસ્તુઓ એન્ટીસાયકોટિક્સ દવાઓ સાથે જોખમી રીતે પરસ્પર અસર કરી શકે છે, જેમ કે કેટલીક અન્ય દવાઓ, દારૂ, ગેરકાયદેસર નશીલા પદાર્થો અને સિગારેટ. તમારા ડૉક્ટર સાથે વાત કરવી મહત્ત્વપૂર્ણ છે:
- તમે કોઈપણ અન્ય દવાઓ લેવાનું શરૂ કરો તે પહેલાં
- જો તમે દારૂ પીતા હો
- જો તમે ગેરકાયદેસર ડ્રગ્સનો ઉપયોગ કરી રહ્યા છો
- જો તમે વધારે પ્રમાણમાં કેફીન લો છો (ખાસ કરીને જો તમે ક્યારેક જ આ કરો છો)
- જો તમે સિગારેટ પીવાનું શરૂ, બંધ અથવા ઓછી કરવાની વિચારણા કરો છો. જો તમે ધૂમ્રપાન બંધ કરો છો, તો તમારા લોહીમાં એન્ટીસાયકોટિક્સ દવાનું પ્રમાણ વધી શકે છે, તેથી તમને ઓછી માત્રા લેવાની જરૂર પડી શકે છે. આ ખાસ કરીને મહત્ત્વપૂર્ણ છે જો તમે ક્લોઝાપિન લઈ રહ્યા છો (ક્લોઝાપિન વિશે વધુ માહિતી આગામી વિભાગમાં મળશે).
- જો તમને કોઈ ચેપ લાગ્યો હોય, કારણ કે તે તમારા શરીરમાં દવાનું સ્તર બદલી શકે છે.
આરોગ્યનું નિરીક્ષણ કેમ જરૂરી છે?
મનોવિકૃતિ ધરાવતા લોકોને શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધુ થઈ શકે છે, ખાસ કરીને હૃદય સંબંધિત સ્વાસ્થ્ય, તેથી તેનું કાળજીપૂર્વક નિરીક્ષણ જરૂરી છે. તમારા ડૉક્ટર તમારી શારીરિક સ્વાસ્થ્ય સુધારવા માટે જીવનશૈલીમાં ફેરફાર, દવાઓનું અલગ રીતે વ્યવસ્થાપન અથવા કેટલીક આડ-અસર (જેમ કે વજન વધવું) રોકવા માટે વધારાની દવાઓ લેવાની ભલામણ કરી શકે છે.
મને કઈ એન્ટીસાયકોટિક્સ દવા આપવામાં આવશે?
એન્ટીસાયકોટિક્સ દવાઓ અનેક પ્રકારની છે. ક્લોઝાપિન સિવાય, બધી એન્ટીસાયકોટિક્સ દવાઓ સામાન્ય રીતે સમાન રીતે અસરકારક હોવાનો સંશોધનથી પુરાવો મળ્યો છે, જ્યારે ક્લોઝાપિન વધુ અસરકારક હોવાનું દર્શાવાયું છે. એક એન્ટિસાઈકોટિકથી બીજી એન્ટિસાઈકોટિકમાં શું બદલાય છે તે એ છે કે તે લેતી વખતે લોકોને કયા પ્રકારની આડ-અસર થાય છે અને તે કેટલી ગંભીર છે.
જો તમે નીચે મુજબ હો, તો તમને કેટલીક એન્ટીસાયકોટિક્સ દવાઓ ન લેવાની સલાહ આપવામાં આવી શકે છે:
- જો તમે ગર્ભવતી થઈ શકો તેવી સ્થિતિમાં હો
- જો તમે કેટલીક અન્ય દવાઓ લઈ રહ્યા હો
- જો તમને ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશર જેવી અન્ય આરોગ્ય સ્થિતિઓ હોય.
તમારા ડૉક્ટર આ તમામ બાબતો ધ્યાનમાં લઈ, તમારી સાથે મળીને એવી એન્ટીસાયકોટિક્સ દવા પસંદ કરશે જે તમને સૌથી વધુ અનુકૂળ પડે.
ક્લોઝાપિન
સંશોધન દર્શાવે છે કે અન્ય એન્ટીસાયકોટિક્સ દવાઓ અસરકારક ન હોય ત્યારે કામ કરતી એકમાત્ર દવા ક્લોઝાપિન છે. તમારા ડૉક્ટર ક્લોઝાપિન શરૂ કરવાની ભલામણ કરી શકે છે જો:
- તમે ઓછામાં ઓછા બે અલગ એન્ટીસાયકોટિક્સ દવાઓ ઘણા અઠવાડિયા સુધી લીધી હોય અને
- છતાં પણ તમે માનસિક લક્ષણોથી પરેશાન રહેતા હોય.
જો તમે ક્લોઝાપિન શરૂ કરશો, તો અગાઉ વર્ણવ્યા મુજબ સામાન્ય શારીરિક સ્વાસ્થ્ય તપાસ કરાશે. તમારું ચીવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવશે:
- ક્લોઝાપિન શરૂ કર્યા પછી પહેલા 18 અઠવાડિયા દરમિયાન દર અઠવાડિયે લોહીની તપાસ કરાવવી પડશે.
- ત્યારબાદ, એક વર્ષ સુધી તમારે દર બે અઠવાડિયે લોહીની તપાસ કરાવવી પડશે.
- એક વર્ષ પછી, ક્લોઝાપિન લેતા રહો ત્યાં સુધી દર ચાર અઠવાડિયે લોહીની તપાસ જરૂરી રહેશે.
લોહીની તપાસ
જો તમે ક્લોઝાપિન લઈ રહ્યા હો, તો તમારે નિયમિત રીતે ફુલ બ્લડ કાઉન્ટ નામની લોહીની તપાસ કરાવવી પડશે. આ ક્લોઝાપિનની ખૂબ જ દુર્લભ સંભવિત આડ-અસરની તપાસ કરવા માટે છે જેમાં તમારા શરીરમાં શ્વેત રક્તકણોની સંખ્યા ઘટી જાય છે. શ્વેત રક્તકણો ચેપ સામે લડવા માટે જરૂરી હોય છે અને તેની અછત તમને ગંભીર રીતે બીમાર કરી શકે છે. નિયમિત લોહીની તપાસ ડૉક્ટરને કોઈ સમસ્યા ન હોવાનો સમયસર સંકેત આપે છે.
કેટલીક વાર પ્લાઝ્મા લેવલ મોનીટરીંગ નામની અલગ લોહીની તપાસ પણ કરાવવી પડી શકે છે. આ તપાસ લોહીમાં ક્લોઝાપિનનું પ્રમાણ માપે છે. આથી યોગ્ય માત્રા લેવામાં આવી રહી છે કે નહીં અને દવાથી સંબંધિત કોઈ આરોગ્ય તકલીફ છે કે નહીં તે જાણી શકાય છે.
ભવિષ્યમાં અમુક વ્યક્તિઓને લોહીની તપાસ ઓછી વાર કરાવવાની જરૂર પડે તેવી સંભાવના દર્શાવતા પુરાવા સામે આવી રહ્યા છે. જો આ અંગે માર્ગદર્શન બદલાય, તો તમારા માનસિક સ્વાસ્થ્ય જુથ તમારી સાથે આ અંગે ચર્ચા કરશે.
જો તમે ક્લોઝાપિન લઈ રહ્યા હો, તો તેને ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ લેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમે 48 કલાકથી વધુ સમય સુધી ક્લોઝાપિનની માત્રા ચૂકી જાઓ, તો આગળની માત્રા લેતા પહેલાં સલાહ માટે તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. આનું કારણ એ છે કે વિરામ પછી સંપૂર્ણ માત્રા લેવી અસુરક્ષિત હોઈ શકે છે.
આડ-અસર
ક્લોઝાપિન લેતા કેટલાક લોકોને અન્ય કેટલીક આડ-અસર પણ થઈ શકે છે. એમાંથી કેટલીક આડ-અસર અગાઉના વિભાગમાં દર્શાવેલી એન્ટીસાયકોટિક્સ દવાઓ જેવી જ હોય છે, પરંતુ કેટલીક ખાસ કરીને ક્લોઝાપિનને કારણે વધુ સામાન્ય છે, જેમાં સમાવેશ થાય છે:
- વજન વધવું
- થાક લાગવો
- કબજિયાત.
ક્લોઝાપિન કેટલાક લોકોમાં હૃદયને સામાન્ય કરતાં વધુ ઝડપથી ધબકવાનું કારણ પણ બની શકે છે (જેને સાઇનસ ટૅકિકાર્ડિયા તરીકે ઓળખવામાં આવે છે). ક્લોઝાપિન શરૂ કરતી વખતે આ શરીરની સામાન્ય પ્રતિક્રિયા પણ હોઈ શકે છે. પરંતુ, તે હૃદયને નુકસાન થવાનું લક્ષણ પણ હોઈ શકે છે. તેથી જો કોઈ વ્યક્તિમાં સાઇનસ ટૅકિકાર્ડિયા સતત ચાલુ રહે, તો હૃદયને નુકસાનના અન્ય લક્ષણો માટે તપાસ કરાવવી જોઈએ.
આ આડ-અસર ચિંતાજનક લાગી શકે છે, પરંતુ મોટાભાગની આડ-અસર સરળતાથી સંભાળી શકાય છે.
મારે દવા કેટલો સમય લેવી પડશે?
ઘણા લોકો જાણવા માંગે છે કે તેમને દવા કેટલી અવધિ સુધી લેવી પડશે અને ભવિષ્યમાં તેને બંધ કરી શકશે કે નહીં. કોઈ વ્યક્તિને દવા કેટલી વાર લેવી પડશે તે અનુમાન લગાવવું મુશ્કેલ હોઈ શકે છે અને તે વિવિધ પરિબળો પર આધાર રાખે છે.
દવા શરૂ કર્યા પછી 1 થી 2 વર્ષમાં જો તમે દવા બંધ કરો, તો પુનરાવર્તન (રિલેપ્સ)નો ખતરો વધુ રહે છે. પુનરાવર્તન એટલે મનોવિકૃતિના વધુ તબક્કાઓનો અનુભવ થવો. દવા ચાલુ રાખવાથી આગળના પુનરાવર્તનનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.
જો તમે દવા બંધ કરો અને ફરી મનોવિકૃતિનો તબક્કો આવે, તો તમારે ફરી દવા શરૂ કરવી પડી શકે છે અને સ્વસ્થ રહેવા માટે તેને ચાલુ રાખવી પડી શકે છે. તમારે દવા કેટલી વાર લેવી પડશે તે તમારી વ્યક્તિગત પરિસ્થિતિ પર આધાર રાખે છે.
જો હું દવા લેવા નું બંધ કરું તો શું થશે?
જો તમે દવા લેવા નું બંધ કરો, તો તમે ફરી અસ્વસ્થ બની શકો. જેટલી વધુ વખત પુનરાવર્તન થાય, તેટલું સ્વસ્થ થવું ફરીથી વધુ મુશ્કેલ બની શકે છે. દરેક વખતે તમને સાજા થવાનો સમાન સ્તર પ્રાપ્ત થાય એવું જરૂરી નથી. આ એક કારણ છે જેને કારણે તમારા ડૉક્ટરો તમને દવા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરશે.
જો તમે દવા બંધ કરવા માંગતા હો અથવા તે અંગે વિચારતા હો, તો અમે દ્રઢતાપૂર્વક ભલામણ કરીએ છીએ કે પહેલા તમારા માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિક અથવા જી.પી. (ફેમલી ડોક્ટર) સાથે વાત કરો. તેઓ દવા બંધ કરવાના ફાયદા, નુકસાન, સંભવિત જોખમો અને તેને સૌથી સલામત રીતે કેવી રીતે બંધ કરવી તે અંગે તમારી સાથે ચર્ચા કરશે.
લાંબા સમય સુધી અસર કરતી ઇન્જેક્શન દ્વારા આપવામાં આવતી દવાઓ
લાંબા સમય સુધી કામ કરતી ઇન્જેક્ટેબલ દવાઓ, જેને ડેપો દવા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એવી દવાઓ છે જે ટેબ્લેટ તરીકે લેવાને બદલે સ્નાયુમાં ઇન્જેક્શન (ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન) તરીકે આપવામાં આવે છે. આ દવાઓ ધીમેધીમે અઠવાડિયા સુધી શરીરમાં છૂટતી રહે છે.
લાંબા સમય સુધી અસર કરતું ઇન્જેક્શન જે દવા ધરાવે છે, એ જ દવા ગોળી (ટેબ્લેટ) સ્વરૂપમાં પણ હોય છે.
કેટલાક લોકોને ગોળી કરતાં લાંબા સમય સુધી અસર કરતું ઇન્જેક્શન વધુ પસંદ હોય છે, કારણ કે તેમને દરરોજ દવા લેવાની યાદ રાખવાની જરૂર પડતી નથી. બીજી તરફ, કેટલાક લોકોને ઇન્જેક્શન ગમતાં નથી અથવા તેઓ દરરોજ ગોળી લેવાનો વિકલ્પ વધારે પસંદ કરે છે.
સંશોધન દર્શાવે છે કે લાંબા સમય સુધી અસર કરતું ઇન્જેક્શન લેતા લોકોમાં, ગોળી સ્વરૂપમાં એન્ટીસાયકોટિક્સ દવાઓ લેતા લોકોની તુલનામાં વધુ સારા પરિણામો જોવા મળે છે. લાંબા સમય સુધી અસર કરતી ઇન્જેક્ટેબલ એન્ટીસાયકોટિક્સ દવાઓ વિશે વધુ માહિતી તમે અમારા માહિતી સ્રોતમાં મેળવી શકો છો.
મનોવૈજ્ઞાનિક ઉપચાર
મનોવૈજ્ઞાનિક ઉપચાર અથવા વાતચીત આધારિત ઉપચાર એ એવા ઉપચાર છે જેમાં તમે તમારી સમસ્યાઓ વિશે એકલા અથવા સમૂહમાં ચિકિત્સક સાથે વાત કરો છો.
મનોવૈજ્ઞાનિક ઉપચાર મનોવિકૃતિ, સ્કિઝોફ્રેનિયા અને સ્કિઝોએફેક્ટિવ ડિસઓર્ડર માટે ભલામણ કરાયેલ ઉપચાર છે અને તેની અસરકારકતાના ઘણા પુરાવા ઉપલબ્ધ છે. તમને દવાની સાથે-સાથે મનોવૈજ્ઞાનિક ઉપચાર પણ આપવાનો પ્રસ્તાવ થવો જોઈએ, કારણ કે બંને સાથે લેવાથી વધુ અસરકારક બની શકે છે.
તમને વિવિધ મનોવૈજ્ઞાનિક ઉપચાર કેટલા મદદરૂપ લાગશે તે તમારી વ્યક્તિગત પરિસ્થિતિ પર આધાર રાખે છે.
દુર્ભાગ્યે, તમે જ્યાં રહેતા હો તેના આધાર પર મનોવૈજ્ઞાનિક ઉપચાર મેળવવામાં થોડી વાર લાગી શકે છે.
જ્ઞાનાત્મક વર્તણૂકીય ઉપચાર (સી.બી.ટી.)
સી.બી.ટી. તમને રોજિંદી પરિસ્થિતિઓમાં વિચારવાની અને પ્રતિક્રિયા આપવાની વધુ ઉપયોગી રીતો શીખવામાં મદદ કરે છે. અન્ય કેટલીક વાતચીત આધારિત થેરાપીઓથી અલગ, સી.બી.ટી. તમારા ભૂતકાળના અનુભવો કરતાં તમારી હાલની મુશ્કેલીઓ પર વધુ ધ્યાન આપે છે.
તમને વ્યક્તિગત સી.બી.ટી. (જ્યાં તમે ચિકિત્સકને એકલા મળો છો) ઓછામાં ઓછા 16 સાપ્તાહિક સત્રો માટે આપવામાં આવવી જોઈએ.
સી.બી.ટી. મને કેવી રીતે મદદ કરી શકે?
સી.બી.ટી. તમને નીચે મુજબ મદદ કરી શકે છે:
- તમારા લક્ષણોના સંદર્ભમાં તમારા વિચારો, ભાવનાઓ અને વર્તણૂક વચ્ચેના સંબંધોને સમજવામાં
- તમારી માન્યતાઓ તમારા લક્ષણોથી કેવી રીતે સંબંધિત છે તે સમજવામાં
- તમારા લક્ષણોનો સામનો કરવા માટે વૈકલ્પિક રીતો વિકસાવવામાં
- તમારા લક્ષણોથી થતા તણાવને ઓછો અનુભવવામાં.
હું સી.બી.ટી. ક્યારે શરૂ કરીશ?
મનોવૈજ્ઞાનિક ઉપચાર સામાન્ય રીતે ત્યારે વધુ ઉપયોગી થાય છે જ્યારે તમે તેમાં સક્રિય રીતે જોડાઓ અને સુનિશ્ચિત સત્રો ઉપરાંતનું કામ પણ પૂર્ણ કરો. જો તમે માનસિક રીતે વધુ અસ્વસ્થ હો, તો તમે થોડા વધુ સ્થિર થાઓ ત્યારબાદ સી.બી.ટી. શરૂ કરવું વધુ યોગ્ય હોઈ શકે છે. કારણ કે સી.બી.ટી. દરમિયાન તમારે કેટલીક ભ્રમણાઓ અથવા માન્યતાઓને પડકારવી પડી શકે છે. જો તમે તેના માટે તૈયાર ન હો, તો તે તમારા અને ચિકિત્સક વચ્ચેના સંબંધને નુકસાન પહોંચાડી શકે છે અને તમારું માનસિક સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ શકે છે.
કલાત્મક ઉપચાર
કલાત્મક ઉપચારમાં સર્જનાત્મક અભિવ્યક્ના વિવિધ સ્વરૂપોનો ઉપયોગ કરીને લોકોને તેમના વિચારો અને ભાવનાઓને સમજવા અને શોધખોળ કરવામાં મદદ મળે છે. કલાત્મક ઉપચારમાં ચિત્રકામ, ફોટોગ્રાફી, મૂર્તિકલા, સંગીત અને લેખન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ શકે છે.
કલાત્મક ઉપચાર તમને નીચે મુજબ મદદ કરી શકે છે:
- પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં
- અન્ય લોકો સાથે વાતચીત કરવાની નવી રીતો શોધવામાં
- તમારા અનુભવોને કળા દ્વારા રજૂ કરવામાં.
કુટુંબ આધારિત હસ્તક્ષેપ
કુટુંબ આધારિત હસ્તક્ષેપ એ વિવિધ પ્રકારની સહાય છે, જે તમને અને તમારા પરિવારને તમારી સાજા થવાની પ્રક્રિયામાં મદદ કરવા માટે આપવામાં આવે છે.
કુટુંબ સાથે કામ કરવાની ઘણી અલગ-અલગ રીતો હોય છે. પરંતુ, કુટુંબ આધારિત હસ્તક્ષેપ માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકો દ્વારા કરવામાં આવવા જોઈએ અને તેમાં નીચેની બાબતો આવરી લેવાય છે:
- માનસિક આરોગ્ય વિશે શિક્ષણ – તમને અને તમારા પરિવારને તમારા નિદાનને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવી
- તણાવનું સંચાલન કરવું અને તેને ઘટાડવું
- તમને અને તમારા પરિવારને ભાવનાઓને અસરકારક રીતે સમજવા અને સંભાળવામાં મદદ કરવી
- વિચારો અને માન્યતાઓ વિશે અલગ રીતે વિચારવાનું શીખવું
- સમસ્યાઓ ઉકેલવાની કુશળતાઓ.
કુટુંબ આધારિત હસ્તક્ષેપમાં તમે સામેલ હોઈ શકો છો અથવા શરૂઆતમાં તે માત્ર તમારા પરિવારને પણ આપવામાં આવી શકે છે. કુટુંબ આધારિત હસ્તક્ષેપ ઓછામાં ઓછા ત્રણ મહિના માટે અને ઓછામાં ઓછા 10 સત્ર માટે આપવામાં આવવા જોઈએ.
અન્ય ઉપચાર
અહીં કેટલીક અન્ય ઉપચાર પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલી નથી, જેમ કે અવાજ દ્વારા સંવાદ (અથવા અવતાર) થેરાપી, કારણ કે તે સમગ્ર UKમાં વ્યાપક રીતે ઉપલબ્ધ નથી.
હોસ્પિટલમાં દાખલ થવું
જો તમે ખૂબ અસ્વસ્થ હો, તો સાજા થવામાં મદદ માટે તમારે માનસિક હોસ્પિટલમાં થોડો સમય પસાર કરવો પડી શકે છે. આ પરિસ્થિતિઓમાં તે મદદરૂપ બની શકે છે જો તમે:
- ઊંચા સ્તરની સારવાર અને સંભાળની જરૂર ધરાવતા હો
- પોતાને અથવા અન્ય લોકોને નુકસાન પહોંચાડવાનું જોખમ ધરાવતા હો
- અન્ય લોકો દ્વારા તમને નુકસાન પહોંચવાનું જોખમ હોવાથી.
માનસિક સ્વાસ્થ્ય કાયદા હેઠળ અટકાયત કરાય (બીઇંગ સેક્શન્ડ)
કેટલીક પરિસ્થિતિઓમાં, તમારે માનસિક સ્વાસ્થ્ય અધિનિયમ હેઠળ મૂલ્યાંકન કરવાની જરૂર પડી શકે છે અને તમને હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવી શકે છે. જો તમારા માટે હોસ્પિટલમાં રહેવું અથવા તમારી સંભાળ વિશે જાતે નિર્ણય લેવાનું સલામત ન હોય તો આવું થઈ શકે છે. આને ‘બીઇંગ સેક્શન્ડ’ તરીકે ઓળખવામાં આવે છે, અને તેનો અર્થ એ છે કે તમને કાયદા મુજબ હોસ્પિટલમાં રાખવામાં આવશે.
સેક્શન્ડના વિવિધ પ્રકારો હોય છે અને તેના વિશે વધુ માહિતી તમે બીઇંગ સેક્શન્ડ અંગેના અમારા સ્રોતમાં મેળવી શકો છો. આ સ્રોત માત્ર ઈંગ્લેન્ડ અને વેલ્સ માટે લાગુ પડે છે; સ્કોટલેન્ડ અને નોર્દન આયર્લેન્ડમાં અલગ કાયદા અને નિયમો છે.
જો તમને માનસિક સ્વાસ્થ્ય એક્ટ હેઠળ દાખલ રાખવામાં આવ્યા હોય, તો પણ તમારા ડૉક્ટરોએ તમારી સારવાર વિશે તમારો અભિપ્રાય પૂછવો જોઈએ અને શક્ય તેટલું તમને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવામાં મદદ કરવી જોઈએ. કેટલીક પરિસ્થિતિઓમાં, તમારા ડૉક્ટરોને તમારી સારવાર વિશે નજીકના મિત્ર, પરિવારના સભ્ય અથવા સંભાળ રાખનાર સાથે વાત કરવાની જરૂર પડી શકે છે. માહિતીના શેરિંગ અંગે નિયમો છે, જેના વિશે તમે માનસિક બીમારી ધરાવતા વ્યક્તિની સંભાળ રાખવા અંગેના અમારા માહિતી સ્રોતમાં વધુ જાણી શકો છો.
સ્વતંત્ર માનસિક સ્વાસ્થ્ય એડવોકેટ્સ
જો તમને માનસિક સ્વાસ્થ્ય એક્ટ હેઠળ દાખલ રાખવામાં આવ્યા હોય, તો તમને આપમેળે સ્વતંત્ર માનસિક સ્વાસ્થ્ય એડવોકેટ (આઈ.એમ.એચ.એ.)નો સંપર્ક કરવાનો અધિકાર મળે છે.
આઈ.એમ.એચ.એ. એવી વ્યક્તિઓ હોય છે જેમને નીચેની બાબતોનું સારું જ્ઞાન હોય છે:
- માનસિક સ્વાસ્થ્ય એક્ટ
- માનસિક સ્વાસ્થ્ય એક્ટ હેઠળ દાખલ રાખવામાં આવેલા વ્યક્તિઓના અધિકારો.
આઈ.એમ.એચ.એ. માનસિક સ્વાસ્થ્ય ટ્રસ્ટથી સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે, જેના હેઠળ તમારી હોસ્પિટલમાં સંભાળ લેવામાં આવે છે. તેઓ તમને તમારા કાયદેસર દાખલ સામે અપીલ કરવામાં સહાય કરી શકે છે અને વોર્ડ રિવ્યુમાં હાજર રહી શકે છે. તેઓ ખાતરી કરવામાં મદદ કરી શકે છે કે તમારી વાતો અને અભિપ્રાયો તમારી સારવાર કરનાર લોકો દ્વારા સંભાળવામાં આવે અને ધ્યાનમાં લેવામાં આવે.
આઈ.એમ.એચ.એ. વિશે વધુ માહિતી તમે માઇન્ડ વેબસાઇટ પર મેળવી શકો છો.
સમુદાય આધારિત માનસિક સ્વાસ્થ્ય સેવાઓ
શક્ય છે કે તમે તમારી સંભાળ અને સારવાર સમુદાયમાં મેળવી શકો. તેનો અર્થ એ છે કે તમે ઘરે અથવા સમર્થિત રહેણાકમાં રહી શકો છો અને સમુદાય માનસિક આરોગ્ય જુથ દ્વારા તમારી સારવાર થઈ શકે છે.
સમુદાય માનસિક આરોગ્ય જુથમાં વિવિધ ભૂમિકાઓ સામેલ હોય છે, જેમ કે મનોચિકિત્સક, માનસિક સ્વાસ્થ્ય નર્સ, ઑક્યુપેશનલ ચિકિત્સક, સાયકોલોજિસ્ટ, સપોર્ટ વર્કર વગેરે.
દવાઓની સમીક્ષા કરીને અથવા મનોવૈજ્ઞાનિક ઉપચાર આપીને માનસિક સ્વાસ્થ્ય સહાય પૂરી પાડવા ઉપરાંત, તેઓ રોજગાર, રહેઠાણ અથવા લાભ માટે અરજી જેવી અન્ય બાબતોમાં પણ મદદ કરી શકે છે.
સમર્થિત રહેણાંક
જો તમને સમર્થિત રહેણાંકની જરૂર હોય, તો તેને મેળવવાની પ્રક્રિયા જટિલ હોઈ શકે છે. તેને મેળવવું તમારી સંભાળમાં જોડાયેલા તમામ લોકો વચ્ચેના સહકાર પર આધાર રાખે છે. સમુદાયમાં સંભાળ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ તમારી સ્વતંત્રતા વધારવો હોવો જોઈએ, સાથેસાથે યોગ્ય સહાય ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવું.
સમુદાયની ટીમો
સમુદાયમાં તમને સહાય આપી શકે તેવી વિવિધ ટીમ હોય છે:
મનોવિકૃતિ માટેની પ્રારંભિક હસ્તક્ષેપ ટીમ
આ ટીમ પ્રથમ વખત મનોવિકૃતિ અનુભવતા લોકોને તીવ્ર સહાય આપે છે, જેમાંથી કેટલાકને સ્કિઝોફ્રેનિયા અથવા સ્કિઝોએફેક્ટિવ ડિસઓર્ડરનું નિદાન હોઈ શકે છે.
એસર્ટિવ આઉટરીચ ટીમ
આ ટીમ લાંબા સમયથી સ્કિઝોફ્રેનિયા અથવા સ્કિઝોએફેક્ટિવ ડિસઓર્ડર ધરાવતા લોકોને વ્યાપક સહાય અને ટેકો આપે છે. અન્ય સેવાઓ સાથે કામ કરવામાં મુશ્કેલી અનુભવતા લોકો માટે અથવા વિવિધ કારણોસર નિયમિત રીતે દવાઓ ન લઈ શકતા લોકો માટે, આ ખાસ કરીને મદદરૂપ બની શકે છે.
સંકટ નિવારણ અને ઘરેથી સારવાર ટીમ
જો તમે માનસિક રીતે અસ્વસ્થ થઈ રહ્યા હો તો હોસ્પિટલમાં દાખલ થવાના વિકલ્પ તરીકે આ ટીમ તમને મદદ કરી શકે છે.
વ્યાવસાયિક પુનર્વસન
તેમાં ડે સેન્ટર, ડે હોસ્પિટલો અને સમુદાય આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ સુવિધાઓ કામ પર પાછા ફરવાના કોર્સ, શિક્ષણ, કલા અને રસોઈ જેવી વિવિધ પ્રવૃત્તિઓ આપે છે. તમને તમારા જેવા અનુભવ ધરાવતા અન્ય લોકો સાથે પણ જોડાણ કરવાની તક મળી શકે છે.
તમે જ્યાં રહેતા હો તે પ્રમાણે આ સેવાઓની ઉપલબ્ધતા વ્યાપકપણે બદલાઈ શકે છે.
સામાજિક સહાય
જો તમને સમુદાયમાં પોતાની જાતની સંભાળ રાખવામાં મુશ્કેલી પડી રહી હોય, તો તમને એક સોશિયલ વર્કર આપવામાં આવે તે મદદરૂપ બની શકે છે, જે તમારી અપૂર્તિ સામાજિક સંભાળની જરૂરિયાતો સમજવા માટે કેર એકટ મૂલ્યાંકન કરશે.
કેર એકટ મૂલ્યાંકન અનુસાર તમને નીચેની બાબતોની ભલામણ થઈ શકે છે:
- તમારા પોતાના નિવાસસ્થાને સમુદાયમાં સંભાળનું પૅકેજ
- સમર્થિત રહેણાંકમાં વ્યવસ્થા
- ઑક્યુપેશનલ ચિકિત્સક દ્વારા મૂલ્યાંકન
જ્યારે તમને મનોચિકિત્સક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અથવા જ્યારે તમે સમુદાયમાં હો ત્યારે કેર એક્ટનું મૂલ્યાંકન થઈ શકે છે.
હું ક્યારે સાજો થવાની અપેક્ષા રાખી શકું?
સાજા થવાનો અનુભવ અલગ-અલગ લોકો માટે ખૂબ જ અલગ હોય છે. તે અનેક બાબતો પર આધાર રાખે છે, જેમ કે તમે નિર્ધારિત દવાઓ કેટલા નિયમિત રીતે લો છો, તમે માનસિક સ્વાસ્થ્ય સેવાઓ સાથે કેટલો સહકાર આપો છો અને મિત્રો તથા પરિવાર તરફથી તમને કેટલો સહારો મળે છે. તમે સ્વસ્થ થવા અને સ્વસ્થ રહેવા માટે બધા ‘યોગ્ય’ કાર્ય કરો, છતાં પણ તમારા લક્ષણોમાં વધઘટ આવી શકે છે.
સાજા થવાને ‘હવે કોઈ લક્ષણો નથી’ એમ ન વિચારવું મદદરૂપ થઈ શકે છે, કારણ કે તે હંમેશા શક્ય ન હોઈ શકે. તેના બદલે, તમે સાજા થવાને આ રીતે સમજી શકો છો:
- તમે અગાઉ કરતા હતા તે કામો ફરી કરી શકો
- તમારી સ્થિતિને સમજવી
- તમને શક્ય તેટલા સ્વસ્થ રહેવામાં શું મદદ કરે છે તે શીખવું
- તમે ક્યારે અસ્વસ્થ થઈ રહ્યા છો તેની નિશાનીઓ ઓળખવી અને તે વખતે તમને કઈ મદદની જરૂર છે તે જાણવું.
હું મારી જાતને કેવી રીતે સહારો આપી શકું?
સ્વસ્થ રહેવા માટે તમારી જાતને શક્ય તેટલો સહારો આપવા માટે તમે ઘણી બાબતો કરી શકો છો. તમારા માનસિક સ્વાસ્થ્ય જુથે તમને સ્વસ્થ રહેવાની યોજના તૈયાર કરીને આપવી જોઈએ અને તેને પૂર્ણ કરવા તમારી સાથે કામ કરવું જોઈએ. તમારી સ્વસ્થ રહેવાની યોજનાની નિયમિત સમીક્ષા થવી જોઈએ અને જરૂર પડે ત્યારે તેમાં ફેરફાર થવો જોઈએ. આ યોજના તમારી સાથે અને તમારી સંભાળમાં જોડાયેલા લોકોના સહકારથી તૈયાર કરવામાં આવે તે મહત્ત્વપૂર્ણ છે અને તેમાં આવરી લેવાયેલી બાબતો તમારા માટે સંબંધિત હોવી જોઈએ.
તમારી જાતને સહારો આપવા માટે તમે કરી શકો એવી અન્ય મહત્ત્વપૂર્ણ બાબતોમાં આનો સમાવેશ થાય છે:
તમને તણાવ આપતી બાબતોને ટાળવી
આ બાબતો વ્યક્તિ પ્રમાણે બદલાય છે, પરંતુ તેમાં નીચેની બાબતો સામેલ હોઈ શકે છે:
- ટ્રિગર બનતું વાતાવરણ – કેટલીક જગ્યાઓ અથવા લોકો જે તમને ખાસ કરીને વધુ તણાવપૂર્ણ બનાવે.
- માદક પદાર્થો અને દારૂ – દારૂ પીવો અથવા નશો કરવો ક્ષણિક રીતે આનંદદાયક લાગી શકે છે, પરંતુ લાંબાગાળે તે તમારા માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. માદક પદાર્થો અને દારૂ તમારી મનોદશાને ખરાબ કરી શકે છે, તમને શંકાસ્પદ લાગણી આપી શકે છે અથવા ભ્રમ દેખાવા શરૂ થઈ શકે છે. માદક પદાર્થો અને દારૂ તમારી દવાઓ સાથે પ્રતિક્રિયા કરી શકે છે અને તે ખૂબ જ જોખમી બની થઈ શકે છે.
તમારી સુખાકારીને સહારો આપતી પ્રવૃત્તિઓ કરવી
આમાંથી ઘણી બાબતો એવી છે કે જે દરેક વ્યક્તિ પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સારું રાખવા માટે કરી શકે છે. જો તમને માનસિક બીમારી હોય, તો આ બાબતો ખાસ કરીને મદદરૂપ બની શકે છે:
- સારો આહાર લેવો – નિયમિતપણે ખાવાનો પ્રયાસ કરો, ભોજન છોડવાનું ટાળો અને મુખ્ય ખોરાક સમૂહોમાંથી આહાર લો. સારો આહાર શું છે તે વિશે વધુ માહિતી માટે તમે NHSની વેબસાઇટ જોઈ શકો છો.
- કસરત કરવી – શારીરિક રીતે સક્રિય રહેવું સારા માનસિક સ્વાસ્થ્યને ટેકો આપે છે એવું સાબિત થયું છે. તમને ગમતી એવી કોઈ કસરત શોધો, જેને તમે નિયમિત રીતે કરી શકો. તેમાં ઝડપથી ચાલવું, તરવું અથવા નજીકના કોઈ કસરતના વર્ગમાં જવાનો સમાવેશ થઈ શકે છે.
- તમારા માનસિક સ્વાસ્થ્ય જુથ સાથે સંપર્કમાં રહેવું – જો તમે માનસિક રીતે સંઘર્ષ અનુભવો છો, તો તમારા માનસિક આરોગ્ય જુથનો સંપર્ક કરો અને તમને મદદની જરૂર હોય તે ક્ષેત્રોમાં તેઓ કયા પ્રકારનો સહારો આપી શકે છે તે જાણો.
- આર્થિક અને રહેણાંક સ્થિરતા – પૈસા અથવા રહેણાંક સંબંધિત મુશ્કેલીઓ આપણા માટે સૌથી વધુ તણાવપૂર્વક અનુભવ હોઈ શકે છે. જો તમે રહેણાંક અથવા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હો, તો લાભો, આર્થિક સહાય અને દેવા અંગેની સલાહ વિશે અમારા સંસાધન જુઓ, જેમાં તમને કયા પ્રકારના લાભો મળવા પાત્ર છે અને તે કેવી રીતે મેળવવા તે સમજાવવામાં આવ્યું છે. જો તમારા માનસિક સ્વાસ્થ્ય જુથમાં ઓક્યુપેશનલ ચિકિત્સક હોય, તો તેઓ તમને આ બાબતમાં મદદ કરી શકે છે.
તમારા રિલેપ્સના લક્ષણોને સમજવું
તમારા રિલેપ્સ સિગ્નેચર એ એવી બાબતોનું વર્ણન કરવાની એક રીત છે જે તમે સામાન્ય રીતે કરવાનું શરૂ કરો છો અથવા જ્યારે તમે માનસિક રીતે અસ્વસ્થ થાઓ છો ત્યારે તમે જે વર્તન બતાવવાનું શરૂ કરો છો. તેને ‘સિગ્નેચર’ કહેવામાં આવે છે કારણ કે તે તમારા માટે અનન્ય હોય છે.
તમે અને તમારા નજીકના લોકો આ લક્ષણોની નોંધ લઈ શકો છો અને જો તે દેખાવા લાગે તો શું કરવું તેની સહમતિ આધારિત યોજના બનાવી શકો છો. તમે અસ્વસ્થ બનતા જઈ રહ્યા હો તેની નિશાનીઓમાં નીચેની બાબતો હોઈ શકે છે:
- ઊંઘ ન આવવી
- જાતને અલગ રાખવી અથવા સામાન્ય કરતાં વધુ બહાર જવું
- સામાન્ય કરતાં અલગ રીતે બોલવું અથવા વર્તવું
- કામ અથવા શાળાના પ્રદર્શનમાં ઘટાડો
- વધુ ચિડચિડાપણું અથવા આક્રમકતા, પરિવાર અને મિત્રો પ્રત્યે પણ
રિલેપ્સ સાથે જોડાયેલી એક મહત્ત્વપૂર્ણ બાબત ‘અંતર્દ્રષ્ટિનો અભાવ’ છે. આ એવો સમય છે જ્યારે તમને ખબર રહેતી નથી કે તમે અસ્વસ્થ છો અને તમારા લક્ષણો વાસ્તવિક નથી.
રિકવરી કોલેજો
રિકવરી કોલેજો માનસિક બીમારી, માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી અંગે ઑનલાઇન અને પ્રત્યક્ષ અભ્યાસક્રમો પ્રદાન કરે છે. આ અભ્યાસક્રમો તે લોકો માટે છે જેમણે માનસિક અસ્વસ્થતા અનુભવી છે અને જેમને પોતાની સ્થિતિ તથા પુનઃસ્વસ્થતામાં સહાય કેવી રીતે મેળવી શકાય તે જાણવા ઇચ્છે છે. રિકવરી કોલેજોમાં પરિવારજનો, મિત્રો અને સંભાળ આપનારાઓ માટે પણ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.
રિકવરી કોલેજો ઘણા NHS માનસિક સ્વાસ્થ્ય ટ્રસ્ટોમાં ઉપલબ્ધ છે અને Recovery College Online મારફતે ઑનલાઇન પણ મળે છે.
સામાજિક નિર્ધારણ
તમારા પુનઃસ્વસ્થતાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ એ હોઈ શકે છે કે તમે અન્ય લોકો સાથે આનંદદાયક પ્રવૃત્તિઓમાં સમય વિતાવો. સામાજિક નિર્ધારણ લોકોને તેમના નજીકના સમુદાયની સેવાઓ અને જૂથો સાથે જોડે છે, જે તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સહારો આપી શકે છે.
ઉદાહરણ તરીકે, જો તમને બાગકામ ગમે છે, તો સામાજિક નિર્ધારણ તમને નજીકના સાપ્તાહિક ધોરણે બાગકામ કરતા જૂથ સાથે જોડે છે, જેમાં તમે અન્ય લોકો સાથે મળીને તમારી પસંદગીની પ્રવૃત્તિ કરી શકો છો.
તમે અમારા સામાજિક નિર્ધારણ સંસાધનમાં આના વિશે વધુ જાણી શકો છો.
કામકાજ
જો તમે ખૂબ અસ્વસ્થ રહેતા હો, તો શક્ય છે કે તમારું કામકાજી જીવન બદલાવાની જરૂર પડે. તેનો અર્થ એ થઈ શકે છે કે તમારે તમારા નોકરીદાતા પાસેથી વધુ સહાય લેવી પડે, થોડા સમય માટે કામથી વિરામ લેવો પડે અથવા જો હાલની નોકરી તમને તણાવ આપે છે તો અલગ નોકરી શોધવી પડે. આ ફેરફારો કાયમી હોવા જરૂરી નથી, પરંતુ તમને સ્વસ્થ રહેવામાં શક્ય તેટલી મદદ કરે તેવા ફેરફારો શક્ય છે કે નહીં તેના વિશે વિચારવું મહત્ત્વપૂર્ણ છે.
તમારા નોકરીદાતાને માહિતગાર કરવા
જો તમને માનસિક બીમારી હોવાનું નિદાન થયું હોય, તો તમે વિચારી રહ્યા હશો કે તમારા નોકરીદાતાને જણાવવું કે નહીં. કેટલાક લોકોને તેમના નિદાન અંગે નોકરીદાતાને કહેતા ડર લાગે છે, કારણ કે તેમને નોકરી ગુમાવવાનો ભય હોય છે, ખરાબ વર્તન મળવાની ચિંતા હોય છે અથવા સાથી કર્મચારીઓથી અલગ રીતે વર્તન થાય તેવી ચિંતા હોય છે.
સમાનતા અધિનિયમ 2010 અને ઉત્તર આયર્લેન્ડમાં ડિસએબિલિટી ડિસ્ક્રિમિનેશન અધિનિયમ 1995 મુજબ માનસિક બીમારીઓને અપંગતા તરીકે ગણવામાં આવે છે. આનો અર્થ એ થાય છે કે કોઈ વ્યક્તિને ફક્ત તે માનસિક બીમારી ધરાવે છે એ કારણે ભેદભાવ કરવો કાયદેસર નથી.
જો તમે તમારા નોકરીદાતાને તમારા નિદાન વિશે કહો છો, તો તેમની કાનૂની જવાબદારી છે કે તેઓ તમને ટેકો આપે.
યોગ્ય ફેરફારો
તમારા નોકરીદાતાને તમારું કામ અનુકૂળ બને તે માટે યોગ્ય ફેરફારો કરવામાં મદદ કરવાની જરૂર પડી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે અસ્વસ્થ રહ્યા હો પરંતુ હવે ફરી કામ પર આવવા તૈયાર હો, તો તેઓ તમને તબક્કાવાર રીતે કામ પર પાછા ફરવાની વ્યવસ્થા આપી શકે છે. તેનો અર્થ એ થઈ શકે છે કે તમે આખા દિવસને બદલે અડધો દિવસ કામ કરો અથવા પાર્ટ-ટાઇમ કામ કરો અને પછી ધીમે-ધીમે ફરી ફુલ-ટાઇમ કરો.
તમારા માટે કયા પ્રકારના ફેરફારો મદદરૂપ થઈ શકે છે તેની વિચારણા કરો અને તમારા નોકરીદાતાની સાથે વાત કરો. યોગ્ય સમાયોજનો વિશે વધુ જાણવા માટે તમે Acasની વેબસાઇટ પર જોઈ શકો છો.
ઍક્સેસ ટુ વર્ક
ઍક્સેસ ટુ વર્ક એ વર્ક એન્ડ પેન્શન વિભાગ (DWP) દ્વારા આપવામાં આવતી સેવા છે, જે અપંગતા ધરાવતાં લોકોને વ્યવહારુ અને આર્થિક સહાય પ્રદાન કરી શકે છે. આ સેવા નોકરીમાં રહેલા, સ્વરોજગાર કરનાર, અથવા નોકરી શોધી રહેલા લોકો માટે ઉપલબ્ધ છે.
ઍક્સેસ ટુ વર્ક ઉપર વર્ણવેલા ‘યોગ્ય ફેરફારો’ કરતાં વધુ સહાય અથવા અનુકૂલનો પ્રદાન કરી શકે છે. ઉદાહરણ તરીકે, ઍક્સેસ ટુ વર્ક તમારા નોકરીદાતાને તમારા માટે જૉબ કોચ અથવા વધારાની તાલીમ માટે ખર્ચ ચૂકવવામાં મદદ કરી શકે છે.
ડ્રાઇવિંગ
જો તમને મનોવિકૃતિનો અનુભવ થતો હોય અને તમે વાહન ચલાવતા હો, તો કાયદા મુજબ તમારે Driver and Vehicle Licensing Agency (DVLA)ને જાણ કરવી ફરજિયાત બને છે.
જ્યારે તમે અસ્વસ્થ હો ત્યારે તમારે ડ્રાઇવિંગ બંધ કરવું પડશે, કારણ કે તે સમયે વાહન ચલાવવું તમારા માટે સલામત નથી. જોકે, જો તમે ઓછામાં ઓછા 3 મહિના સુધી સ્વસ્થ રહ્યા હો, તો શક્ય છે કે તમે ફરીથી ડ્રાઇવિંગ શરૂ કરી શકો. તમારા માટે વાહન ચલાવવું સલામત છે કે નહીં તે સમજવામાં તમારા ડૉક્ટર તમને મદદ કરી શકે છે.
તમારી પુનઃસ્વસ્થતા બાદ, DVLA તમારા જી.પી. (ફેમલી ડોક્ટર) અથવા મનોચિકિત્સકને સંપર્ક કરશે અને ફરીથી ડ્રાઇવિંગ કરવું સલામત છે કે નહીં તેનું તેઓ મૂલ્યાંકન કરે તેવી વિનંતી કરશે.
માનસિક બીમારીઓ અને ડ્રાઇવિંગ વિશે વધુ માહિતી તમે DVLA વેબસાઇટ પર માનસિક વિકારો વિષયક વિભાગમાં જોઈ શકો છો.
પરિવાર અને મિત્રો માટે માહિતી
જો તમને કોઈ એવી વ્યક્તિને ઓળખતા હો, જેમણે મનોવિકૃતિનો અનુભવ કર્યો હોય, તો તમે વિચારી રહ્યા હશો કે તેમને કેવી રીતે ટેકો આપવો. અહીં, અમે એવી કેટલીક બાબતો સૂચવી છે જે તમે કરી શકો છો.
પોતાને સહારો આપવો
નિદાન પામેલી વ્યક્તિને ઓળખતા લોકોને પણ મનોવિકૃતિ અસર કરી શકે છે. જો તમે જાણતા હો અથવા જેની સંભાળ રાખતા હો તેવી કોઈ વ્યક્તિ મનોવિકૃતિનો ભોગ બની રહી હોય, તો માહિતી અને સમર્થન મેળવવું પણ તમને મદદરૂપ થઈ શકે છે. આ બંને માટે મદદરૂપ થઈ શકે છે, કારણ કે તમે જેટલા વધુ માહિતગાર અને સહાયક હશો, તેટલી વધુ સારી રીતે તમે તે વ્યક્તિને મદદ કરી શકશો.
મનોવિકૃતિ વિશે જાણવું
મનોવિકૃતિ એક એવી સ્થિતિ છે જેને ઘણીવાર ગેરસમજ થતી સ્થિતિ છે. આરોગ્ય સંસ્થાઓ અથવા ચેરિટી દ્વારા આપવામાં આવેલી વિશ્વસનીય માહિતીનો ઉપયોગ કરીને, તમારા સમયે મનોવિકૃતિ વિશે વધુ જાણીને તમે ઓળખતા હો એવી વ્યક્તિને મદદ કરી શકો છો; જેમાંથી કેટલાક સ્ત્રોતો અમે નીચે આપેલા છે. તમે મનોવિકૃતિનો અનુભવ કરેલા લોકોની કહાણીઓ પણ વાંચી શકો છો, જેથી હાલમાં અને ભવિષ્યમાં તમને અને તમારા પ્રિયજનને શું અપેક્ષા રાખવી તે સમજવામાં મદદ મળે.
તમે કેવી રીતે મદદ કરી શકો તે જાણવું
તમે ઓળખતા હો એવી વ્યક્તિને પૂછો કે કઈ ખાસ બાબતોમાં તમે તેમને સહારો આપી શકો. તેઓ તમારી વ્યવહારુ મદદ માગી શકે છે, જેમ કે તેમની આર્થિક બાબતો આયોજન કરવામાં મદદ કરવી. અથવા તેઓ ભાવનાત્મક સહાય માટે કહી શકે છે, જેમ કે તેમની સાથે કોઈ મુલાકાતમાં હાજર રહેવું.
જો તમે કોઈની સંભાળમાં નજીકથી જોડાયેલા હો, તો ક્યારેક તમારે ડૉક્ટરો સાથે તેમની સારવાર અંગે વાત કરવી પડી શકે છે, નિર્ણયો લેવામાં મદદ કરવી પડી શકે છે અથવા તેમની તરફેણમાં બોલવું પડી શકે છે. આ અંગે વધુ માહિતી માટે તમે માનસિક બીમારી ધરાવતી વ્યક્તિની સંભાળ રાખવા અંગેના અમારા સંસાધનમાં જોઈ શકો છો.
આર્થિક સહાય
તમે ઓળખતા હો એવી વ્યક્તિને અસ્વસ્થતા દરમિયાન વધારે પૈસા ખર્ચવાની શક્યતા હોઈ શકે છે અથવા અન્ય લોકો દ્વારા આર્થિક રીતે શોષણ થવાની શક્યતા હોઈ શકે છે. જો આવું હોય, તો તમે તેમની રકમ સુરક્ષિત રહે તે માટે કેટલાક પગલાં લેવામાં તેમને મદદ કરી શકો છો. આ નિર્ણય તમારે બંનેએ મળીને લેવો જરૂરી છે.
લાભો, આર્થિક સલાહ અને દેવા વિશે વધુ જાણ માટે તમે અમારા માહિતી સંસાધનમાં જોઈ શકો છો. તમે National Debtline વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો જ્યાં માનસિક બીમારી ધરાવતાં લોકો માટે પૈસા, દેવા અને આર્થિક સહાય વિશે વધુ વાંચી શકો છો.
તમે સીટીઝન્સ એડવાઇઝ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા તમારું સ્થાનિક સીટીઝન્સ એડવાઇઝ શોધી શકો છો. તમે લાભો વિશે સલાહકાર સાથે વાત કરી શકશો અને તેઓ ફોર્મ ભરવામાં તથા આધાર પુરાવા મેળવવામાં મદદ કરી શકે છે.
ભ્રમણાઓને સમજવી
જ્યારે કોઈ જાણકાર વ્યક્તિના વિચારો કે ઇરાદા ખોટા હોય ત્યારે પરિવાર અને મિત્રો માટે કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે જાણવું મુશ્કેલ બની શકે છે. પરિવારજનો અને મિત્રો ઘણીવાર વિચારે છે કે શું આવા વિચારોને પડકારવા, તેની સાથે સંમત થવું કે પછી અવગણવું. એ યાદ રાખવું મહત્ત્વનું છે કે મનોવિકૃતિના લક્ષણો અનુભવતી વ્યક્તિ માટે આ લક્ષણોને વાસ્તવિકતાથી અલગ ઓળખવું અશક્ય બની શકે છે.
આવી સ્થિતિમાં, તેમની ભાવનાઓને માન્યતા આપવી વધુ ઉપયોગી હોઈ શકે છે, તેમની ભાવનાઓને ઉત્પન્ન કરતી માન્યતાઓને નહિ. ઉદાહરણ તરીકે, જો તમે જેને જાણો છો તે વ્યક્તિને ડર હોય કે તેઓ સરકાર દ્વારા દેખરેખ હેઠળ છે, તો તેમને સમજાવવાનો પ્રયાસ કરવાને બદલે કે આવું થઈ રહ્યું નથી, તો તમે તેમની લાગણીઓનો જવાબ આ રીતે આપી શકો છો:
“આ ખરેખર બહુ ડરામણું લાગતું હશે, મને ખૂબ દુઃખ થાય છે. શું તમને વધુ સુરક્ષિત લાગે તે માટે હું કંઈ કરી શકું?”
દુર્ભાગ્યે, સંકટની સ્થિતિમાં હો ત્યારે તમે હંમેશા કોઈને સારો અનુભવ કરાવી શકશો જ એવું નથી.
જો તમે સંભાળ આપનાર હો
જો તમે માનસિક બીમારી ધરાવતી કોઈ વ્યક્તિની સંભાળ માટે સમય આપો છો, તો તમને ‘કેરર’ ગણવામાં આવી શકે છે. મનોવિકૃતિ જેવી ગંભીર માનસિક બીમારી ધરાવતી વ્યક્તિની સંભાળ રાખવી ઘણો વખત ખૂબ મુશ્કેલ હોઈ શકે છે અને આ દરમિયાન તમારું પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવું પણ એટલું જ મહત્ત્વનું છે. ભલે તમે તમારા જાતને કેરર તરીકે ન ગણાવતા હો, છતાં પણ તમને કેટલીક રાહતો અને સહાય મેળવવાનો અધિકાર હોઈ શકે છે.
જો તમે કેરર હો, તો તમને મફત કેરર મૂલ્યાંકન મેળવવાનો અધિકાર છે. આ મૂલ્યાંકન તમારા જીવનને સરળ બનાવવા માટે શું મદદરૂપ થઈ શકે તે નક્કી કરવામાં સહાય કરે છે. તેને કેવી રીતે મેળવવું તેની વધુ માહિતી માટે તમે NHSની વેબસાઇટ પર જોઈ શકો છો.
તમે મનોવિકૃતિનો અનુભવ કરતા લોકોના કેરર્સ, મિત્રો અથવા પરિવારજનો માટે ખાસ સ્થાનિક સપોર્ટ જૂથો પણ શોધી શકો છો.
આ વિષયમાં વધુ માહિતી માટે માનસિક બીમારી ધરાવતી વ્યક્તિની સંભાળ અંગેના અમારા સંસાધન જુઓ.
વધુ સંસાધનો
પુખ્ત વયના લોકોમાં મનોવિકૃતિ અને સ્કિઝોફ્રેનિયા: નિવારણ અને સંચાલન, જાહેર જનતા માટે માહિતી, NICE – The National Institute for Health and Care Excellence (NICE) વિવિધ આરોગ્ય સ્થિતિઓ માટે લોકોએ કઈ સારવાર અને સંભાળ મેળવવી જોઈએ તેના ધોરણો અંગે માર્ગદર્શન પૂરું પાડે છે. આ માહિતી સામાન્ય જનતા માટે છે અને તે મનોવિકૃતિ તથા સ્કિઝોફ્રેનિયા ધરાવતા પુખ્ત વયસ્કો માટેના માર્ગદર્શનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
સખાવતી સંસ્થાઓ (ચેરિટીઓ)
નીચે આપેલી ચેરિટીઓ દ્વારા તમે મનોવિકૃતિ અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યા ઓ વિશે વિશ્વસનીય માહિતી મેળવી શકો છો:
સંબંધિત સંસાધનો
નીચે અમારા કેટલાક સંસાધનો આપેલા છે, જે મનોવિકૃતિ અને તેની સહાય તથા સારવાર સાથે સંબંધિત છે અને તમને મદદરૂપ લાગી શકે છે:
અન્ય સ્થિતિઓ
સારવાર
સહાય અને સંભાળ
ક્રેડિટ્સ
આ માહિતી મનોચિકિત્સકોની રોયલ કોલેજ (Royal College of Psychiatrists')ના પબ્લિક એંગેજમેન્ટ એડિટોરિયલ બોર્ડ (PEEB) દ્વારા બનાવવામાં આવી હતી. તે લેખન સમયે ઉપલબ્ધ શ્રેષ્ઠ પુરાવાઓને પ્રતિબિંબિત કરે છે.
નિષ્ણાત લેખકો: ડૉ ડેક્લાન હાયલેન્ડ, ડૉ એન્જેલિકી ત્ઝિયાકા, ડૉ જોન ક્રોસબી અને ડૉ લુએ એલ્ટેગી
અનુભવી નિષ્ણાતો: એલિસ ઇવાન્સ, એશલી એનસિમ્બી, ડેબ્રા ક્નીચાલા, જેનેટ સીલ, માર્ક એલરબી, માઈકલ રોબિન્સન અને ડૉ સોફિજા ઓપેસિક.
વિનંતી પર ઉપલબ્ધ સંદર્ભો.
This translation was produced by CLEAR Global (June 2026)